Gujarat

બારડોલીમાં બે બસોની જોરદાર ટક્કર બાદ આગ: 8નાં મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક આજે એક ભીષણ ત્રિપલ અકસ્માત સર્જાતા ભારે જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ સુરતથી ધુલિયા તરફ જઈ રહેલી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની (ST) બસ આગળ ચાલી રહેલા ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ ડિવાઈડર કૂદી સામેની લેનમાં પહોંચી ગઈ હતી. ડિવાઈડર પાર કર્યા બાદ બસ સામેથી આવી રહેલી મહારાષ્ટ્ર STની બીજી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ જોરદાર અથડામણને કારણે ધુલિયાથી સુરત તરફ આવી રહેલી બસ ત્રણ પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં અચાનક આગ ફાટી નીકળતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

માહિતી અનુસાર ધુલિયાથી સુરત તરફ આવતી બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. બસ પલટી માર્યા બાદ આગ ઝડપથી ફેલાઈ જતા કેટલાક મુસાફરો બહાર નીકળી શક્યા નહોતા. આગની ઝપેટમાં આવી અનેક મુસાફરો ગંભીર રીતે દાઝ્યા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ અકસ્માતમાં અંદાજે 8 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જોકે મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બારડોલીની ખાનગી હોસ્પિટલો તેમ જ સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા પોલીસ વડા જસુભાઈ પટેલ, સુરત જિલ્લા પોલીસ વડા ગઢિયા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ બારડોલી ફાયર બ્રિગેડની ટીમે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં સળગી ગયેલી બસમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગેસ કટર મશીનની મદદથી બસના કાટમાળને કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Most Popular

To Top