Vadodara

વડોદરા ભાજપમાં પદોની ખેંચતાણ, મેયર-ચેરમેન માટે સંઘ અને સ્થાનિક ધારાસભ્યોનું લોબિંગ તેજ

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ રંગેચંગે પૂર્ણ થયા બાદ અને ધાર્યા પરિણામો સામે આવ્યા પછી હવે સંસ્કારી નગરીના આગામી ‘નાથ’ કોણ બનશે તેને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા વડોદરા સહિત રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓના પદાધિકારીઓના નામો પર આખરી મહોર મારી દેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હવે માત્ર સત્તાવાર જાહેરાતની જ વાર છે, જે આગામી 28 તારીખ સુધીમાં થઈ શકે છે. વડોદરા મનપાના બોર્ડમાં ભાજપે 76માંથી 69 બેઠકો મેળવીને પ્રચંડ બહુમતી હાંસલ કરી છે, ત્યારે પક્ષ કયા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વડોદરામાં રોટેશન મુજબ પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવ્યું છે. ભાજપના વિજેતા 69 કોર્પોરેટરોમાંથી માત્ર ત્રણ જ પુરુષ ઉમેદવારો એસસી કેટેગરીમાંથી આવે છે, જેથી આ ત્રણેય નામો વચ્ચે મેયર બનવા માટે ભારે રસાકસી જામી છે. આ રેસમાં વોર્ડ નંબર 15માંથી ચૂંટાયેલા સમીર વાઘેલાનું નામ હાલમાં સૌથી મોખરે ચાલી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના મજબૂત કનેક્શન અને સંઘના વરિષ્ઠ નેતા નારાયણ શાહના આશીર્વાદ હોવાને કારણે સમીર વાઘેલાની દાવેદારી ખૂબ જ મજબૂત માનવામાં આવે છે.
​બીજી તરફ, વોર્ડ નંબર 8માંથી વિજેતા બનેલા અજય ડાભી પણ મેયર પદની રેસમાં બરાબરના ફાઈટર સાબિત થઈ રહ્યા છે. તેઓ સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પૂર્વ મેયર કેયુર રોકડિયાના અત્યંત નજીકના અને અંગત ગણાતા હોવાથી તેમને સ્થાનિક સ્તરેથી મોટું રાજકીય બેકઅપ મળી રહ્યું છે. જો પક્ષમાં આ બંને જૂથો વચ્ચે ખેંચતાણ વધે, તો ‘બેની લડાઈમાં ત્રીજો ફાવે’ તે ન્યાયે વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ચેતન પરમારનું નામ સરપ્રાઈઝ તરીકે સામે આવી શકે છે. ચેતન પરમાર માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ અને પૂર્વ મેયર નિલેશ રાઠોડની લોબીમાંથી આવતા હોવાથી પક્ષ વિવાદ ટાળવા તેમના નામ પર પણ પસંદગી ઉતારી શકે છે. જો કે, જો પુરુષ ઉમેદવારોના નામે ભારે અસંતોષ ઊભો થાય, તો પક્ષ બોલ્ડ ડિસિઝન લઈને વોર્ડ નંબર 13ના એલએલબી ભણેલા શિક્ષિત મહિલા કોર્પોરેટર ગીતાબેન મકવાણા અથવા વોર્ડ નંબર 17ના મીનાબેન પરમારમાંથી કોઈ એકને પણ તક આપી શકે છે. પરંતુ વિતેલી ટર્મમાં મહિલા મેયરનો વહીવટી અનુભવ બહુ સારો ન રહ્યો હોવાથી પક્ષ પ્રથમ અઢી વર્ષ પુરુષ મેયર આપવાના મૂડમાં હોવાનું જણાય છે.
જો મેયર પદ પુરુષ ઉમેદવારને ફાળવવામાં આવે તો ડેપ્યુટી મેયર તરીકે મહિલા કોર્પોરેટરની વરણી નિશ્ચિત માનવામાં આવે છે. આ પદ માટે વોર્ડ નંબર 2માંથી બિલકુલ નિષ્પક્ષ અને નિર્વિવાદિત છબી સાથે ફરી ચૂંટાઈ આવેલા વર્ષાબેન વ્યાસનું નામ ફ્રન્ટ રનર તરીકે ચર્ચામાં છે. તેમની સાથે પૂર્વ વિસ્તારના વોર્ડમાંથી આવતા તેજલબેન વ્યાસ પણ અનુભવના આધારે મજબૂત દાવેદાર છે. જો ભાજપ હાઈકમાન્ડ કોઈ યુવા અને આધુનિક ચહેરાને પ્રમોટ કરવા માંગતું હોય, તો વોર્ડ નંબર 13માંથી જીતેલા યુવા સિંગર અને કોરિયોગ્રાફર નિધિ પટેલના નામની લોટરી પણ લાગી શકે છે. આ ઉપરાંત અર્ચનાબેન પટેલનું નામ પણ ચર્ચામાં છે, પરંતુ જો સમીર વાઘેલા મેયર બને તો અર્ચનાબેન (જેઓ નારાયણભાઈ શાહના પુત્રી છે) ને ડેપ્યુટી મેયર પદ મળવાની શક્યતા નહિવત બની જશે.
વડોદરાના કરોડો રૂપિયાના વિકાસ કાર્યો અને વહીવટી નિર્ણયોની ધૂરા જેના હાથમાં હોય છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે આ વખતે પક્ષ કોઈ બિનઅનુભવી પર જુગાર રમવા તૈયાર નથી. મેયર અને ડેપ્યુટી મેયર પદ પર નવા ચહેરા આવવાના હોવાથી બોર્ડને કુશળતાપૂર્વક ચલાવવા માટે અનુભવી ચેરમેનની જરૂરિયાત છે. આ પદ માટે વોર્ડ નંબર 4માંથી ત્રીજી ટર્મમાં ચૂંટાયેલા અજીત દધીચનું નામ સૌથી મજબૂત છે, જેઓ રાજ્ય સરકારના મંત્રી મનીષાબેન વકીલના અત્યંત નજીકના ગણાય છે. તેમની સામે સૌરાષ્ટ્ર લોબી અને પુરુષોત્તમ રૂપાલા તેમજ સંઘાણી પરિવારનું પીઠબળ ધરાવતા નીતિન ડોંગા પણ ચેરમેનની રેસમાં જોરદાર લોબિંગ કરી રહ્યા છે. આ બે સિનિયર નેતાઓની લડાઈમાં વડોદરામાં સૌથી વધુ મતોની સરસાઈથી વિજેતા બનેલા અને રાજેશ આયરેના પુત્ર શ્રીરંગ આયરેનું નામ પણ ચર્ચામાં છે, જેઓ યુવા હોવાની સાથે જનસમર્થન પણ ધરાવે છે.
નવા શાસકો સામે પડકારોનો પહાડ: ચોમાસું અને પ્રાથમિક સુવિધાઓ પ્રથમ કસોટી
વડોદરાના જે પણ નવા મેયર કે ચેરમેન બનશે તેમની તાજપોશી કાંટાની સેજ સમાન સાબિત થવાની છે. આગામી એક જ મહિનામાં ચોમાસું બેસી જવાનું છે, ત્યારે જે વિશ્વામિત્રી નદીના પૂરને કારણે વડોદરાવાસીઓએ જે ભયાનક તારાજી ભોગવી હતી, તેવી સ્થિતિ ફરી ઊભી ન થાય તે નવનિયુક્ત બોર્ડ માટે સૌથી પહેલો અને મોટો પડકાર રહેશે. પ્રી-મોન્સૂન કામગીરી સચોટ રીતે પુરી કરવી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અટકાવવા તે નવી ટીમે તાત્કાલિક જોવાનું રહેશે. આ ઉપરાંત, ચોમાસા બાદ શહેરમાં ઠેર-ઠેર પડતા ભુવા અને બિસ્માર રસ્તાઓને કારણે વિપક્ષે વડોદરાને ‘ખાડોદરા’નું જે બિરુદ આપ્યું છે, તેમાંથી મુક્તિ અપાવવી પડશે. આજે પણ શહેરના ઘણા વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીની તંગી અને ટેન્કરરાજ ચાલી રહ્યું છે, ત્યારે પ્રજાને દૂષિત પાણી અને ડ્રેનેજની સમસ્યાઓમાંથી કાયમી ઉકેલ અપાવવો એ નવા શાસકોની પ્રાથમિકતા રહેશે. હવે જોવાનું એ રહે છે કે પક્ષ કોના શિરે આ જવાબદારી સોંપે છે.

Most Popular

To Top