દેશમાં જ્યાં એક તરફ વધતી વસ્તીને નિયંત્રિત કરવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં આંધ્રપ્રદેશ સરકારે એકદમ અલગ અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ રાજ્યમાં ઘટતા જન્મદરને લઈને ચિંતા વ્યક્ત કરતાં વધુ બાળકો પેદા કરવા લોકોને પ્રોત્સાહન આપવા નવી યોજના જાહેર કરી છે. નવી જાહેરાત અનુસાર, હવે રાજ્યમાં કોઈ પરિવારમાં ત્રીજા બાળકનો જન્મ થશે તો સરકાર તરફથી 30,000ની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે ચોથા બાળકના જન્મ પર પરિવારને 40,000ની રોકડ સહાય મળશે. આ જાહેરાત બાદ સમગ્ર દેશમાં આ મુદ્દે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. નરસન્નાપેટામાં આયોજિત ‘સ્વર્ણ આંધ્ર-સ્વચ્છ આંધ્ર’ કાર્યક્રમ દરમિયાન સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે બાળકોને ક્યારેય બોજ ન માનવા જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ‘બાળકો દેશની સૌથી મોટી સંપત્તિ છે. ભવિષ્યમાં માનવ સંસાધનની અછત ન સર્જાય તે માટે હવે વસ્તી વધારવી જરૂરી બની ગઈ છે.’
ચંદ્રબાબુ નાયડુએ પોતાના જૂના વિચારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેઓ પોતે ફેમિલી પ્લાનિંગને સમર્થન આપતા હતા અને વસ્તી નિયંત્રણ માટે અભિયાન ચલાવતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજના સમયમાં યુવાનો અને બાળકોની સંખ્યા ઘટી રહી છે, જ્યારે વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું કે, ‘સમય બદલાયો છે. હવે બાળકો આપણું ભવિષ્ય છે. જો આજે આપણે વસ્તી વધારવા માટે પગલાં નહીં લઈએ, તો આવનારા સમયમાં કામદારો અને યુવાનોની મોટી અછત સર્જાઈ શકે છે.’ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક વર્ષોથી જન્મદર સતત ઘટી રહ્યો છે. આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં વૃદ્ધોની વસ્તી ઝડપથી વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આવી સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ભવિષ્યમાં અર્થતંત્ર અને ઉદ્યોગોને જરૂરી માનવબળ મળવામાં મુશ્કેલી પડી શકે છે.
ચંદ્રબાબુ નાયડુ લાંબા સમયથી આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા આવ્યા છે. અગાઉ પણ તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ‘બેથી વધુ બાળકો નહીં’ જેવી શરતો હટાવવાના સંકેત આપ્યા હતા. હવે સીધી રોકડ સહાયની જાહેરાત કરીને તેમણે પોતાની નવી વસ્તી નીતિ સ્પષ્ટ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર આ જાહેરાતને લઈને લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો સરકારના આ નિર્ણયને ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયેલો હિંમતભર્યો નિર્ણય ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકોનું માનવું છે કે દેશ પહેલેથી જ વસ્તી સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યો છે અને આવી યોજનાઓ નવા પ્રશ્નો ઊભા કરી શકે છે. જોકે હાલ સરકાર તરફથી માત્ર ત્રીજા અને ચોથા બાળક માટેની સહાયની જાહેરાત થઈ છે. બીજા બાળક પર 25,000ની સહાય અંગે ચર્ચા તો ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આંધ્રપ્રદેશ સરકારની આ જાહેરાત હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે અને આગામી સમયમાં અન્ય રાજ્યો પણ આવી કોઈ નીતિ અપનાવે છે કે નહીં તે જોવું રહ્યું.