Entertainment

‘હવે જીવન અલગ રીતે જીવવું છે’, પ્રીતમની પોસ્ટથી નિવૃત્તિની અટકળો તેજ, શું અરિજિત બાદ હવે પ્રીતમ પણ લેશે નિવૃત્તિ?

બોલિવુડના જાણીતા સંગીતકાર અને મ્યુઝિક ડિરેક્ટર પ્રીતમ ચક્રવર્તીની એક સોશિયલ મીડિયા પોસ્ટે ચાહકો અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં નવી ચર્ચા શરૂ કરી છે. પોતાના 55મા જન્મદિવસ નિમિત્તે પ્રીતમે એક લાંબી અને ભાવુક પોસ્ટ શેર કરી હતી, જેના બાદ એવી અટકળો તેજ બની છે કે શું તેઓ પણ ફિલ્મ સંગીતની દુનિયામાંથી નિવૃત્તિ લેવાની તૈયારી કરી રહ્યા છે? 14 જૂને પ્રીતમે 55 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ પ્રસંગે તેમને દેશ-વિદેશમાંથી હજારો ચાહકો, મિત્રો અને ફિલ્મ જગતના સાથીઓ તરફથી શુભેચ્છાઓ મળી હતી. આ શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કરવા માટે તેમણે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ લખી હતી. જોકે, પોસ્ટમાં લખાયેલી કેટલીક વાતોએ ચાહકોનું ખાસ ધ્યાન ખેંચ્યું અને ત્યારથી જ તેમના ભવિષ્યને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

પોતાની પોસ્ટમાં પ્રીતમે લખ્યું હતું કે તેઓ દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે જવાબ આપી શકતા નથી, પરંતુ દરેકના પ્રેમ અને શુભેચ્છા માટે દિલથી આભારી છે. તેમણે આગળ લખ્યું કે હવે તેઓ પોતાના જીવનના આગામી વર્ષો અલગ રીતે જીવવા માંગે છે અને પોતાની જાતને આ નવી ભેટ આપવા માંગે છે. પોસ્ટમાં તેમણે એવી પણ વાત કરી કે જીવનમાં કેટલીક એવી ઇચ્છાઓ અને સપનાઓ છે, જેને તેઓ હજુ સુધી પૂરા કરી શક્યા નથી. હવે તેઓ એ અધૂરા રહેલા સપનાઓને પૂર્ણ કરવા માંગે છે. તેમના શબ્દોમાં, “હું જે રહી ગયું છે તે હાંસલ કરવા માંગું છું.” પ્રીતમે વધુમાં જણાવ્યું કે જીવનનો આ નવો પ્રવાસ ઘણા વર્ષોથી મુલતવી રહ્યો હતો. ફિલ્મ સંગીતની મુખ્યધારામાં તેમનો સફર ખૂબ જ સફળ અને યાદગાર રહ્યો છે, પરંતુ તેઓ હંમેશાં એ માર્ગો વિશે પણ વિચારતા રહ્યા છે, જ્યાં તેઓ અત્યાર સુધી જઈ શક્યા નથી. તેમણે લખ્યું કે જે રસ્તા પર તેઓ ચાલ્યા નથી, તેના વિશે તેમને વધુ ઉત્સુકતા રહી છે. આ શબ્દોએ જ ચાહકોમાં અનેક સવાલો ઉભા કર્યા છે. ઘણા લોકો માની રહ્યા છે કે કદાચ પ્રીતમ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી થોડો વિરામ લેવા માંગે છે અથવા પછી કોઈ નવા સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છે છે. કેટલાક ચાહકો તો સીધું જ પૂછવા લાગ્યા કે શું તેઓ નિવૃત્તિની જાહેરાત કરવા જઈ રહ્યા છે?

સોશિયલ મીડિયા પર પ્રીતમની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. અનેક યુઝર્સે કોમેન્ટ કરીને તેમના નિર્ણય વિશે જાણવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. કેટલાકે તેમને આરામ અને વ્યક્તિગત જીવન માટે સમય આપવાની સલાહ આપી, જ્યારે અન્ય લોકોએ વિનંતી કરી કે તેઓ સંગીત જગતને ન છોડે. જોકે, અત્યાર સુધી પ્રીતમે ક્યાંય પણ સ્પષ્ટ શબ્દોમાં નિવૃત્તિની જાહેરાત કરી નથી. તેમની પોસ્ટમાં પણ તેમણે ફિલ્મ સંગીતથી દૂર થવાની સીધી વાત કરી નથી. તેથી હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે તે માત્ર અટકળો જ ગણાય. પ્રીતમ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી બોલિવૂડના સૌથી સફળ સંગીતકારોમાં સામેલ રહ્યા છે. તેમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે અને તેમના ગીતો આજે પણ કરોડો લોકોના મનપસંદ છે. ‘જબ વી મેટ’, ‘યે જવાની હૈ દીવાની’, ‘બર્ફી’, ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મોના ગીતોએ તેમને અલગ ઓળખ અપાવી છે. તેમની ખાસિયત એ રહી છે કે તેમણે સમય સાથે પોતાની સંગીત શૈલીમાં સતત નવીનતા લાવી છે. રોમેન્ટિક ગીતોથી લઈને પાર્ટી સોંગ્સ અને મેલોડિયસ ટ્રેક્સ સુધી, પ્રીતમે દરેક પ્રકારના સંગીતમાં સફળતા મેળવી છે. આ કારણે જ તેઓ બોલિવૂડના સૌથી લોકપ્રિય અને વ્યસ્ત સંગીતકારોમાં ગણાય છે.

તાજેતરમાં ગાયક અરિજિત સિંહને લઈને પણ એવી ચર્ચાઓ થઈ હતી કે તેઓ મુખ્યધારાના કેટલાક પ્રોજેક્ટ્સમાંથી દૂર થવા માંગે છે. હવે પ્રીતમની પોસ્ટ બાદ બંને નામોને જોડીને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. જોકે, બંને કલાકારોએ પોતાના ભવિષ્ય વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. હાલ માટે એટલું ચોક્કસ કહી શકાય કે પ્રીતમ જીવનના નવા તબક્કા તરફ આગળ વધવા વિશે વિચારી રહ્યા છે. પરંતુ આ નવા તબક્કાનો અર્થ નિવૃત્તિ છે, લાંબો વિરામ છે કે પછી કોઈ નવો સર્જનાત્મક પ્રયોગ, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. ચાહકો હવે પ્રીતમ તરફથી આવનારી સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. ત્યાં સુધી તેમની એક પોસ્ટે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો માહોલ જરૂર ઉભો કરી દીધો છે.

Most Popular

To Top