અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ડાબેરી ઉગ્રવાદ અને વૈશ્વિક આતંકવાદ સામે લડવાની વ્યૂહરચના અંગે યોજાયેલી ઉચ્ચસ્તરીય મંત્રીસ્તરીય બેઠકમાં ભારતે આતંકવાદ અંગે પોતાનું સ્પષ્ટ અને અડગ વલણ ફરી એકવાર વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે. 67 દેશોની હાજરીમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોના નિવેદન બાદ ભારતે આતંકવાદને લઈને પોતાની અલગ દૃષ્ટિ રજૂ કરી હતી. આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ કર્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરને આમંત્રણ અપાયું હતું, પરંતુ તેઓ અન્ય વિદેશ પ્રવાસમાં વ્યસ્ત હોવાથી તેમની જગ્યાએ રાજદૂત ક્વાત્રા હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે જિહાદી અથવા કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદનો ખતરો અગાઉની સરખામણીએ ઘટ્યો છે અને હવે વિશ્વે ડાબેરી ઉગ્રવાદ સામે વધુ એકજૂટ થવાની જરૂર છે. તેમણે દાવો કર્યો કે આતંકવાદનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ડાબેરી આતંકવાદી સંગઠનો વધુ સક્રિય બની રહ્યા છે.
અમેરિકાના આ મૂલ્યાંકન વચ્ચે ભારતે આતંકવાદને કોઈપણ પ્રકારના વર્ગોમાં વહેંચવાનો સ્પષ્ટ વિરોધ કર્યો. ભારતીય રાજદૂત વિનય ક્વાત્રાએ કહ્યું કે આતંકવાદનું કોઈ સારું કે ખરાબ સ્વરૂપ હોઈ શકે નહીં. આતંકવાદના તમામ પ્રકારો સામે સમાન કડક વલણ અપનાવવું જરૂરી છે અને વિશ્વના તમામ દેશોએ ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ પર એકમત થવું જોઈએ. ક્વાત્રાએ પોતાના સંબોધનમાં ભારતના નક્સલવાદ સામેના લાંબા અનુભવનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે સરહદ પારથી પ્રાયોજિત આતંકવાદ, અલગતાવાદી પ્રવૃત્તિઓ અને આતંકવાદી સંગઠનોને મળતા સમર્થન જેવા મુદ્દાઓને પણ વૈશ્વિક સ્તરે ગંભીરતાથી લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ભારતનું માનવું છે કે જિહાદી આતંકવાદ હજુ પણ દેશ માટે મોટો સુરક્ષા પડકાર છે. તાજેતરમાં 2025માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને ભારતે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના ખતરાને ઓછો આંકી શકાય નહીં. ભારતના મતે, આતંકવાદના કોઈપણ સ્વરૂપ સામે અલગ-અલગ માપદંડ અપનાવવાને બદલે દરેક પ્રકારના આતંકવાદ સામે સમાન કડક કાર્યવાહી જરૂરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકનો મુખ્ય એજન્ડા ડાબેરી આતંકવાદ પર કેન્દ્રિત રાખવામાં આવ્યો હતો, જેને લઈને ભારત સહિત કેટલાક દેશોએ અસંમતિ વ્યક્ત કરી હતી. માનવામાં આવે છે કે આ જ કારણસર 67 દેશોને આમંત્રણ અપાયું હોવા છતાં ઘણા દેશોએ પોતાના વિદેશ મંત્રીઓને મોકલવાને બદલે વરિષ્ઠ રાજદ્વારીઓ અથવા અન્ય અધિકારીઓને પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા.
પોતાના સંબોધનમાં માર્કો રુબિયોએ આતંકવાદના બદલાતા સ્વરૂપ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આજના સમયમાં આતંકવાદી સંગઠનો એક દેશમાં ફંડિંગ મેળવે છે, બીજા દેશમાં ડિજિટલ માધ્યમો દ્વારા સંચાર કરે છે, ત્રીજા દેશમાં તાલીમ મેળવે છે અને અન્ય દેશમાં હુમલાને અંજામ આપે છે. તેથી દેશો વચ્ચે ગુપ્તચર માહિતીની આપ-લે અને સુરક્ષા સહયોગ વધુ મજબૂત બનાવવાની જરૂર છે. ભારતે પણ આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાતને સ્વીકારી હતી, પરંતુ સાથે સ્પષ્ટ કર્યું કે વૈશ્વિક આતંકવાદ સામેની લડાઈ ત્યારે જ અસરકારક બની શકે જ્યારે તમામ પ્રકારના આતંકવાદ સામે સમાન અભિગમ અપનાવવામાં આવે અને કોઈપણ પ્રકારના આતંકવાદને ઓછું કે વધુ જોખમી ગણવાની ભૂલ ન કરવામાં આવે.