Gujarat

કામરેજમાં નકલી ઘીનો ભાંડો ફૂટ્યો: આરોગ્ય મંત્રીના મતવિસ્તારમાં ભેળસેળના કારખાનાં પર પોલીસનો દરોડો

ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના મતવિસ્તાર કામરેજમાં ફરી એકવાર ખાદ્ય ભેળસેળનો ગંભીર કિસ્સો સામે આવતા સ્થાનિક તંત્ર અને ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. નવાગામ GIDC વિસ્તારમાં પોલીસે દરોડો પાડી નકલી અને ભેળસેળયુક્ત ઘી બનાવતા એક શંકાસ્પદ કારખાનાનો પર્દાફાશ કર્યો છે.મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવાગામ GIDC સ્થિત શ્રીજી ઇન્ડસ્ટ્રિયલના પ્લોટ નંબર-7 ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ખુલાસો થયો કે ત્યાં ઘીના નામે ભેળસેળયુક્ત ઉત્પાદન તૈયાર કરવામાં આવતું હતું અને તેને બજારમાં વેચાણ માટે મોકલવાની તૈયારી ચાલી રહી હતી.

પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં કાચો માલ અને ઘી બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી આવી હતી. જપ્ત કરાયેલા માલમાં 15 ડબ્બા તેલ, 140 કિલો ક્રીમ, ભેંસના ઘીનો એક ડબ્બો, ગાયના ઘીનો એક ડબ્બો તેમજ અન્ય સાધનો અને કાચો માલ સામેલ છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ યુનિટ છેલ્લા અંદાજે 15 દિવસથી ગુપ્ત રીતે કાર્યરત હતું. આસપાસના લોકોને જાણ ન થાય તે માટે કામગીરી અત્યંત સાવચેતીપૂર્વક ચલાવવામાં આવી રહી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

સપ્લાય નેટવર્ક અંગે તપાસ શરૂ
હાલ પોલીસ અને સંબંધિત વિભાગો એ દિશામાં તપાસ આગળ ધપાવી રહ્યા છે કે આ ભેળસેળયુક્ત ઘી કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું, તેની પાછળ કોણ-કોણ લોકો સંકળાયેલા છે અને બજારમાં અત્યાર સુધી કેટલો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે.જપ્ત કરાયેલા ઘી અને અન્ય સામગ્રીના નમૂનાઓને ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ રિપોર્ટ બાદ ભેળસેળના સ્તર અને ઉત્પાદનની ગુણવત્તા અંગે વધુ વિગતો સામે આવશે.

સ્થાનિકોમાં રોષ, કડક કાર્યવાહીની માંગ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નાગરિકોએ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે નફાખોરી માટે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે માત્ર દંડ નહીં પરંતુ કડક કાનૂની પગલાં લેવા જરૂરી છે.

કામરેજમાં ભેળસેળના કિસ્સાઓ વધી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે કામરેજ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યારેક નકલી મસાલા, તો ક્યારેક ભેળસેળયુક્ત દૂધ અને હવે નકલી ઘી જેવા બનાવો સામે આવતા લોકોમાં ચિંતા વધી રહી છે.તાજી કાર્યવાહી બાદ હવે ખાદ્ય સુરક્ષા વિભાગ, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આવા ગેરકાયદે ધંધાઓ સામે વધુ સઘન અને સતત ઝુંબેશ ચલાવવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

આરોગ્ય સાથે સીધો ખેલ
નકલી અને ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન માત્ર કાયદાનો ભંગ જ નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથેનું ગંભીર ચેડાં પણ છે. આવા ઉત્પાદનોના સેવનથી અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો કે નિષ્ણાતોના મતે ભેળસેળ યુક્ત ખાદ્યપદાર્થો લાંબા ગાળે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.તેથી બજારમાં વેચાતા ખાદ્યપદાર્થોની નિયમિત તપાસ, કડક મોનીટરિંગ અને દોષિતો સામે કડક કાર્યવાહી સમયની માંગ બની ગઈ છે. કામરેજમાં થયેલી આ કાર્યવાહી બાદ હવે લોકો આશા રાખી રહ્યા છે કે ભેળસેળના ગોરખધંધા સામે વધુ અસરકારક અભિયાન શરૂ થશે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી થશે.

Most Popular

To Top