ચાલુ સપ્તાહના અંત સુધીમાં માર્કશીટ આવી શકે,સપ્તાહના અંત સુધીમાં વિદ્યાર્થીઓને માર્કશીટ મળશે :
ગત 4 મેના રોજ ધોરણ-12નું પરિણામ અને 6 મેના રોજ ધોરણ-10નું પરિણામ જાહેર થયું હતું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.18
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ હવે વિદ્યાર્થીઓ પોતાની ઓરિજિનલ માર્કશીટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, આ વર્ષે માર્કશીટ મળવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે. બોર્ડ દ્વારા માર્કશીટની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ વિતરણ પ્રક્રિયામાં આ વર્ષે થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. બોર્ડના જણાવ્યા અનુસાર, માર્કશીટને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે તેની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જેના કારણે છાપકામ અને વિતરણની પ્રક્રિયામાં ધાર્યા કરતા વધુ સમય લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા ગત 4 મેના રોજ ધોરણ-12 અને 6 મેના રોજ ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સામાન્ય સંજોગોમાં પરિણામ જાહેર થયાના ગણતરીના દિવસોમાં જ માર્કશીટનું વિતરણ શરૂ કરી દેવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે નવી ડિઝાઇનના અમલીકરણને કારણે વિદ્યાર્થીઓને હજુ થોડા દિવસો પ્રતિક્ષા કરવી પડશે. બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, માર્કશીટ તૈયાર કરવાનું કામ હવે પૂર્ણતાના આરે છે. આ ચાલુ સપ્તાહના અંત સુધીમાં માર્કશીટ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવી શકે છે. આશા છે કે, સપ્તાહના અંત સુધીમાં વિદ્યાર્થીઓ પોતાની શાળાઓમાંથી ઓરિજિનલ માર્કશીટ મેળવી શકશે. કારણ કે, એડમિશન પ્રક્રિયામાં ઓરિજિનલ દસ્તાવેજોની જરૂરિયાત રહેતી હોય છે.