મફત થતા આંગળીના ઓપરેશન માટે ડોક્ટરે કરી હતી નાણાંની માંગણી
ઓપરેશન થિયેટરની બહાર જ એસીબીએ છટકું ગોઠવી દબોચી લીધા
(પ્રતિનિધિ) આણંદ તા.19
આણંદની જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતા ઓર્થોપેડિક સર્જન ડો. ચિંતન સ્નેહલભાઇ શાહ રૂ. ત્રણ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે. સરકારના નિયમ મુજબ જે ઓપરેશન વિનામૂલ્યે થતા હોય છે, તેના માટે લાંચની માંગણી કરવામાં આવતા જાગૃત નાગરિકની ફરિયાદને આધારે એસીબીએ મંગળવારે સફળ ટ્રેપ ગોઠવી આ કાર્યવાહી કરી હતી.
આણંદની જનરલ હોસ્પિટલમાં એક જાગૃત નાગરિકના મિત્રની આંગળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં આ ઓપરેશન મફત થતું હોવા છતાં, કરાર આધારિત ઓર્થોપેડિક સર્જન ડો. ચિંતન શાહે ઓપરેશનના અવેજ પેટે લાંચની માંગણી કરી હતી. જોકે, શરૂઆતમાં ડોક્ટર ચિંતન શાહે રૂ. ૬૫૦૦ની માંગણી કરી હતી, પરંતુ રકઝકના અંતે રૂ. ૪૦૦૦ નક્કી કરવામાં આવ્યા હતા. જે પૈકી રૂ. ૧૦૦૦ અગાઉ લઈ લેવામાં આવ્યા હતા અને બાકીના રૂ. ૩૦૦૦ની માંગણી ચાલુ રાખવામાં આવી હતી.
આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ આણંદ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મંગળવારે ૧૯મી મે, ૨૦૨૬ના રોજ હોસ્પિટલના પ્રથમ માળે ઓપરેશન થિયેટરની બહારની લોબીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન ડો. ચિંતન શાહે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૩૦૦૦ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ સફળ ટ્રેપની કામગીરી આણંદ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક એમ.એચ. પુવાર અને નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આમ, સરકારી હોસ્પિટલમાં જ લાંચ લેતા ડોક્ટર ઝડપાતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.