ઝારખંડ, બિહાર, ઓડિશા અને છત્તીસગઢમાં માઓવાદી પ્રવૃત્તિઓનો મુખ્ય માસ્ટરમાઇન્ડ અને ટોચનો કમાન્ડર મિસિર બેસરા આખરે સુરક્ષા દળોના હાથે ઝડપાઈ ગયો છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સી (IB), ઝારખંડ પોલીસ, CRPF અને ‘ઝારખંડ જગુઆર’ દ્વારા ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન મંગળવારે સાંજે ધનબાદ-ગિરિડીહ બોર્ડર પરથી તેની અટકાયત કરવામાં આવી હતી.
કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા બેસરા પર 1 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે તે ટાટા મેજિક વાહનમાં પોતાના સાથીઓ સાથે જઈ રહ્યો છે, જેના આધારે ઘેરાબંધી કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
સાથીઓ સાથે ધરપકડ અને ગુનાહિત ઇતિહાસ
મિસિર બેસરાની સાથે માઓવાદી સંગઠનના અન્ય બે સક્રિય સભ્યો મોછુ અને સૌરભ (ઉર્ફે ગૌરવ) ની પણ ધરપકડ કરવામાં આવી છે.
- મિસિર બેસરા ઝારખંડનો એકમાત્ર માઓવાદી પોલિટ બ્યુરો મેમ્બર હતો જે વર્ષોથી ફરાર ચાલી રહ્યો હતો.
- તેના પર સુરક્ષા દળો પર હુમલા, આઈઈડી બ્લાસ્ટ, હત્યા અને વસૂલી જેવા ડઝનબંધ ગુનાહિત કેસો નોંધાયેલા છે.
- તે વર્ષ 2003 અને 2004 દરમિયાન થયેલા બે મોટા IED વિસ્ફોટોનો મુખ્ય સૂત્રધાર હતો, જેમાં 55 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.
- કોલ્હાન, સારંડા અને પારસનાથ જેવા જંગલ વિસ્તારોમાં તેનું નેટવર્ક અત્યંત મજબૂત માનવામાં આવતું હતું.
માઓવાદી નેટવર્ક પર સૌથી મોટો પ્રહાર
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, મિસિર બેસરાની ધરપકડથી પૂર્વ ભારતમાં સક્રિય માઓવાદી નેટવર્ક ભાંગી પડ્યું છે. પૂછપરછ દરમિયાન સંગઠનની ટોપ લીડરશીપ, હથિયારોની સપ્લાય, સેફ હાઉસ અને વસૂલીના નેટવર્ક અંગે મહત્ત્વની વિગતો બહાર આવવાની શક્યતા છે.
નોંધનીય છે કે, છેલ્લા 1 અઠવાડિયાની અંદર જ ઝારખંડમાં 27 માઓવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, જે તમામ બેસરા કેડર સાથે સંકળાયેલા હતા. રેડ કોરિડોરમાં સુરક્ષા દળોની સતત વધતી પકડને કારણે માઓવાદી સંગઠન નબળું પડી રહ્યું છે.