Entertainment

60 વર્ષની ઉંમરે પણ એ જ સ્વેગ! સલમાન ખાને પાપારાઝીઓને ખખડાવ્યા

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન મુંબઈની હિન્દુજા હોસ્પિટલ બહાર પાપારાઝીઓના વર્તનથી ભારે નારાજ થયો હતો. હોસ્પિટલની બહાર સલમાન ખાનને જોઈ ફોટોગ્રાફર્સ અને કેમેરામેન તેની તસવીરો લેવા માટે બૂમો પાડવા લાગ્યા હતા. આ દરમિયાન સલમાન પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યો નહોતો અને તેણે મીડિયાકર્મીઓને ખુલ્લેઆમ ઠપકો આપ્યો હતો. બાદમાં તેણે સોશિયલ મીડિયા પર પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મંગળવારે હોસ્પિટલ બહાર બનેલી ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. વીડિયોમાં સલમાન ખાન ગુસ્સામાં કેમેરામેન તરફ આંગળી ચીંધતો જોવા મળ્યો હતો. સલમાને કહ્યું હતું કે, “તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું? જો તમારા પરિવારનો કોઈ સભ્ય હોસ્પિટલમાં હોત તો પણ તમે આવું જ વર્તન કરત?” સલમાનના આકરા શબ્દો સાંભળીને ઘણા પાપારાઝીઓ ગભરાઈ ગયા હતા. કેટલાકે તરત માફી પણ માગી અને ત્યાંથી દૂર ચાલ્યા ગયા હતા.

આ ઘટનાના થોડા કલાકો બાદ સલમાને સોશિયલ મીડિયા પર સતત અનેક પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું કે તે હંમેશા મીડિયાને સપોર્ટ કરતો આવ્યો છે અને ફોટોગ્રાફર્સને કામ મળે તે માટે સહકાર આપતો રહ્યો છે. પરંતુ કોઈ વ્યક્તિના દુઃખ કે મુશ્કેલીને કમાણીનું સાધન બનાવવું ખોટું છે. સલમાને લખ્યું કે, ‘હું હંમેશા મીડિયાની પડખે ઉભો રહ્યો છું, તેમની સાથે વાત કરી છે અને તેમને રોજગાર મળે તેનું ધ્યાન રાખ્યું છે. પરંતુ જો કોઈ મારા દુઃખમાંથી પૈસા કમાવા માંગે, તો આ યોગ્ય નથી.’ તે આગળ લખે છે કે, “કોઈના દર્દની મજા ન લો. જ્યારે તમારું કોઈ હોસ્પિટલમાં હશે ત્યારે શું હું આવું વર્તન કરીશ?” સલમાને પોતાની પોસ્ટમાં થોડો કડક અંદાજ પણ બતાવ્યો હતો. તેણે લખ્યું કે, “હું 60 વર્ષનો થઈ ગયો છું, પણ લડવાનું ભૂલ્યો નથી, આ યાદ રાખજો.” તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવી હતી.

સલમાન ખાને એક પોસ્ટમાં પોતાની આવનારી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું કે લોકો હોસ્પિટલ જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ ફક્ત વીડિયો અને ફોટા લેવા પાછળ દોડે છે. “પિક્ચર મહત્ત્વની છે કે જિંદગી?” એવો સવાલ પણ તેણે કર્યો હતો. આ ઘટના બાદ ફરી એકવાર બોલિવુડ સ્ટાર્સ અને પાપારાઝીઓ વચ્ચેના સંબંધો ચર્ચામાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે, જેમાં સેલિબ્રિટીઓએ મીડિયા અને ફોટોગ્રાફર્સના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી છે. થોડા સમય પહેલા ધર્મેન્દ્રની તબિયત ખરાબ થતાં અને બાદમાં તેમના અવસાન સમયે પણ સની દેઓલ અને પાપારાઝીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હવે સલમાન ખાનની આ ઘટના બાદ ફરી ચર્ચા શરૂ થઈ છે કે સેલિબ્રિટીઓની પ્રાઈવસીનો સન્માન થવો જોઈએ.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળ્યો હતો. હવે તે ટૂંક સમયમાં ચિત્રાંગદા સિંહ સાથે ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’માં જોવા મળશે. આ ફિલ્મ 2020ના ગલવાન ઘાટીના ભારત-ચીન સંઘર્ષ પર આધારિત હોવાનું કહેવાય છે. આ સિવાય સલમાન સાઉથ સ્ટાર નયનથારા સાથે પણ નવી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન વંશી પેઇડિપલ્લી કરી રહ્યા છે, જ્યારે નિર્માતા દિલ રાજુ છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે, જોકે ફિલ્મના નામની જાહેરાત હજી કરવામાં આવી નથી.

Most Popular

To Top