ગુજરાતી મનોરંજન જગતમાં ફરી એકવાર મોટો વિવાદ સામે આવ્યો છે. લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના મુખ્ય અભિનેતા કરણ જોશી સામે OTT અને ટેલિવિઝન અભિનેત્રી નેહલ વડોલિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. નેહલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે કરણ જોશીએ ઇન્સ્ટાગ્રામ મારફતે તેમને અયોગ્ય અને અશ્લીલ મેસેજ કર્યા હતા તેમજ શારીરિક સુખની માંગણી પણ કરી હતી. આ વીડિયો વાયરલ થતાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. નેહલ વડોલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ક્રીન રેકોર્ડિંગ સાથેનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે દાવો કર્યો કે કરણ જોશીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેમને વાંધાજનક મેસેજ મોકલવામાં આવ્યા હતા. નેહલના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં તેમને કહેવામાં આવ્યું હતું કે આ મેસેજ કોઈ મિત્રએ કર્યા હતા, જ્યારે બાદમાં કરણ જોશીની તરફથી દાવો કરવામાં આવ્યો કે તેમનું એકાઉન્ટ હેક થયું હતું.
નેહલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તે આ સમગ્ર મામલો પ્રસિદ્ધિ મેળવવા માટે નહીં પરંતુ સત્ય બહાર લાવવા માટે શેર કરી રહી છે. તેમણે કહ્યું કે જો આ પ્રકારની બાબતો સામે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં બીજી યુવતીઓ પણ આવી પરિસ્થિતિનો ભોગ બની શકે છે. નેહલે વધુમાં આરોપ લગાવ્યો કે વિવાદ બાદ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકોએ મળીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, એક કોમન ફ્રેન્ડ, કરણ જોશી, એક પ્રોડ્યુસર અને ડિરેક્ટર સહિત પાંચ લોકો મળીને તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નેહલનો આક્ષેપ છે કે તેમને ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવ્યા હતા અને ભગવાનના નામે મામલો શાંત રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “કાંડ તમે કરો અને ભગવાનનું નામ ખરાબ થાય? મને કહેવામાં આવ્યું કે આ બાબત કોઈને ન કહું. પરંતુ હું આ સત્ય દુનિયા સામે લાવીશ જેથી બીજી કોઈ યુવતી આવા લોકોની વાતોમાં આવીને પોતાનો સમય અને લાગણી બગાડે નહીં.” નેહલ વડોલિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો કોઈ યુવતી સાથે ખોટું થાય તો તેણે અવાજ જરૂર ઉઠાવવો જોઈએ. તેમણે કહ્યું કે આજના સમયમાં લોકો પુરાવા વગર વિશ્વાસ કરતા નથી, તેથી યુવતીઓએ સાવચેત રહેવાની જરૂર છે.

બીજી તરફ, અભિનેતા કરણ જોશીએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું. તેમના જણાવ્યા મુજબ, અલગ અલગ લોકેશનમાંથી તેમના એકાઉન્ટમાં લોગિન થયું હતું અને તેઓ તે સમયે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હોવાથી આ બાબત પર ધ્યાન આપી શક્યા નહોતા. કરણ જોશીએ કહ્યું કે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ મારફતે તેમને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી, ત્યારબાદ તેમણે નેહલ સાથે ગ્રુપ કોલ પર વાત કરીને પરિસ્થિતિ સમજાવી હતી. તેમના કહેવા મુજબ, નેહલે તે સમયે આ વાત સ્વીકારી લીધી હતી કે મેસેજ હેકિંગના કારણે ગયા હશે અને બંને વચ્ચે મામલો સમાપ્ત થઈ ગયો હતો. કરણ જોશીએ વધુમાં કહ્યું કે હવે ચારથી છ મહિના પછી આ મુદ્દો ફરી કેમ ઉઠાવવામાં આવ્યો છે તે અંગે તેમને કોઈ સમજ નથી. તેમણે જણાવ્યું કે તે સમયે ટેકનિકલ બાબતો અંગે વધુ જાણકારી ન હોવાથી તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી નહોતી, પરંતુ એકાઉન્ટની સિક્યોરિટી વધારી દીધી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને કરણ જોશીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેમના પરિવાર પર પણ આ વિવાદની અસર પડી રહી છે. તેમના માતા-પિતા વૃદ્ધ છે અને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે હાલ તેઓ કાનૂની નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે અને જરૂરી લાગે તો કાનૂની પગલાં પણ લઈ શકે છે. હાલ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ નેહલ વડોલિયા પોતાના આક્ષેપો પર અડગ છે, તો બીજી તરફ કરણ જોશી પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. જોકે, અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી નથી.