ગુજરાતી ક્રિકેટર અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા એક વખત ફરી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં આવ્યા છે. IPL 2026 દરમિયાન ઇજાના કારણે કેટલીક મેચથી દૂર રહેલા હાર્દિક હવે પોતાના બીજા લગ્નની અટકળોને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. અહેવાલો અને વાયરલ પોસ્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ અને મોડલ માહિકા શર્મા સાથે ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે હાર્દિક અને માહિકા 22 મેના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે અત્યાર સુધી હાર્દિક પંડ્યા કે માહિકા શર્મા તરફથી ઓફિશિયલ અનાઉસમેન્ટ કરવામાં આવ્યું નથી. તેમ છતાં આ વાયરલ પોસ્ટ્સે બંનેના સંબંધોને લઈને ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ આખા મામલાને BCCIના તાજેતરના નિયમો સાથે પણ જોડ્યો છે. વાયરલ પોસ્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે માહિકા IPL દરમિયાન સતત હાર્દિકને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જોવા મળતી હતી. કેટલાક યુઝર્સે તો ત્યાં સુધી લખ્યું કે હાર્દિક મેચ બાદ ટીમની આંતરિક બેઠક છોડીને સીધો માહિકા પાસે પહોંચી જતો હતો.
વાયરલ પોસ્ટ્સમાં વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટીમના ડ્રેસિંગ રૂમ અને આંતરિક ચર્ચાઓની માહિતી લીક થવા અંગે અંબાણી પરિવાર નારાજ થયો હતો. ત્યારબાદ BCCIએ ખેલાડીઓની ગર્લફ્રેન્ડ્સ અને પરિવારજનોને ટીમ કેમ્પ આસપાસ રાખવા અંગે વધુ કડક નિયમો બનાવ્યા હતા. જોકે આ તમામ દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને ઘણા લોકો તેને માત્ર અફવા ગણાવી રહ્યા છે. આ પોસ્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક આ નવા નિયમોથી ખુશ નહોતો અને તેથી જ તેણે માહિકા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે જેથી તે સત્તાવાર રીતે ફરી સ્ટેડિયમમાં તેની સાથે રહી શકે. જોકે ક્રિકેટર અથવા BCCI તરફથી આ બાબતે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. હાર્દિક અને માહિકાના સંબંધો છેલ્લા કેટલાક મહિનાથી સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહ્યા છે. T-20 વર્લ્ડ કપ દરમિયાન ભારતની જીત બાદ બંને સ્ટેડિયમમાં ખુલ્લેઆમ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. વાયરલ વીડિયોમાં માહિકા હાર્દિકને કિસ કરતી અને બંને હાથમાં હાથ નાખીને ડાન્સ કરતા નજર આવ્યા હતા. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતા અને ઘણા યુઝર્સે હાર્દિકને ટ્રોલ પણ કર્યો હતો. બાદમાં બંને સ્ટેડિયમના પોડિયમ પર સાથે સમય પસાર કરતા પણ જોવા મળ્યા હતા. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી હતી.
હાર્દિક પંડ્યાએ થોડા સમય પહેલા માહિકાના જન્મદિવસ પર પણ એક ખાસ પોસ્ટ શેર કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર બંનેની સાથે વિતાવેલી ખાસ પળોનો વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું, “હેપી બર્થડે માય પ્રિન્સેસ… આ દુનિયામાં આવવા બદલ થેન્ક યુ. આઈ લવ યુ.” આ પોસ્ટ બાદ બંનેના સંબંધોને લઈને ચર્ચાઓ વધુ તેજ બની હતી. આ ઉપરાંત હાર્દિકે ગળા પર ‘M’ અક્ષરનું ખાસ ટેટૂ પણ બનાવડાવ્યું હતું. આ ટેટૂમાં બે ચિત્તાની ડિઝાઇન હતી, જેને તેમના સંબંધનું પ્રતિક ગણાવવામાં આવ્યું હતું. ટેટૂ સ્ટુડિયોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે હાર્દિક રાત્રે માહિકાને સરપ્રાઇઝ આપવા માટે ખાસ ટેટૂ કરાવવા આવ્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર હાર્દિક અને માહિકાના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ સત્ય શું છે તે તો સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે. ત્યાં સુધી ફેન્સ માટે આ માત્ર ચર્ચા અને અટકળોનો વિષય બની રહ્યો છે.