UPSC જેવી વિશ્વસનીયતા કેમ નથી ઉભી થઈ રહી? ફરી ઉઠ્યા ગંભીર સવાલો
NEET, JEE અને CUET જેવી મોટી પરીક્ષાઓ લેતી એજન્સી ફરી ચર્ચામાં; પારદર્શિતા, પેપર લીક અને વ્યવસ્થાને લઈને વિરોધ તેજ : દેશભરના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી છે. માત્ર 50 રૂપિયાની મૂડી સાથે નોંધાયેલ આ એજન્સી આજે NEET, JEE Main, CUET, UGC-NET સહિત દેશની અનેક મહત્વપૂર્ણ પ્રવેશ અને ભરતી પરીક્ષાઓનું આયોજન કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ઊભા થતા વિવાદો, પેપર લીકના આક્ષેપો, ટેક્નિકલ ખામીઓ અને પરીક્ષા વ્યવસ્થામાં ગડબડને કારણે હવે સવાલ ઉઠી રહ્યો છે કે NTA હજુ સુધી UPSC જેવી વિશ્વસનીય સંસ્થા કેમ બની શકી નથી?
NTAની સ્થાપના વર્ષ 2017માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ દેશભરમાં પ્રવેશ પરીક્ષાઓને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો હતો. સરકારે દાવો કર્યો હતો કે આ નવી એજન્સી વિદ્યાર્થીઓને વધુ સારી અને એકસરખી પરીક્ષા પદ્ધતિ આપશે. પરંતુ સમય જતા અનેક પરીક્ષાઓમાં ગડબડીના આક્ષેપો સામે આવતા NTAની કામગીરી સતત સવાલોના ઘેરામાં આવતી રહી છે.
તાજેતરમાં NEET-UG પરીક્ષાને લઈને દેશભરમાં ભારે વિવાદ થયો હતો. પેપર લીક, અનિયમિત માર્કિંગ, ગ્રેસ માર્ક્સ અને પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિઓના આરોપોને કારણે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. મામલો સીધો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. અનેક વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જોવા મળી નથી.
વિશેષજ્ઞોનું માનવું છે કે NTAનું સૌથી મોટું પડકાર વિશ્વાસનું છે. UPSC જેવી સંસ્થા વર્ષોથી કડક અને વિશ્વસનીય પ્રક્રિયાઓ માટે ઓળખાય છે. UPSCની પરીક્ષાઓમાં પેપર લીક અથવા મોટી ગડબડીના કેસ લગભગ જોવા મળતા નથી. તેના વિપરીત NTA વારંવાર વિવાદોમાં આવતી હોવાથી વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતા વધી રહી છે.અહેવાલો અનુસાર NTA એક સોસાયટી મોડેલ હેઠળ કાર્ય કરે છે અને તેની શરૂઆત માત્ર 50 રૂપિયાની રજિસ્ટ્રેશન ફીથી થઈ હતી. આ બાબત હવે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બની છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જે સંસ્થા દેશના કરોડો યુવાનોનું ભવિષ્ય નક્કી કરે છે, તેની રચના અને વ્યવસ્થાપન પ્રણાલી કેટલી મજબૂત છે?
શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે માત્ર ડિજિટલ પરીક્ષા લેવી પૂરતી નથી, પરંતુ મજબૂત સુરક્ષા વ્યવસ્થા, પ્રશ્નપત્રોની ગોપનીયતા, પારદર્શક મૂલ્યાંકન અને જવાબદારી નક્કી કરવી પણ એટલી જ જરૂરી છે. જો પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ નહીં રહે તો વિદ્યાર્થીઓમાં માનસિક દબાણ અને અસુરક્ષા વધી શકે છે. વિદ્યાર્થી સંગઠનો સતત માંગ કરી રહ્યા છે કે NTAની સંપૂર્ણ કામગીરીની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. સાથે જ પરીક્ષા વ્યવસ્થામાં સુધારા, વધુ જવાબદારી અને ટેક્નિકલ સુરક્ષા વધારવા માટે કડક પગલાં લેવાં જોઈએ. ઘણા શિક્ષણવિદોનું માનવું છે કે સરકાર હવે માત્ર સ્પષ્ટતા આપવાથી આગળ વધીને મૂળભૂત સુધારાઓ લાવે તે સમયની માંગ છે.
NEET અને અન્ય પરીક્ષાઓમાં ઉભા થયેલા વિવાદોએ માત્ર પરીક્ષા પ્રણાલી જ નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. કરોડો વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે, ત્યારે તેમની મહેનત પર શંકા ઊભી થાય તે દેશ માટે ચિંતાજનક બાબત ગણાય છે. હવે નજર સરકાર અને શિક્ષણ મંત્રાલય પર છે કે તેઓ NTAને લઈને ઉઠેલા સવાલોનો કેવી રીતે જવાબ આપે છે અને શું ખરેખર આ એજન્સી ભવિષ્યમાં UPSC જેવી વિશ્વસનીયતા અને સખ્તાઈ મેળવી શકશે કે નહીં.