World

કોરોના પછી હવે ઈબોલાનો ખતરો! WHOએ દુનિયાને કર્યું એલર્ટ, WHOએ જાહેર કરી વૈશ્વિક આરોગ્ય કટોકટી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને યુગાન્ડામાં ફેલાયેલા ઈબોલા વાયરસના નવા સ્ટ્રેનને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત કરી છે. WHOએ આ ફેલાવાને ‘Public Health Emergency of International Concern’ એટલે કે આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આ નિર્ણય બાદ સમગ્ર દુનિયામાં આરોગ્ય એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ વખતે ફેલાતો વાયરસ ‘બુંડીબુગ્યો સ્ટ્રેન’ તરીકે ઓળખાય છે, જે ઈબોલા વાયરસનો જ એક ખતરનાક પ્રકાર છે. અગાઉ સૌથી વધુ ચર્ચામાં રહેલો ‘ઝૈરે સ્ટ્રેન’ વધુ ઘાતક માનવામાં આવતો હતો, પરંતુ હાલનો બુંડીબુગ્યો સ્ટ્રેન પણ ઝડપથી ફેલાતો હોવાથી ચિંતા વધી રહી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આ સ્ટ્રેન માટે હજુ સુધી કોઈ ચોક્કસ વેક્સિન કે ખાસ દવા ઉપલબ્ધ નથી.

બુંડીબુગ્યો સ્ટ્રેન સૌપ્રથમ વર્ષ 2007-08 દરમિયાન યુગાન્ડાના બુંડીબુગ્યો જિલ્લામાં જોવા મળ્યો હતો. તે સમયે 100થી વધુ લોકો સંક્રમિત થયા હતા અને મૃત્યુદર લગભગ 40 ટકા સુધી પહોંચ્યો હતો. હવે ફરી એકવાર આ સ્ટ્રેન કોંગો અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે, જેના કારણે WHOએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આ વાયરસનો મુખ્ય ખતરો તેની ઝડપથી ફેલાવાની ક્ષમતા છે. ચામાચીડિયા જેવા પ્રાણીઓ આ વાયરસના કુદરતી વાહક માનવામાં આવે છે. ખાસ કરીને કોંગોના ગીચ જંગલ વિસ્તારોમાં આ વાયરસ લાંબા સમયથી હાજર હોવાનું માનવામાં આવે છે. સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી, લોહી, થૂંક અથવા નજીકના સંપર્કથી આ ચેપ ફેલાઈ શકે છે. કેટલાક નિષ્ણાતોના મતે તે ખાંસી અને છીંક દ્વારા પણ ફેલાવાનો ખતરો ધરાવે છે.

ઈબોલાના લક્ષણોમાં શરૂઆતમાં તાવ, ભારે થાક, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો જોવા મળે છે. બાદમાં દર્દીને ઉલ્ટી, ડાયેરિયા અને શરીરમાંથી લોહી પડવાની સમસ્યા પણ થઈ શકે છે. ગંભીર સ્થિતિમાં શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. ઘણા કેસોમાં સમયસર સારવાર ન મળે તો દર્દીનું થોડા દિવસોમાં જ મૃત્યુ થઈ શકે છે. આ સ્ટ્રેન માટે હજુ સુધી કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ નથી. એટલે સારવાર મુખ્યત્વે સપોર્ટિવ કેર પર આધારિત છે. ડોક્ટરો દર્દીના શરીરમાં પાણી અને મિનરલ્સનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે. તાવ અને દુખાવા માટે દવાઓ આપવામાં આવે છે. ગંભીર દર્દીઓને ઓક્સિજન સપોર્ટ અથવા બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ આપવું પડે છે. WHOના અધિકારીઓનું કહેવું છે કે જો સમયસર સંક્રમણને કાબૂમાં નહીં લેવામાં આવે તો આ પ્રકોપ મોટા વિસ્તાર સુધી ફેલાઈ શકે છે. ખાસ કરીને ગરીબ અને ઓછા આરોગ્યસુવિધાવાળા વિસ્તારોમાં આ વાયરસ ઝડપથી વિનાશ ફેલાવી શકે છે. કોંગો અને યુગાન્ડામાં આરોગ્ય ટીમો દ્વારા દર્દીઓને અલગ રાખવા, ટેસ્ટિંગ વધારવા અને લોકોને જાગૃત કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે.

ઈબોલા દુનિયાના સૌથી ખતરનાક વાયરસોમાંનો એક માનવામાં આવે છે. વર્ષ 2018થી 2020 વચ્ચે કોંગોમાં ફેલાયેલા ઈબોલા પ્રકોપ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા. તે અનુભવને ધ્યાનમાં રાખીને WHO આ વખતે શરૂઆતથી જ કડક પગલાં લઈ રહ્યું છે. વિશ્વભરમાં કોરોના મહામારી બાદ આરોગ્ય સુરક્ષા મુદ્દે પહેલેથી જ ચિંતા વધી ચૂકી છે. હવે ઈબોલાના નવા સ્ટ્રેનના કારણે ફરી એકવાર વૈશ્વિક આરોગ્ય પ્રણાલીઓ પર દબાણ વધવાની આશંકા ઉભી થઈ છે. હાલ માટે WHOએ તમામ દેશોને સાવચેતી રાખવા અને એરપોર્ટ તેમ જ સરહદી વિસ્તારોમાં સ્ક્રીનિંગ મજબૂત કરવાની સલાહ આપી છે.

Most Popular

To Top