મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક; મોન્સૂન એક્શન પ્લાન હેઠળ જર્જરિત 5 બ્રિજનું ત્વરિત મજબૂતીકરણ કરાશે, સેન્ટ્રલ વોટર કમિશન અને ‘ગેરી’ સંસ્થા રાખશે સીધી નજર
વડોદરા: મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં શહેરના વિકાસ કાર્યો તેમજ ચોમાસા પૂર્વેની આયોજનબદ્ધ તૈયારીઓને લઈને એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાસ કરીને વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીના પુનઃઉદ્ધાર, પૂર નિયંત્રણ અને શહેરની સ્વચ્છતા બાબતે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કમિશનરે ગત વર્ષની કામગીરીની સમીક્ષા કરી તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા હતા અને ચાલુ વર્ષના પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા કરવા આદેશ આપ્યા હતા.
બેઠક અંગે વિગતો આપતા કમિશનરે જણાવ્યું કે, નવલાવાલા કમિટીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં મળેલી બેઠકના આધારે વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને કાંપ કાઢવાની કામગીરી આગળ ધપાવવામાં આવશે. આ અંતર્ગત પ્રતાપુરા રિઝર્વાયર અને આજવા સરોવરની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધારવાનું કામ ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દેવામાં આવશે.
શહેરના બ્રિજ અને સ્ટ્રક્ચર્સની મજબૂતાઈ અંગે તેમણે ઉમેર્યું કે, કોર્પોરેશન દ્વારા કુલ 12 જેટલા પુલના સ્ટ્રેન્થનિંગ માટેનું આયોજન હતું. જો કે, ચોમાસું નજીક હોવાથી અને ફંડની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, હાલના તબક્કે 5 મહત્વની જગ્યાઓ પર અર્બન વોલ્સ અને સ્ટ્રક્ચર્સનું મોનિટરિંગ કરવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત 2 બ્રિજ અને 3 એવી જગ્યાઓ જ્યાં પાણીના વહેણને કારણે ધોવાણ થવાની શક્યતા વધુ છે, ત્યાં તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન વર્ક હાથ ધરાશે.
આ સમગ્ર પ્રોજેક્ટની ગુણવત્તા જાળવવા માટે સેન્ટ્રલ વોટર કમિશન ના માર્ગદર્શન હેઠળ વોટર ફ્લો મેનેજમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે રાજ્ય સરકારની સ્ટાન્ડર્ડ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુટ ‘ગેરી’ ની સેવાઓ પણ લેવાશે. વિશ્વામિત્રી નદીની પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ઉપરવાસમાં ડાયવર્શન કેનાલ બનાવવા અને જમીન સંપાદન કરવા માટેની એક વિસ્તૃત દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી રહી છે.
આ સાથે બેઠકમાં સ્વચ્છતા અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ‘સ્વચ્છ સર્વેક્ષણ’ અંતર્ગત સાઉથ ઝોનમાં ‘1 ડે 1 રોડ’ સફાઈ ઝુંબેશ શરૂ કરાશે, જ્યારે વેસ્ટ ઝોનમાં આવેલા ઐતિહાસિક ગોધરી તળાવની ગંદગી દૂર કરવા માટે પણ યુદ્ધના ધોરણે વિશેષ પ્લાનિંગ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.
લારી-ગલ્લા ધારકો માટે મોટો નિર્ણય
વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ફેરિયાઓના સુવ્યવસ્થિત સંચાલન માટે ટાઉન વેન્ડિંગ કમિટીને સક્રિય કરવામાં આવશે. GULM અંતર્ગત તમામ સ્ટ્રીટ વેન્ડર્સનો નવેસરથી સર્વે કરી તેમને કાયદેસરના આઈડી કાર્ડ આપવામાં આવશે. આ પોલિસી હેઠળ શહેરમાં ‘વેન્ડિંગ ઝોન’ અને ‘નો-હોકિંગ ઝોન’ નક્કી કરાશે તેમજ રાત્રી બજારની તર્જ પર ફેરિયાઓને અલગ એરિયા અને શાકભાજી બજારો ફાળવવાનું આયોજન છે.