અફઘાનિસ્તાન સામેની આગામી ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ આ વખતે અનુભવી અને યુવા ખેલાડીઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં શુભમન ગિલને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે અનેક યુવા ખેલાડીઓને પ્રથમ વખત મોટી તક આપવામાં આવી છે. આ સિરીઝમાં સૌથી વધુ ચર્ચા 4 નવા ખેલાડીઓની પસંદગીની થઈ રહી છે. માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે અને પ્રિન્સ યાદવને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. આમાંથી હર્ષ દુબે અને ગુરનૂર બ્રારને ટેસ્ટ અને વનડે બંને ટીમમાં જગ્યા મળી છે, જ્યારે માનવ સુથાર માત્ર ટેસ્ટ ટીમમાં અને પ્રિન્સ યાદવ ફક્ત વનડે સ્ક્વોડમાં સામેલ છે. IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ આ ખેલાડીઓને મોટું ઇનામ મળ્યું છે.
વનડે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ છે. હાર્દિક પંડ્યા પણ ફિટનેસ ક્લિયર થયા બાદ ટીમમાં સામેલ થયો છે. જોકે, ઋષભ પંત માટે આ સિરીઝ નિરાશાજનક રહી છે. પંતને વનડે સ્ક્વોડમાંથી બહાર રાખવામાં આવ્યો છે અને ટેસ્ટ ટીમમાં પણ તેની પાસેથી ઉપકેપ્ટનની જવાબદારી પાછી ખેંચી લેવામાં આવી છે. ટેસ્ટ ટીમમાં હવે કેએલ રાહુલને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. રાહુલ વનડેમાં વિકેટકીપર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવશે. બીજી તરફ ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંત અને ધ્રુવ જુરેલ બંને વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. બેટિંગ વિભાગમાં યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને દેવદત્ત પડિક્કલ જેવા યુવા ખેલાડીઓ પર મોટી જવાબદારી રહેશે. આ ખેલાડીઓ માટે આ સિરીઝ પોતાને સાબિત કરવાની મોટી તક માનવામાં આવી રહી છે.
બોલિંગમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવ જેવા અનુભવી ખેલાડીઓ ટીમને મજબૂતી આપશે. વોશિંગ્ટન સુંદર અને નીતીશ કુમાર રેડ્ડી જેવા ઓલરાઉન્ડરો પણ ટીમના મહત્વના ભાગ રહેશે. અફઘાનિસ્તાન સામે ભારત માત્ર એક ટેસ્ટ મેચ રમશે, જે 6 થી 10 જૂન દરમિયાન મુલ્લાંપુરમાં યોજાશે. ત્યારબાદ ત્રણ મેચોની વનડે સિરીઝ રમાશે. પ્રથમ વનડે ધર્મશાલામાં, બીજી લખનઊમાં અને ત્રીજી મેચ ચેન્નઈમાં રમાશે. આ સિરીઝ ભારતીય ટીમ માટે અનેક કારણોસર મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એક તરફ અનુભવી ખેલાડીઓ પોતાની લય જાળવવાનો પ્રયાસ કરશે, તો બીજી તરફ યુવા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવવાની આ મોટી તક હશે. ખાસ કરીને નવા ખેલાડીઓનું પ્રદર્શન પસંદગીકારો અને ચાહકો બંનેની નજરમાં રહેશે.
અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ (હોમ સિરીઝ)
- 6 થી 10 જૂન: એકમાત્ર ટેસ્ટ, મુલ્લાંપુર (ન્યૂ ચંદીગઢ)
- 14 જૂન: પ્રથમ વનડે, ધર્મશાલા
- 17 જૂન: બીજી વનડે, લખનઊ
- 20 જૂન: ત્રીજી વનડે, ચેન્નઈ