Vadodara

વડોદરા : આજવા રોડ પર જ્વેલર્સ ભાઈઓ પર ટોળાનો જીવલેણ હુમલો

સીસીટીવી કેમેરા મુદ્દે થયેલી અદાવત રાખી 10થી 15 શખ્સોએ કર્યો હુમલો, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા

વડોદરા તા.21

વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધતો જાય છે. આજવા રોડ પર આવેલા શ્રી હરિ ટાઉનશીપમાં રહેતા અને દેવનારાયણ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા ત્રણ ભાઈઓ પર 10 થી 15 જેટલા તત્વોએ જીવલેણ હુમલો કરતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. સીસીટીવી કેમેરા લગાડવાની બાબતે થયેલી જૂની પોલીસ ફરિયાદની અદાવત રાખી ટોળાએ બાપોદ પોલીસ સ્ટેશન નજીક જ હુમલો કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ શ્રી હરિ ટાઉનશીપમાં દેવનારાયણ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા જીતેન્દ્ર મેવાડા, સુનિલ મેવાડા અને વિપુલ મેવાડા નામના ત્રણ ભાઈઓ પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
શ્રી હરિ ટાઉનશીપમાં સીસીટીવી કેમેરા લગાડવાની બાબતે અગાઉ થયેલી પોલીસ ફરિયાદની અદાવત રાખી યતીન, યશ, અનિલ સહિત 10 થી 15 જેટલા શખ્સોએ જ્વેલર્સ ભાઈઓને નિશાન બનાવ્યા હતા.
આક્ષેપ મુજબ બાપોદ પોલીસ સ્ટેશન નજીક જ ટોળાએ ત્રણેય ભાઈઓ પર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. હુમલામાં એક ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાને લઈને વધુ ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે. જ્વેલર્સ પરિવારનું કહેવું છે કે બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની હાજરીમાં જ હુમલો થયો હતો છતાં પોલીસ દર્શક બની રહી હતી. જેના કારણે બાપોદ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
આ ઉપરાંત, સારવાર માટે એસએસજી હોસ્પિટલ પહોંચેલા ભાઈઓની રેકી કરી હોસ્પિટલના કેન્ટીન પાસે અન્ય એક ભાઈને ઘેરી માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. જ્યારે અન્ય એક ભાઈને એકતા નગર પાસે રોકી હુમલો કરી તેની પાસે રહેલી બેગ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્રણેય ભાઈઓએ આરોપ લગાવ્યો છે કે શ્રી હરિ ટાઉનશીપમાં રહેતા યતીન, યશ, અનિલ સહિત અન્ય શખ્સોએ મળીને હુમલો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશન તેમજ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી છે.
જ્વેલર્સ ભાઈઓનું કહેવું છે કે બાપોદ પોલીસની નજર સમક્ષ હુમલો થવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી અને માત્ર અરજી લઈ તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે પોલીસની કામગીરી ફરી એકવાર શંકાના ઘેરામાં આવી છે.

Most Popular

To Top