ઇમ્તિયાઝ અલી ફરી એકવાર એવી પ્રેમકથા લઈને આવ્યા છે, જે માત્ર રોમાંસ નહીં પરંતુ લાગણીઓ, વિયોગ અને યાદોની દુનિયામાં લઈ જાય છે. દિલજીત દોસાંઝ, વેદાંગ રૈના અને શર્વરી અભિનિત ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’નું ટ્રેલર આજે 19 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફિલ્મની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાગલા યુગની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મમાં પ્રેમ, વિયોગ અને વર્ષો જૂની અધૂરી લાગણીઓની એક અનોખી સફર બતાવવામાં આવી છે. હંમેશાની જેમ ઇમ્તિયાઝ અલી પોતાની સિગ્નેચર સ્ટોરીટેલિંગ સ્ટાઈલ સાથે પાછા ફર્યા છે. તેમની ફિલ્મોમાં લાગણીઓની ઊંડાઈ, પાત્રોની એકલતા અને પ્રેમની તીવ્રતા ખાસ જોવા મળે છે અને ‘મૈં વાપસ આઉંગા’નું ટ્રેલર પણ એ જ અનુભવ કરાવે છે. ટ્રેલર શરૂ થતાં જ દર્શકોને ભાગલાના સમયની યાદોમાં લઈ જવાય છે, જ્યાં બે પ્રેમીઓ રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓના કારણે એકબીજાથી અલગ પડી જાય છે.
ફિલ્મમાં નસીરુદ્દીન શાહ એક એવા વૃદ્ધ પાત્રમાં જોવા મળે છે, જે દાયકાઓથી પોતાની અધૂરી પ્રેમકથાનું દર્દ લઈને જીવી રહ્યો છે. ટ્રેલરમાં તેમના ચહેરા પરની લાગણીઓ અને આંખોમાં દેખાતી રાહ જોવાની પીડા દર્શકોને સીધી સ્પર્શે છે. તેઓ જીવનના અંતિમ પડાવે પણ પોતાના જૂના પ્રેમને ભૂલી શક્યા નથી. દિલજીત દોસાંઝ ફિલ્મમાં ગુરવીર નામના પ્રખ્યાત યુટ્યુબરની ભૂમિકા ભજવી રહ્યા છે. ગુરવીર પોતાના દાદાની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે પાકિસ્તાન જવાનું નક્કી કરે છે. તેના દાદા ઈચ્છે છે કે તેઓ 78 વર્ષ પહેલાં ભાગલા દરમિયાન છૂટી ગયેલી પોતાની પ્રેમિકા સાથે ફરી એકવાર મળી શકે. આ સફર માત્ર એક વ્યક્તિની શોધ નથી, પરંતુ પ્રેમ, યાદો અને સંબંધોની ફરી શોધ જેવી લાગે છે. વેદાંગ રૈના અને શર્વરી ફિલ્મમાં યુવાન પ્રેમીઓના પાત્રમાં જોવા મળે છે. ટ્રેલરમાં બંને વચ્ચેનો નિર્દોષ પ્રેમ, એકબીજા માટેની લાગણીઓ અને પછી અચાનક સર્જાતી અલગાવની પરિસ્થિતિ હૃદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવી છે. તેમની પ્રેમકથા જ ફિલ્મના ભાવનાત્મક આધાર તરીકે ઉભરી આવે છે.
ટ્રેલરની સૌથી મોટી ખાસિયત તેની ભાવનાત્મક ઊંડાઈ છે. દરેક દ્રશ્યમાં એક પ્રકારની ખાલીપો, રાહ જોવાની લાગણી અને અધૂરી વાતોનો અહેસાસ થાય છે. ફિલ્મમાં ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તૂટેલા સંબંધો અને વિખૂટા પડેલા પરિવારોની પીડા પણ ઝાંખીરૂપે જોવા મળે છે. ટ્રેલરમાં એક સવાલ સતત દર્શકોને વિચારી બનાવે છે, શું ગુરવીર પોતાના દાદાની પ્રેમિકાને શોધી શકશે? શું 78 વર્ષ પછી પણ પ્રેમ જીવંત રહી શકે? અને શું બંને ફરી મળી શકશે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે હવે દર્શકોને 12 જૂન સુધી રાહ જોવી પડશે. ફિલ્મનું સંગીત પણ ખાસ ચર્ચામાં છે. એ.આર. રહેમાન, ઇર્શાદ કામિલ અને ઇમ્તિયાઝ અલીની જાણીતી ત્રિપુટી ફરી એકવાર સાથે આવી છે. આ ત્રિપુટીએ અગાઉ પણ અનેક યાદગાર ગીતો આપ્યા છે અને આ ફિલ્મમાં પણ સંગીત ભાવનાઓને વધુ ગાઢ બનાવતું દેખાઈ રહ્યું છે. ‘મૈં વાપસ આઉંગા’ સમય, અંતર અને પરિસ્થિતિઓ સામે ટકી રહેલા પ્રેમની કહાની છે. ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે ફિલ્મ દર્શકોને હસાવશે નહીં, પરંતુ ભાવુક જરૂર બનાવશે. દિલજીત દોસાંઝ, નસીરુદ્દીન શાહ, વેદાંગ રૈના અને શર્વરીના અભિનય સાથે આ ફિલ્મ 12 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.