Business

સમુદ્રમાં ભારતની તાકાત વધશે: 70 હજાર કરોડની સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાન ચિંતિત

ભારત હવે પોતાની સમુદ્રી સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ભારતીય નૌકાદળની તાકાત વધારવા માટે લગભગ 70 હજાર કરોડ રૂપિયાની મેગા સબમરીન ડીલને અંતિમ રૂપ આપવાની તૈયારીમાં છે. આ ડીલ હેઠળ ભારત 6 અત્યાધુનિક સબમરીન ખરીદશે, જે ભારતીય નૌકાદળની ક્ષમતામાં મોટો વધારો કરશે. ખાસ વાત એ છે કે આ સબમરીન એવી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે કે દુશ્મન દેશો માટે તેને શોધવી ખૂબ મુશ્કેલ બનશે. રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર મહિનામાં પ્રોજેક્ટ-75 ઇન્ડિયા હેઠળ આ મહત્વપૂર્ણ ડીલને મંજૂરી આપી શકે છે. તે પહેલાં આ મહિનાના અંતમાં આંતર-મંત્રાલય સમિતિની બેઠક યોજાશે, જેમાં ખરીદી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી શક્યતા છે. આ ડીલને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી નૌકાદળ સંબંધી સંરક્ષણ ડીલોમાંથી એક માનવામાં આવી રહી છે.

આ પ્રોજેક્ટમાં મુંબઈની સરકારી કંપની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ મહત્વની ભૂમિકા ભજવશે. કંપની જર્મનીની પ્રખ્યાત થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ સાથે ભાગીદારીમાં આ સબમરીન તૈયાર કરશે. આ કરાર હેઠળ જર્મની ભારતને સબમરીનની ડિઝાઇન અને મહત્વપૂર્ણ ટેક્નોલોજી પણ આપશે. જેના કારણે ભવિષ્યમાં ભારતમાં જ સબમરીન બનાવવાની ક્ષમતા વધુ મજબૂત બનશે અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પણ મોટી ગતિ મળશે. સમજૂતી પૂર્ણ થયા બાદ લગભગ સાત વર્ષમાં પહેલી સબમરીન ભારતીય નૌકાદળને સોંપવામાં આવશે. ત્યારબાદ દર વર્ષે એક નવી સબમરીન નૌકાદળમાં સામેલ થતી જશે. આ પ્રોજેક્ટ માત્ર સુરક્ષા માટે જ નહીં, પરંતુ ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આ સબમરીનની સૌથી મોટી ખાસિયત એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન એટલે કે AIP ટેક્નોલૉજી હશે. સામાન્ય ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીનને થોડા સમય બાદ બેટરી ચાર્જ કરવા માટે પાણીની સપાટી નજીક આવવું પડે છે. આ દરમિયાન દુશ્મન દેશોના રડાર અથવા સર્વેલન્સ સિસ્ટમ તેને સરળતાથી શોધી શકે છે. પરંતુ AIP ટેક્નોલોજી ધરાવતી સબમરીન લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે અને તેને શોધવી ખૂબ મુશ્કેલ બને છે. આ ટેક્નોલોજીના કારણે સબમરીનની સ્ટેલ્થ ક્ષમતા ઘણી વધી જાય છે. એટલે કે દુશ્મન દેશો માટે તેની હિલચાલ પર નજર રાખવી મુશ્કેલ બને છે. યુદ્ધની સ્થિતિમાં આ પ્રકારની સબમરીન ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે, કારણ કે તે લાંબા સમય સુધી છુપાઈને હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

હાલ ભારતીય નૌકાદળ પાસે અંદાજે 16 પરંપરાગત સબમરીન છે, પરંતુ તેમાંની ઘણી સબમરીન જૂની થઈ ગઈ છે. આશરે 10 સબમરીન હવે નિવૃત્તિની નજીક પહોંચી ગઈ છે. આ કારણે ભારતીય નૌકાદળ માટે નવી પેઢીની સબમરીનની જરૂરિયાત ખૂબ વધી ગઈ હતી. બીજી તરફ, પડોશી દેશ પાકિસ્તાન સતત પોતાની સમુદ્રી શક્તિમાં વધારો કરી રહ્યું છે. પાકિસ્તાનને ચીન તરફથી આધુનિક AIP સબમરીન મળી રહી છે. ગયા વર્ષે પાકિસ્તાને ચીનની મદદથી ચોથી AIP સબમરીન પોતાના નૌકાદળમાં સામેલ કરી હતી. રિપોર્ટ્સ મુજબ, આગામી વર્ષોમાં પાકિસ્તાન પાસે કુલ 11 AIP સબમરીન હોઈ શકે છે.

ચીન પહેલેથી જ વિશ્વની સૌથી શક્તિશાળી નૌકાદળ શક્તિઓમાં ગણાય છે અને તે હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારવા સતત પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત માટે પોતાની સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ખાસ કરીને ઇન્ડિયન ઓશન રિજનમાં ચીનની વધતી હાજરીને ધ્યાનમાં રાખીને ભારત હવે વધુ સજ્જ થવા માંગે છે. રક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે આ ડીલ ભારત માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે. નવી સબમરીનથી ભારતીય નૌકાદળને માત્ર રક્ષણાત્મક જ નહીં, પરંતુ વ્યૂહાત્મક રીતે પણ મોટો ફાયદો મળશે. સમુદ્રમાં ભારતની હાજરી વધુ મજબૂત બનશે અને દુશ્મન દેશો માટે પડકાર ઊભો થશે. આ પ્રોજેક્ટ ભારતની લાંબા ગાળાની સમુદ્રી સુરક્ષા વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે. ભારત હવે જમીન અને આકાશની સાથે સમુદ્રમાં પણ પોતાની તાકાત વધારીને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરવા તરફ આગળ વધી રહ્યું છે.

Most Popular

To Top