દ્વિપક્ષીય સંબંધો અને ગ્રીન ટેક્નોલોજી પર થશે મહત્વપૂર્ણ ચર્ચા ગોથનબર્ગમાં સ્વીડિશ PM ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે બેઠક, ભારત-સ્વીડન વેપાર, AI, ડિફેન્સ અને ક્લાઈમેટ સહકાર પર રહેશે ફોકસ
પ્રધાનમંત્રી Narendra Modi તેમના પાંચ દેશોના વિદેશ પ્રવાસના ત્રીજા તબક્કા અંતર્ગત રવિવારે સ્વીડન પહોંચ્યા હતા. 15 મેથી શરૂ થયેલા આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન તેઓ પહેલા યુનાઇટેડ અરબ અમીરાત સહિતના દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે અને હવે તેઓ બે દિવસીય સ્વીડન પ્રવાસે ગોથનબર્ગ પહોંચ્યા છે. સ્વીડનના પ્રધાનમંત્રી Ulf Kristerssonના આમંત્રણ પર યોજાયેલા આ પ્રવાસને ભારત-સ્વીડન સંબંધોમાં નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે.
ગોથનબર્ગ એરપોર્ટ પર PM મોદીનું સ્વીડિશ પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસને ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે ભારત અને સ્વીડન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા થવાની છે.
વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, આ મુલાકાત દરમિયાન વેપાર, રોકાણ, ગ્રીન ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્ટાર્ટઅપ, સપ્લાય ચેઇન, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને ક્લાઈમેટ એક્શન જેવા મુદ્દાઓ પર વિશેષ ફોકસ રહેશે. MEAએ જણાવ્યું હતું કે PM મોદીએ અગાઉ વર્ષ 2018માં પ્રથમ ઇન્ડિયા-નોર્ડિક સમિટ માટે સ્વીડનની મુલાકાત લીધી હતી. હવે ફરી એકવાર બંને દેશો ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે નવા માર્ગો શોધશે. હાલમાં ભારત અને સ્વીડન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 7.75 અબજ ડોલર સુધી પહોંચ્યો છે, જ્યારે વર્ષ 2000થી 2025 દરમિયાન સ્વીડન દ્વારા ભારતમાં લગભગ 2.825 અબજ ડોલરનું FDI રોકાણ કરવામાં આવ્યું છે.
બંને દેશો વચ્ચે ગ્રીન ટ્રાંઝિશન અને નવી ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર વધારવા માટે પણ ચર્ચા થશે. સ્વીડન યુરોપની સૌથી ઇનોવેશન આધારિત અર્થવ્યવસ્થાઓમાં ગણાય છે અને ભારત સાથે ટેક્નોલોજી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્રે લાંબા ગાળાના સહકાર માટે ઉત્સુક છે. બંને દેશો વચ્ચે લોકો વચ્ચેના સંબંધો અને શૈક્ષણિક સહકારને પણ મજબૂત બનાવવા માટે ચર્ચા થવાની શક્યતા છે.આ પ્રવાસ દરમિયાન ગુજરાતના મહત્ત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી છે. પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન ત્યાંના પ્રસિદ્ધ Afsluitdijk વોટર મેનેજમેન્ટ સ્ટ્રક્ચરની મુલાકાત લીધી હતી. PM મોદીએ ડચ ઇજનેરીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે 32 કિલોમીટર લાંબા આ બેરિયર ડેમમાં ઉપયોગમાં લેવાયેલી ટેક્નોલોજી ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
કલ્પસર પ્રોજેક્ટ ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ પ્રોજેક્ટ દ્વારા પાણી સંગ્રહ, સિંચાઈ, પીવાનું પાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને મોટો ફાયદો થઈ શકે છે. નેધરલેન્ડ્સની અદ્યતન વોટર મેનેજમેન્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતમાં આ પ્રોજેક્ટને ગતિ મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ દરમિયાન સ્વીડન સરકારે PM મોદીને દેશના સર્વોચ્ચ સન્માનોમાંના એક “રોયલ ઓર્ડર ઓફ પોલાર સ્ટાર”થી સન્માનિત કર્યા છે. આ સન્માન કોઈપણ સરકાર પ્રમુખને આપવામાં આવતું સ્વીડનનું સૌથી મોટું સન્માન માનવામાં આવે છે. વર્ષ 1748માં શરૂ કરાયેલ આ એવોર્ડ સ્વીડન અથવા સ્વીડિશ હિતો માટે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને આપવામાં આવે છે.
આ PM મોદીને મળેલું 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ દેશોએ PM મોદીને તેમના વૈશ્વિક નેતૃત્વ, રાજદ્વારી સંબંધો અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે સન્માનિત કર્યા છે. સ્વીડન દ્વારા અપાયેલ આ સન્માનને ભારત માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.વિદેશ નીતિના જાણકારોનું માનવું છે કે PM મોદીના આ પ્રવાસથી ભારત અને ઉત્તર યુરોપિયન દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. ખાસ કરીને ગ્રીન એનર્જી, ડિજિટલ ટેક્નોલોજી, ડિફેન્સ અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં ભારતને મોટો લાભ મળી શકે છે.
હવે સૌની નજર PM મોદી અને સ્વીડિશ PM વચ્ચે થનારી બેઠક પર છે, જેમાં ભવિષ્યના સહકાર માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. ભારત અને સ્વીડન વચ્ચેના સંબંધોને વધુ વ્યૂહાત્મક અને ભવિષ્યલક્ષી બનાવવા માટે આ પ્રવાસને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે