લોકસભામાં આજે પરીક્ષા સુધારા વિધેયક પર યોજાયેલી ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે CJP પ્રોટેસ્ટ અને વિદ્યાર્થી આંદોલનનો ઉલ્લેખ કરીને સરકારની નીતિઓની સખત ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ ગૃહમાં જણાવ્યું હતું કે, દેશના વિદ્યાર્થીઓના દિલમાં જે ગુસ્સો છે તે સંપૂર્ણપણે વ્યાજબી છે. દેશના યુવાનોએ પોતાના ભવિષ્ય માટે રસ્તા પર ઉતરવું પડ્યું હતું અને તેમની આ ભાવનાઓને આખા દેશે સમજી છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપના નેતાઓએ આ બિલ પર પોતાના બાળકો સાથે પણ ચર્ચા કરીને તેમની સંમતિ લેવી જોઈએ.
પોતાનો પક્ષ રજૂ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વિદ્યાર્થીઓના આંદોલનમાં કોઈ હિંસા કે નફરત નહોતી, પરંતુ તે દેશની નવી પેઢીની ઊંડી લાગણીઓ અને ભવિષ્યની ચિંતાની અભિવ્યક્તિ હતી. તમામ રાજકીય પક્ષોએ આ ભાવનાનું સન્માન કરવું જોઈએ. જો ભાજપના સાંસદો પોતાના બાળકોને પૂછશે, તો તેઓ પણ વિદ્યાર્થીઓના આ આંદોલનને જ સમર્થન આપશે. ભારતના દરેક નાગરિકને દેશના યુવાનો પર ગર્વ હોવો જોઈએ.
ગૃહમાં ભારે હંગામો અને કિરેન રિજિજુની આપત્તિ
રાહુલ ગાંધીના નિવેદન બાદ લોકસભામાં ભારે હંગામો મચી ગયો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીના વક્તવ્ય સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓના નામે અસંસદીય ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે અને સભાપતિ સમક્ષ માંગ કરી હતી કે રાહુલ ગાંધીના નિવેદનને લોકસભાની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવે.
આ સત્તાપક્ષના વિરોધ પર પલટવાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હું જ્યારે પણ બોલવા ઊભો થાઉં છું ત્યારે સત્તાપક્ષ વચ્ચે ટોકાટાકી કરવા લાગે છે. શું દેશમાં માત્ર ભાજપના નેતાઓને જ બોલવાનો હક છે? તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે કોઈ અસંસદીય કે ખોટા શબ્દનો ઉપયોગ કર્યો નથી. બીજી તરફ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ગૃહમાં હસ્તક્ષેપ કરતા કહ્યું કે જો કોઈ અસંસદીય શબ્દ હોય તો તેને કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવે, પરંતુ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પૂરા સાંભળવામાં આવે.
શિક્ષણ વ્યવસ્થા, પેપર લીક અને RSS પર ગંભીર આક્ષેપો
આંદોલન અને પરીક્ષા બિલ પર બોલતા રાહુલ ગાંધીએ શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા:
- પેપર લીક અને ખાનગીકરણ: દેશના ગરીબ અને પ્રામાણિક વિદ્યાર્થીઓ શિક્ષણ વ્યવસ્થાથી ભારે નારાજ છે. 30 થી 40 લાખ રૂપિયામાં પેપરો લીક થઈ રહ્યા છે, જેના કારણે ગરીબ વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે. ખાનગી કંપનીઓ પરીક્ષાઓ યોજી રહી છે અને શિક્ષણ હવે કમાણી અને વસૂલીનું સાધન બની ગયું છે.
- RSS નું વર્ચસ્વ: રાહુલ ગાંધીએ સીધો આરોપ લગાવ્યો કે દેશની સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પર આરએસએસ (RSS) નો કબજો થઈ ગયો છે. દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSS ના વિચારો ધરાવતા વાઈસ ચાન્સલર ગોઠવી દેવાયા છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન માત્ર RSS નો ચહેરો છે. RSS નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અંધભક્ત બનાવવાનો છે.
- ગૃહમંત્રી પર પ્રહાર: તેમણે ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધતા કહ્યું કે ગૃહમંત્રીમાં ગૃહમાં બેસવાની હિંમત નથી અને તેઓ ડરેલા છે. તેમણે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો.
આ તબક્કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે રાહુલ ગાંધીના સમર્થનમાં ઉમેર્યું હતું કે જો વિપક્ષના નેતાએ આટલા ગંભીર આક્ષેપો કર્યા છે, તો સત્તાપક્ષની નૈતિક જવાબદારી બને છે કે તેઓ તપાસ કરાવે કે પોલીસે કોના આદેશથી આવી કાર્યવાહી કરી.