IPL 2026માં લખનઊ સુપર જાયન્ટ્સ ભલે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ ટીમ હવે અન્ય ટીમોના સમીકરણ બગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. શુક્રવારે રમાયેલી મેચમાં લખનઊએ પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવીને તેની પ્લેઓફની આશાઓને મોટો ફટકો આપ્યો હતો. જોકે મેચ બાદ લખનઊના કેપ્ટન રિષભ પંત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા, કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL કોડ ઓફ કન્ડક્ટના ઉલ્લંઘન બદલ તેમના પર દંડ ફટકાર્યો છે. આઇપીએલ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, લખનઊ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સામેની મેચ દરમિયાન નક્કી સમયમર્યાદામાં ઓવરો પૂર્ણ કર્યા નહોતા. ટીમ સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરતા કેપ્ટન રિષભ પંત પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPL કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.22 હેઠળ આ સીઝનમાં લખનઉની ટીમની આ પહેલી ભૂલ હોવાથી પંતને આર્થિક દંડ સાથે ચેતવણી આપવામાં આવી છે.
એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનઉની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દેખાડી હતી. ચેન્નઈએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા હતા. ટીમ તરફથી યુવા બેટર કાર્તિક શર્માએ સૌથી વધુ 71 રનની ઇનિંગ્સ રમી હતી. શરૂઆતમાં ટોપ ઓર્ડર સસ્તામાં આઉટ થઈ જતા ચેન્નઈ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પરંતુ કાર્તિક શર્મા અને ડેવાલ્ડ બ્રેવિસે ચોથી વિકેટ માટે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી. કાર્તિક શર્માએ 42 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 71 રન ફટકાર્યા હતા, જ્યારે બ્રેવિસે 25 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ પણ આક્રમક બેટિંગ કરતા માત્ર 16 બોલમાં અણનમ 32 રન ફટકાર્યા હતા, જેના કારણે ચેન્નઈ 187 રન સુધી પહોંચી શકી હતી.
જોકે ચેન્નઈનો આ સ્કોર લખનઊના બેટર્સ સામે નાનો સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શે શરૂઆતથી જ ચેન્નઈના બોલરો પર હુમલો બોલાવ્યો હતો. તેણે માત્ર 38 બોલમાં 90 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જેમાં 9 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થતો હતો. માર્શે જોશ ઇંગ્લિશ સાથે મળીને પ્રથમ વિકેટ માટે માત્ર 70 બોલમાં 135 રનની ધમાકેદાર ભાગીદારી નોંધાવી હતી. લખનઊની આક્રમક બેટિંગ સામે ચેન્નઈના બોલરો સંપૂર્ણપણે લાચાર દેખાયા હતા. ખાસ કરીને અંશુલ કમ્બોજ માટે આ મેચ ખૂબ જ ખરાબ રહી હતી. માર્શ અને નિકોલસ પૂરને મળીને તેમની એક જ ઓવરમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા. કમ્બોજે માત્ર 2.4 ઓવરમાં જ 63 રન આપ્યા હતા.
નિકોલસ પૂરને પણ ઝડપી બેટિંગ કરતા માત્ર 17 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. લખનઉએ 188 રનનું લક્ષ્ય માત્ર 16.4 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે લખનઊએ ચેન્નઈની પ્લેઓફની આશાઓને મોટો ઝટકો આપ્યો છે. આ હાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સનો નેટ રનરેટ પણ ભારે અસરગ્રસ્ત થયો છે. ટીમનો નેટ રનરેટ 0.185થી ઘટીને 0.027 થઈ ગયો છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. ચેન્નઈ માટે હવે આગળની દરેક મેચ ‘કરો અથવા મરો’ જેવી બની ગઈ છે. બીજી તરફ લખનઉ ભલે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ ટીમે સાબિત કરી દીધું છે કે તે કોઈ પણ ટીમ માટે ખતરનાક બની શકે છે. રિષભ પંત માટે આ જીત ચોક્કસ ખુશી લાવી હતી, પરંતુ મેચ બાદ લાગેલા દંડે તેની ઉજવણીને થોડી ફીકી બનાવી દીધી છે. હવે જોવાનું રહેશે કે લખનઊ આગામી મેચોમાં પણ આ જ આક્રમક અંદાજ જાળવી રાખે છે કે નહીં.