Business

પાલઘર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: 17 કરોડની ચાંદી ભરેલી વેન પલટી, 2ના મોત

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર પાલઘરના ચારોટી નાકા નજીક શુક્રવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુંબઈથી વાપી જઈ રહેલી આશરે 17 કરોડની કિંમતની ચાંદીની પાટો ભરેલી એક સિક્યોરિટી વેન ડિવાઈડર તોડીને સામેથી આવી રહેલા ટ્રેલર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વેન પલટી મારી ગઈ હતી અને તેમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી મુજબ, મુંબઈની ‘નાકોડા બુલિયન’ કંપનીની સિક્યોરિટી વેનમાં લગભગ 600 કિલો ચાંદીની પાટો ભરીને તેને વાપી GIDCમાં આવેલી એક કંપની સુધી પહોંચાડવામાં આવી રહી હતી. શુક્રવારે વહેલી સવારે આશરે 6થી 6:30 વાગ્યાના અરસામાં વેન પાલઘરના ચારોટી ફ્લાયઓવર નજીક પહોંચી હતી ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. નિયંત્રણ બહાર ગયેલી વેન સીધી ડિવાઈડર તોડીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી.

એ જ સમયે સામેની દિશામાં મુંબઈ તરફ જઈ રહેલા એક ભારે ટ્રેલર સાથે વેનની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે વેનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને વાહન પલટી મારીને રોડની બાજુમાં ફંગોળાઈ ગયું હતું. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં ચીસો અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં વેનના ડ્રાઈવર અને સુરક્ષા ગાર્ડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બચાવનો કોઈ મોકો મળ્યો નહોતો. જ્યારે વાહનમાં સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તેની હાલત અત્યંત નાજુક છે.

અકસ્માત બાદ વધુ ચકચાર ત્યારે મચી જ્યારે વેનનો પાછળનો ભાગ તૂટી જતાં અંદર રહેલી ચાંદીની પાટો રોડ પર ફેલાઈ ગઈ હતી. કરોડો રૂપિયાની કિંમતી ચાંદી હાઈવે પર ખુલ્લી પડી જતાં આસપાસના લોકો અને વાહનચાલકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. કેટલાક લોકો મોબાઈલમાં વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા તો કેટલાક લોકો નજીક જઈને ચાંદીની પાટો જોવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાલઘર પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. કિંમતી ચાંદીનો જથ્થો સુરક્ષિત રહે અને કોઈ ગેરકાયદેસર રીતે તેને લઈ ન જાય તે માટે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. અકસ્માત સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ચાંદીની તમામ પાટોને સુરક્ષિત રીતે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી હતી. આ અકસ્માતને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બાદમાં ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વેન અને ટ્રેલરને રસ્તા પરથી ખસેડવામાં આવ્યા હતા. લગભગ કેટલાંક કલાકોની મહેનત બાદ હાઈવે પર વાહનવ્યવહાર ફરી શરૂ કરાયો હતો. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે વધારે ઝડપ અથવા સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણ જાણવા CCTV ફૂટેજ તથા અન્ય પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top