World

યુક્રેન: સુમીમાં ભારતીય માલિકીના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ પર રશિયન ડ્રોન હુમલો, મોટુ નુકસાન

યુક્રેનના સુમી વિસ્તારમાં ભારતીય માલિકીના ‘કુસુમ ગ્રુપ’ (Kusum Group) દ્વારા સંચાલિત ફાર્માસ્યુટિકલ ઉત્પાદન પ્લાન્ટને રશિયન ડ્રોન હુમલામાં ભારે નુકસાન થયું છે. મીડિયા અહેવાલો અનુસાર આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. કુસુમ ગ્રુપના પ્લાન્ટની મુખ્ય ઇમારતને ભારે નુકસાન થયું છે અને તેનો મોટો હિસ્સો નાશ પામ્યો છે.

ઘટનાસ્થળના દ્રશ્યોમાં ડ્રોન હુમલા બાદ ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી અને નુકસાનના આકલનની પ્રક્રિયા ચાલુ છે તેથી જાનહાનિના આંકડામાં ફેરફાર થઈ શકે છે.

ભારતીય મૂળ ધરાવતી યુક્રેનિયન કંપની
કુસુમ ગ્રુપે 1994માં યુક્રેનમાં ભારતીય દવાઓના વિતરક તરીકે કામગીરી શરૂ કરી હતી. હાલમાં કંપનીનું નેતૃત્વ ભારતીય નાગરિક રાજીવ ગુપ્તા કરી રહ્યા છે અને કંપની પોતાને ભારતીય મૂળ ધરાવતી યુક્રેનિયન કંપની તરીકે ઓળખાવે છે. અન્ય કંપનીઓની દવાઓના વિતરણથી આગળ વધીને કંપનીએ 2002માં પોતાની બ્રાન્ડ્સ વિકસાવવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.

અહેવાલો અનુસાર કંપનીએ 2007માં ભારતમાં એક ઉત્પાદન પ્લાન્ટ શરૂ કર્યો હતો અને ત્યારબાદ 2009માં યુક્રેનના સુમીમાં પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો હતો. બાદમાં ભારતમાં વધુ બે ઉત્પાદન પ્લાન્ટ ઉમેરવામાં આવ્યા હતા. કુસુમ ગ્રુપ 50થી વધુ દવાઓનું ઉત્પાદન કરે છે, જેમાંથી મોટાભાગની જેનરિક દવાઓ છે. યુક્રેન ઉપરાંત કંપની ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને ફિલિપાઇન્સ સહિતના અનેક દેશોમાં તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે.

રશિયાએ ડ્રોન હુમલા તેજ કર્યા
રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન સુમી સ્થિત પ્લાન્ટે નોંધપાત્ર સમય સુધી કામગીરી ચાલુ રાખી હતી. હવે રશિયન ડ્રોન હુમલાને કારણે તેને ભારે નુકસાન થયું છે. અહેવાલોમાં આર્થિક નુકસાનનો અંદાજ ઓછામાં ઓછો ₹400 કરોડ લગાવવામાં આવ્યો છે. આ હુમલો સમગ્ર યુક્રેનમાં રશિયન હુમલાઓમાં થયેલા વધારા વચ્ચે થયો છે. ઉનાળાથી, મોસ્કોએ યુક્રેનના વિવિધ ભાગોમાં મોટી સંખ્યામાં ‘શાહેદ’ (Shahed) ડ્રોન તૈનાત કર્યા છે, જેમાં જેટ એન્જિનથી સજ્જ ડ્રોનનો પણ સમાવેશ થાય છે.

યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને આમાંના કેટલાક ડ્રોનને અટકાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, જેનું એક કારણ તેમની વધુ ઝડપ છે. દરમિયાન કિવે તેના સ્વદેશી રીતે વિકસિત FP-7 બેલિસ્ટિક મિસાઇલના પ્રથમ લશ્કરી ઉપયોગની જાહેરાત કરી છે. અહેવાલો સૂચવે છે કે આ મિસાઇલની રેન્જ લગભગ ૨૫૦ કિલોમીટર છે.

આ હુમલાઓ અંગે રશિયાએ શું કહ્યું છે?
રશિયાએ જણાવ્યું છે કે તે કિવ અને અન્ય યુક્રેનિયન શહેરો પર તેના હુમલા ચાલુ રાખશે. મોસ્કોએ વિદેશી નાગરિકો અને રાજદ્વારીઓને યુક્રેન છોડી દેવાની પણ અપીલ કરી છે. શનિવારે રશિયન વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે રશિયન સેના લશ્કરી મથકો પર “લક્ષિત” હુમલાઓ ચાલુ રાખશે. મંત્રાલયે દાવો કર્યો હતો કે આ હુમલાઓ રશિયન નાગરિકો અને નાગરિક માળખાગત સુવિધાઓ પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાઓના જવાબમાં હતા.

કિવમાં પુલને નુકસાન
રશિયન હુમલાઓના તાજેતરના દોરમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા, જેમાં કિવમાં નીપર નદી પર આવેલા ‘નોર્ધર્ન બ્રિજ’ને પણ નુકસાન થયું હતું. પુલને થયેલા નુકસાનને કારણે રાજધાનીમાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. તાજેતરના દિવસોમાં કિવ પર વારંવાર હુમલા થયા છે.

Most Popular

To Top