પરિણામ સાથે કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકા અને જીકાસ પેમ્ફલેટ પણ ફ્રી માં મળશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ અને પ્રમાણપત્રોના વિતરણનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને 23મી મેના રોજ શાળામાંથી માર્કશીટ મળી જશે.
બોર્ડના પ્રતિનિધિઓ તમામ જિલ્લાઓના નિયત વિતરણ સ્થળે માર્કશીટ, પ્રમાણપત્રો અને એનરોલમેન્ટ સર્ટિફિકેટ પહોંચાડશે. 22મી મે, ગુરુવારના રોજ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પરિણામ વિતરણ કરાશે. 23મી મે, શુક્રવારે રાજ્યની તમામ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. પરિણામ સાથે જ દરેક વિદ્યાર્થીને કારકિર્દી માર્ગદર્શનની પુસ્તિકા અને જીકાસ દ્વારા આપવામાં આવેલા પેમ્ફલેટના બોક્સ શાળાઓને અપાશે. ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ લેવા આવનાર તમામ વિદ્યાર્થીઓને કેરિયર ગાઇડન્સ સાહિત્ય આપવાનું શાળાઓ માટે ફરજિયાત રહેશે, જેથી તેઓ આગળના અભ્યાસ માટે યોગ્ય નિર્ણય લઈ શકે. 4 મેના રોજ પરિણામ જાહેર થયા બાદ 19મા દિવસે વિદ્યાર્થીઓના હાથમાં માર્કશીટ આવી જશે. બોર્ડના પરિપત્ર મુજબ, વિતરણ ન થયેલા ગુણપત્રકો, પ્રમાણપત્રો અને વધારાનું સાહિત્ય 7 દિવસમાં બોર્ડની કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે. તમામ શાળાઓએ મળેલા ગુણપત્રકો અને પ્રમાણપત્રોનું સલામત સ્થળે ઉતારવાની વ્યવસ્થા કરવાની રહેશે.