અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં થયેલા કારમા પરાજય બાદ પ્રદેશ કોંગ્રેસમાં ભારે ભૂકંપ સર્જાયો છે. હારના આંચકામાંથી બહાર આવ્યા વિના જ પક્ષમાં આંતરિક જૂથવાદ અને વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના પગલે હાઈકમાન્ડ હવે સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવાના મૂડમાં છે. આ કવાયતના ભાગરૂપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા વરિષ્ઠ નેતાઓ સામે પક્ષે શિસ્તના આકરા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અમદાવાદના વરિષ્ઠ નેતા ઉમાકાંત માંકડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની સાથે સુરતના વરિષ્ઠ નેતા મકસૂદ બેગ મિર્ઝાને પણ પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા આ બંને નેતાઓ સામે પક્ષના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરવા બદલ આકરું પગલું ભરવામાં આવ્યું છે.
બીજી તરફ, અમદાવાદ મનપામાં થયેલી કારમી હાર બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે ચૂંટણીમાં નિરાશાજનક કામગીરીનું કારણ આપીને 6 વોર્ડ પ્રમુખોને હાકી કાઢ્યા છે. જોકે, આ નિર્ણય બાદ કાર્યકરોએ સોશીયલ મીડીયામાં ભારે બળાપો ઠાલવી શહેર પ્રમુખ સોનલબેન પોતે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે તેવી માગ બુલંદ થઈ છે.
કોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સ્થાનિક ચૂંટણીઓ પૂર્ણ થતાં જ હવે સંગઠન પુનઃગઠનની કામગીરી તેજ કરવામાં આવી છે. ‘સંગઠન સર્જન અભિયાન’ દરમિયાન જ નવા સંગઠનની જાહેરાત થવાની હતી, પરંતુ ચૂંટણીઓ આવી જતાં આ પ્રક્રિયા અટવાઈ પડી હતી. હવે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને બાદ કરતાં ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દાઓ પર નવી નિમણૂંક થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ નવા માળખામાં જૂના અને નિષ્ક્રિય નેતાઓના સ્થાને યુવા વર્ગ અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
હારના કારણો ગણાવી પ્રદેશ કોગ્રેસ પ્રતિનિધિઓ દિલ્હીથી પરત ફર્યાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર થયા પછી પક્ષના આંતરિક વર્તુળોમાં ભારે ગતિવિધિઓ ચાલી રહી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતનું પ્રતિનિધિ મંડળ દિલ્હી દરબારમાં કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ હારના કારણોની સમીક્ષા કરીને પરત ફર્યા છે. દર વખતની જેમ કેન્દ્રીય હાઈકમાન્ડને ભવિષ્યમાં સુધારાત્મક પગલાં લેવાની ખાતરી આપી છે, પરંતુ સામાન્ય કાર્યકરો આ કારમી હાર માટે નેતાઓની જૂથબંધી અને અણઆવડતને જવાબદાર ગણી રહ્યા છે. પક્ષના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હવે, ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા, નબળી કામગીરી કરનારા અને સંગઠનની છાપ ખરડનારા તમામ નેતાઓને આગામી દિવસોમાં સંગઠનમાંથી સદંતર બહાર કરી દેવામાં આવશે.