Entertainment

પ્લેબેક સિંગિંગ છોડ્યા બાદ પહેલીવાર અરિજિતના સમર્થનમાં ખુલ્લેઆમ બોલ્યા અદનાન સામી

બોલિવુડના લોકપ્રિય ગાયક અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને થોડા સમય પહેલાં સંગીત જગત અને પોતાના કરોડો ચાહકોને ચોંકાવી દીધા હતા. તેમના આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે. હવે જાણીતા સિંગર અને કમ્પોઝર અદનાન સામી ખુલ્લેઆમ અરિજિતના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે અરિજિતે આ નિર્ણય ખૂબ વિચારીને લીધો હશે અને તેના નિર્ણયનું સન્માન થવું જોઈએ. ન્યૂઝ એજન્સી PTIને આપેલા એક ઇન્ટરવ્યુમાં અદનાન સામીએ જણાવ્યું હતું કે અરિજિત સિંહ જેવો સમજદાર અને અનુભવી કલાકાર કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં લઈ શકે નહીં. તેમના અનુસાર, પ્લેબેક સિંગિંગ છોડવાનો નિર્ણય પાછળ ચોક્કસ કોઈ ઊંડી વિચારસરણી અને વ્યક્તિગત કારણ હશે. અદનાન સામીએ કહ્યું, ‘અરિજિતે જે નિર્ણય લીધો છે, તે સંપૂર્ણ સમજદારી સાથે લીધો છે. આપણે તેના નિર્ણય પર સવાલ ઉઠાવવાના બદલે તેનું સન્માન કરવું જોઈએ. દરેક વ્યક્તિને પોતાની જિંદગી વિશે નિર્ણય લેવાનો અધિકાર હોય છે.’ અદનાને વધુમાં કહ્યું કે અરિજિત સિંહ પર પોતાનો નિર્ણય દુનિયાને સમજાવવાની કોઈ ફરજ નથી. લોકો સતત કારણ જાણવા ઉત્સુક છે, પરંતુ દરેક કલાકારને પોતાની વ્યક્તિગત જગ્યા અને ગોપનીયતા મળવી જોઈએ. તેમણે કહ્યું, ‘સમય આવ્યે જો અરિજિતને યોગ્ય લાગશે તો તે પોતે જ બધું જણાવી દેશે. ત્યાં સુધી આપણે તેને પર્સનલ સ્પેસ આપવી જોઈએ.’

અદનાન સામીએ આ વાત પોતાના નવા સિંગલ ‘લિપસ્ટિક લગા કે, નજર ઉતાર લે’ના લોન્ચ દરમિયાન કરી હતી. તેમના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો અદનાનના આ વલણને પરિપક્વ અને સમજદાર ગણાવી રહ્યા છે. અરિજિત સિંહનું નામ આજે ભારતના સૌથી સફળ અને લોકપ્રિય ગાયકોમાં લેવામાં આવે છે. 25 એપ્રિલ 1987ના રોજ પશ્ચિમ બંગાળના જિયાગંજમાં જન્મેલા અરિજિતે બાળપણથી જ સંગીતમાં રસ બતાવ્યો હતો. તેમની માતા શાસ્ત્રીય ગાયિકા હોવાથી ઘરમાં જ સંગીતનું વાતાવરણ મળ્યું હતું. અરિજિતે વર્ષ 2005માં સિંગિંગ રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’માં ભાગ લીધો હતો. જોકે તેઓ આ શો જીતી શક્યા ન હતા, પરંતુ તેમના અવાજે ઘણા સંગીતકારો અને નિર્દેશકોનું ધ્યાન ખેંચ્યું હતું. કહેવાય છે કે સંજય લીલા ભણસાલીએ તેમને ફિલ્મ ‘સાવરિયા’ માટે ગીત ગાવાનો મોકો આપ્યો હતો, પરંતુ અંતિમ ક્ષણે કેટલાક ફેરફારોને કારણે ગીતમાં તેમની જગ્યાએ અન્ય ગાયકને લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ અરિજિતે લાંબા સમય સુધી બેકગ્રાઉન્ડ સિંગર અને મ્યુઝિક આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. ‘ગોલમાલ 3’, ‘ક્રૂક’ અને ‘એક્શન રીપ્લે’ જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ તેમને ફિલ્મ ‘મર્ડર 2’નું ગીત ‘ફિર મોહબ્બત કરને ચલા હૈ’ મળ્યું. આ ગીતે તેમને બોલિવૂડમાં અલગ ઓળખ અપાવી. પછી ‘રાબતા’, ‘તુમ હી હો’, ‘ચન્ના મેરેયા’, ‘કેસરિયા’ અને અનેક સુપરહિટ ગીતો દ્વારા અરિજિત સિંહ ભારતના સૌથી મોટા પ્લેબેક સિંગર બની ગયા. તેમણે હિન્દી ઉપરાંત બંગાળી, તેલુગુ સહિત અનેક ભાષાઓમાં 700થી વધુ ગીતો ગાયા છે.

તેમની કારકિર્દીમાં તેમને 2 નેશનલ એવોર્ડ, 8 ફિલ્મફેર એવોર્ડ સહિત કુલ 122થી વધુ એવોર્ડ મળી ચૂક્યા છે. ‘પદ્માવત’ના ગીત ‘બિનતે દિલ’ અને ‘બ્રહ્માસ્ત્ર’ના ‘કેસરિયા’ માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ઉપરાંત, વર્ષ 2015માં તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં અરિજિત સિંહના સંન્યાસ પાછળનું સાચું કારણ શું છે તે સ્પષ્ટ નથી, પરંતુ અદનાન સામીના નિવેદન બાદ એક વાત ચોક્કસ છે કે સંગીત જગતના ઘણા લોકો અરિજિતના નિર્ણયને વ્યક્તિગત પસંદગી અને સન્માનના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે.

Most Popular

To Top