Business

Paytm પેમેન્ટ્સ બેંક થશે બંધ , પરંતુ એપ અને UPI સેવાઓ ચાલુ રહેશે: જાણો યુઝર્સ પર શું અસર પડશે

દેશના કરોડો ડિજિટલ પેમેન્ટ યુઝર્સ માટે રાહતના સમાચાર છે. દિલ્હી હાઈકોર્ટે Paytm Payments Bank Limited (PPBL) ને બંધ કરવાનો આદેશ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વહેતી થઈ હતી કે Paytm એપ સંપૂર્ણપણે બંધ થઈ જશે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. અદાલતનો આદેશ માત્ર Paytm પેમેન્ટ્સ બેંક પૂરતો મર્યાદિત છે, જ્યારે Paytm એપ અને તેની મોટાભાગની ડિજિટલ સેવાઓ પહેલાની જેમ જ કાર્યરત રહેશે. પેટીએમ હવે અન્ય પ્રમુખ બેંકો સાથે ભાગીદારી કરીને પોતાની પેમેન્ટ સેવાઓનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યું છે.

સમગ્ર મામલો શું છે?

Paytm પેમેન્ટ્સ બેંક લાંબા સમયથી ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નિરીક્ષણ હેઠળ હતી. નિયમનકારી ધોરણોના પાલન અને KYC સંબંધિત ખામીઓને કારણે આરબીઆઈએ અગાઉ પ્રતિબંધો લગાવ્યા હતા.

  • એપ્રિલ 2026 માં આરબીઆઈએ બેંકનું લાયસન્સ રદ કર્યું હતું અને દિલ્હી હાઈકોર્ટમાં બેંકને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવા અરજી કરી હતી.
  • દિલ્હી હાઈકોર્ટે આ અરજી મંજૂર કરીને પૂર્વ એસબીઆઈ અધિકારી ગિરીકુમાર એમ. નાયરને ઓફિશિયલ લિક્વિડેટર તરીકે નિયુક્ત કર્યા છે.
  • લિક્વિડેટર હવે બેંકની સંપત્તિઓ, દેવાની પતાવટ અને કાનૂની પ્રક્રિયાઓની દેખરેખ રાખશે.

Paytm એપ પર કોઈ અસ૨ નહીં

Paytm પેમેન્ટ્સ બેંક અને Paytm એપ બંને અલગ-અલગ સંસ્થાઓ છે. Paytm એપનું સંચાલન One97 Communications કરે છે, જ્યારે પેમેન્ટ્સ બેંક એક અલગ બેંકિંગ યુનિટ હતી.

  • ચાલુ રહેનારી સેવાઓ: UPI પેમેન્ટ્સ, કોઈપણ QR કોડ સ્કેનિંગ, મોબાઈલ રિચાર્જ, લાઈટ-ગેસ-પાણીના બિલ ચુકવણી, DTH રિચાર્જ, મેટ્રો કાર્ડ રિચાર્જ અને ઓનલાઈન શોપિંગ પેમેન્ટ્સ પહેલાની જેમ જ ચાલુ રહેશે.
  • સામાન્ય યુઝર્સ માટે સૂચના: જો તમારું UPI એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ કે અન્ય કોઈ બેંક ખાતા સાથે લિંક છે અને તમે માત્ર Paytm એપનો ઉપયોગ કરો છો, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
  • કોણે ધ્યાન રાખવું? જે ગ્રાહકોના બચત કે ચાલુ ખાતા સીધા Paytm પેમેન્ટ્સ બેંક સાથે જોડાયેલા હતા, તેમણે લિક્વિડેટર અને RBI ની સત્તાવાર માર્ગદર્શિકા પર નજર રાખવી પડશે.

ગેરસમજ કેમ ફેલાઈ અને આગળ શું?

Paytm Payments Bank અને Paytm એપ બંનેમાં Paytm નામ હોવાથી ઘણા લોકોને લાગ્યું કે આખું Paytm પ્લેટફોર્મ બંધ થઈ જશે. સોશિયલ મીડિયા પર પણ અનેક ભ્રામક સંદેશા વાયરલ થયા હતા. જોકે Paytm Payments Bank અને One97 Communications દ્વારા સંચાલિત Paytm એપ અલગ સંસ્થાઓ છે. તેથી બેંક બંધ થવાનો અર્થ એપની તમામ સેવાઓ બંધ થવો નથી. હવે લિક્વિડેટર બેંકની સંપત્તિ અને બાકી જવાબદારીઓનું નિરાકરણ લાવશે, જ્યારે Paytm પોતાની ડિજિટલ સેવાઓ અન્ય બેંકિંગ ભાગીદારો સાથે અગાઉની જેમ ચાલુ રાખશે.

Most Popular

To Top