ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા કરેલી અપીલને અનુસરી ગુજરાતના કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ મહત્વનો નિર્ણય લઈને તેમનો આગામી અમેરિકાનો પ્રવાસ સ્વૈચ્છિક રીતે રદ કરવાની જાહેરાત કરી છે. અગાઉ ડે.સીએમ હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કરવાની જાહેરાત કરી હતી. માહિતી મુજબ, ચાલુ માસના અંતિમ અઠવાડિયામાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલય ન્યૂયોર્ક ખાતે યોજાનાર ‘ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન કોઓપરેટિવ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ’માં વિશેષ વક્તા તરીકે હાજરી આપવાના હતા. જોકે વડાપ્રધાનના એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાના આહવાનને પ્રાધાન્ય આપીને તેમણે આ પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે.
300 નવી એસટી બસ ઉદઘાટન સમારોહ વિના સીધી જ રસ્તા પર દોડશે
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીની ‘ઈંધણ બચાવો’ અને સંસાધનોના કરકસરભર્યા ઉપયોગની અપીલને રાજય સરકારે અનોખી રીતે અમલમાં મૂકી છે. સરકારના એસ ટી નિગમ (GSRTC) દ્વારા આવતીકાલથી રાજ્યના વિવિધ રૂટ પર 300 નવી અત્યાધુનિક બસોને સીધી જ જનસેવામાં કાર્યરત કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની સૌથી વિશેષ બાબત એ છે કે બસોના લોકાર્પણ માટે કોઈ ભવ્ય સમારોહ, રિબન કટિંગ કે વીઆઈપી કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આવા મોટા કાર્યક્રમોમાં બસોને વિવિધ સ્થળોથી કાર્યક્રમ સ્થળે લાવવા-લઈ જવામાં હજારો લિટર ઈંધણ અને લાખો રૂપિયાનું સરકારી ખર્ચ થતો હોય છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ બિનજરૂરી ખર્ચ અને સમયનો બગાડ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.