પરીક્ષા પહેલાં અડધો કલાકે બંધ થશે એન્ટ્રી,22 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, પેપર લીક બાદ NTAની કડક વ્યવસ્થા; AI આધારિત મોનિટરિંગ અને બાયોમેટ્રિક ચેકિંગથી રહેશે ચાંપતી નજર
NEET-UG 2026ની પુનઃપરીક્ષા (રી-NEET)ને સંપૂર્ણપણે પારદર્શક અને ગેરરીતિમુક્ત બનાવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ દેશભરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પેપર લીકના આરોપોને કારણે અગાઉ યોજાયેલી પરીક્ષા રદ કરાયા બાદ હવે 21 જૂને યોજાનારી રી-NEET માટે ટેક્નોલોજી, સુરક્ષા અને માનવબળના સ્તરે અત્યાર સુધીની સૌથી મોટી તૈયારી કરવામાં આવી છે.દેશના 551 શહેરોમાં આવેલા 5,440 પરીક્ષા કેન્દ્રો તેમજ વિદેશના 14 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. અંદાજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. NTAએ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા માટે દરેક સ્તરે કડક દેખરેખ રાખવામાં આવશે.
પેપર લીક બાદ વધારાઈ સુરક્ષા
3 મેના રોજ યોજાયેલી NEET-UG 2026 પરીક્ષા પેપર લીકના આરોપોને કારણે 12 મેના રોજ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ દેશભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી હતી. હવે પુનઃપરીક્ષાને લઈને NTA કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા તૈયાર નથી. એજન્સીએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર ફરતા ભ્રામક દાવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે.
1.38 લાખ CCTV કેમેરાથી રહેશે નજર
રી-NEET માટે દેશભરમાં 95 હજારથી વધુ પરીક્ષા રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક રૂમમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કુલ 1,38,560 CCTV કેમેરા દ્વારા પરીક્ષાની સતત દેખરેખ રાખવામાં આવશે. આ કેમેરાની લાઈવ ફીડ રાષ્ટ્રીય, રાજ્ય અને મંત્રાલય સ્તરે મોનિટર કરવામાં આવશે.આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ, નકલ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓને તરત જ શોધી કાઢવાનો છે.
51 હજારથી વધુ જામર કરાશે સક્રિય
ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા થતી નકલ અટકાવવા માટે દેશભરમાં 51,311 જામર તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં 17,054 જામર ECIL અને 34,257 જામર BEL દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે.આ જામર પરીક્ષા કેન્દ્રોની આસપાસ મોબાઇલ નેટવર્ક અને અન્ય ઇલેક્ટ્રોનિક સંચાર સાધનોને નિયંત્રિત રાખશે જેથી કોઈપણ ઉમેદવાર ટેક્નોલોજીનો ગેરઉપયોગ ન કરી શકે.
88 હજારથી વધુ કર્મચારીઓ સંભાળશે જવાબદારી NTAએ પરીક્ષાને સફળ બનાવવા માટે દેશભરમાં વિશાળ માનવબળ તૈનાત કર્યું છે. ઉમેદવારોની ઓળખ ચકાસવા અને સુરક્ષા જાળવવા માટે 38,795 ફ્રિસ્કિંગ કર્મચારીઓ તથા 48,448 બાયોમેટ્રિક વેરિફિકેશન કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.ખાસ વાત એ છે કે આ વખતે બાયોમેટ્રિક ચકાસણી માટે કર્મચારીઓની સંખ્યા બમણી કરવામાં આવી છે. ઉપરાંત ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી છે જેથી પરીક્ષા પ્રક્રિયા વધુ ઝડપી અને વિશ્વસનીય બની રહે.
દરેક રૂમમાં બે ઇન્વિજિલેટર રહેશે હાજર
NTAના આયોજન મુજબ દરેક પરીક્ષા રૂમમાં બે ઇન્વિજિલેટરની નિમણૂક કરવામાં આવશે. ઉપરાંત દરેક કેન્દ્ર પર 10થી વધુ વધારાના પરીક્ષા કર્મચારીઓ હાજર રહેશે.બધા 5,440 કેન્દ્રો પર એક-એક સેન્ટર સિસ્ટમ્સ ઓફિસર (CSO) પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. તેમની જવાબદારી CCTV મોનિટરિંગ અને ટેક્નિકલ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની રહેશે.
AI ટેક્નોલોજી કરશે શંકાસ્પદ પ્રવૃત્તિઓની ઓળખ
પરીક્ષાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે NTAએ AI આધારિત મોનિટરિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કર્યો છે. લગભગ 6,700 ઓબ્ઝર્વર્સ પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેશે જ્યારે 100થી વધુ વર્ચ્યુઅલ ઓબ્ઝર્વર્સ દેશભરમાંથી CCTV ફીડ પર નજર રાખશે.AI સિસ્ટમ કોઈપણ અસામાન્ય અથવા શંકાસ્પદ હલચલની ઓળખ કરીને તાત્કાલિક એલર્ટ જનરેટ કરશે, જેના કારણે ગેરરીતિઓ સામે તરત કાર્યવાહી શક્ય બનશે.
દરેક કેન્દ્ર પર 40થી 50 સુરક્ષા કર્મીઓ
પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય સરકારો, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, અર્ધલશ્કરી દળો, ભારતીય વાયુસેના અને પોસ્ટ વિભાગને પણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ 40થી 50 સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે.આ ઉપરાંત પ્રશ્નપત્ર અને અન્ય ગુપ્ત સામગ્રીના સુરક્ષિત સંગ્રહ માટે આશરે 1,500 બેંક શાખાઓમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દેશભરમાં યોજાઈ મૉક ડ્રિલ
રી-NEET પહેલાં NTAએ સમગ્ર દેશમાં મૉક ડ્રિલ યોજી હતી. તેમાં જામર, CCTV, બાયોમેટ્રિક સિસ્ટમ અને ફ્રિસ્કિંગ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. તમામ કેન્દ્ર સંકલનકારોએ પ્રશ્નપત્ર અને પરીક્ષા સામગ્રીની ઉપલબ્ધતાની પણ પુષ્ટિ કરી હતી.
અડધો કલાક પહેલાં બંધ થશે એન્ટ્રી
પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની ઓળખ પ્રક્રિયા, બાયોમેટ્રિક ચકાસણી અને સુરક્ષા તપાસમાં વધુ સમય લાગશે. તેથી ઉમેદવારોને સમયસર પહોંચવાની ખાસ સૂચના આપવામાં આવી છે. નિર્ધારિત સમયથી અડધો કલાક પહેલાં પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. મોડા પહોંચનાર ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધાઓ
NTAએ ઉમેદવારો અને તેમના વાલીઓની સુવિધાને પણ પ્રાથમિકતા આપી છે. પરીક્ષા કેન્દ્રો પર પીવાનું પાણી, ORS, એમ્બ્યુલન્સ, વેઇટિંગ એરિયા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પરીક્ષા રૂમમાં દિવાલ ઘડિયાળ, વધારાના રફ વર્ક પેજ અને ડાબા હાથથી લખતા વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષાનો NTAનો દાવો
પેપર લીકના વિવાદ બાદ NTA માટે આ પરીક્ષા પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. એજન્સીનો દાવો છે કે CCTV, AI મોનિટરિંગ, જામર, બાયોમેટ્રિક ચેકિંગ અને વિશાળ માનવબળના સંયોજનથી આ વખતે પરીક્ષાને સંપૂર્ણપણે પારદર્શક અને ગેરરીતિ મુક્ત બનાવવામાં આવશે. દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હવે આશા રાખી રહ્યા છે કે રી-NEET 2026 કોઈપણ વિવાદ વગર સફળતાપૂર્વક પૂર્ણ થશે.