Sports

ટીમ ઈન્ડિયાને વધુ એક ફટકો! શુભમન ગિલ બે વખત ઈજાગ્રસ્ત, ટેસ્ટ સીરિઝ પહેલાં BCCIનું ટેન્શન વધ્યું

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝ પહેલાં ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. સતત ખેલાડીઓ ઈજાનો ભોગ બની રહ્યા હોવાથી BCCI માટે આ વધુ એક ચિંતાજનક સમાચાર માનવામાં આવી રહ્યા છે. ભારતીય ટીમ હાલ શ્રીલંકામાં ટેસ્ટ સીરિઝની તૈયારીઓમાં વ્યસ્ત છે. સીરિઝ પહેલાં ટીમ 7થી 9 ઓગસ્ટ દરમિયાન એકમાત્ર પ્રેક્ટિસ મેચ રમવાની છે. તે પહેલાં કોલંબોના NCC ગ્રાઉન્ડ પર ખેલાડીઓ સતત નેટ્સમાં પરસેવો પાડી રહ્યા હતા. આ દરમિયાન શુભમન ગિલને બે વખત એક જ અંગૂઠામાં ઈજા પહોંચી હતી.

રિપોર્ટ મુજબ, 6 ઓગસ્ટે બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન ગિલના જમણા હાથના અંગૂઠા પર બોલ વાગ્યો હતો. ઈજા થતાં જ ટીમના મેડિકલ સ્ટાફે તરત જ સારવાર શરૂ કરી અને અંગૂઠા પર પાટો બાંધી દીધો હતો. પ્રાથમિક સારવાર બાદ ગિલ ફરી નેટ્સમાં પરત ફર્યો અને બેટિંગ પ્રેક્ટિસ ચાલુ રાખી. જોકે મુશ્કેલી અહીં પૂરી થઈ નહોતી. બેટિંગ બાદ ગિલ જ્યારે અન્ય ખેલાડીઓ સાથે સ્લિપ કેચિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે ફરી એકવાર બોલ એ જ ઈજાગ્રસ્ત અંગૂઠા પર વાગ્યો હતો. બીજી વખત વાગતા તેને વધુ દુખાવો થયો હતો. ત્યારબાદ મેડિકલ ટીમે ફરીથી તેની તપાસ કરી અને તેને આરામ કરવાની સલાહ આપી હતી. આ પછી ગિલે બાકીની પ્રેક્ટિસમાં ભાગ લીધો નહોતો.

હાલ ગિલની ઈજા કેટલી ગંભીર છે તે અંગે BCCI તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જોકે, પ્રથમ ટેસ્ટ મેચને હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી ટીમ મેનેજમેન્ટ તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ભારતીય ટીમ માટે આ પ્રેક્ટિસ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે શ્રીલંકાની પરિસ્થિતિમાં ખેલાડીઓને પોતાને ઢાળવાની આ એકમાત્ર તક છે. આવી સ્થિતિમાં ગિલ પ્રેક્ટિસ મેચમાં રમી શકશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે.

તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ ઈજાના કારણે બહાર થયા છે. જસપ્રીત બુમરાહ પણ ફિટનેસ ટેસ્ટમાં સફળ ન થતાં ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ચૂક્યો છે, જ્યારે અન્ય કેટલાક ખેલાડીઓ પણ ઈજામાંથી સાજા થવા માટે રિહેબમાં છે. હવે ટીમના કેપ્ટન શુભમન ગિલની ઈજાએ BCCI અને ટીમ મેનેજમેન્ટની ચિંતા વધુ વધારી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ગૉલમાં રમાશે. તે પહેલાં ગિલ સંપૂર્ણપણે ફિટ થઈ જશે કે નહીં તેના પર સૌની નજર રહેશે. જો ઈજા ગંભીર સાબિત થશે તો ભારતને પ્રથમ ટેસ્ટ પહેલાં મોટો ફટકો પડી શકે છે.

Most Popular

To Top