World

યુકેની રાજનીતિમાં મોટો ભૂકંપ! કીર સ્ટાર્મર ટૂંક સમયમાં આપી શકે રાજીનામું

યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર હાલમાં પોતાના રાજકીય જીવનના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યા છે. બ્રિટનની રાજનીતિમાં ભારે ઉથલપાથલ વચ્ચે એવા અહેવાલો સામે આવ્યા છે કે સ્ટાર્મર ટૂંક સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે. લેબર પાર્ટીની અંદર વધી રહેલા આંતરિક વિખવાદ, મંત્રીઓના રાજીનામા અને વરિષ્ઠ નેતાઓના વધતા દબાણને કારણે તેમની ખુરશી હવે ગંભીર જોખમમાં આવી ગઈ છે. બ્રિટિશ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે તણાવપૂર્ણ વાતાવરણ છે. કેબિનેટના કેટલાક સભ્યો ખુલ્લેઆમ સ્ટાર્મરના નેતૃત્વથી અસંતુષ્ટ હોવાનું માનવામાં આવે છે. પાર્ટીના ઘણા નેતાઓ જાહેરમાં તો વડાપ્રધાનને સમર્થન આપી રહ્યા છે, પરંતુ અંદરખાને બળવાખોરો સાથે મળીને સત્તા પરિવર્તનની તૈયારી કરી રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે.

ડેઈલી મેઈલના અહેવાલ અનુસાર, સ્ટાર્મરે પોતાના નજીકના સહયોગીઓને સ્વીકાર્યું છે કે હાલની રાજકીય અરાજકતા હવે અસહ્ય બની ગઈ છે. તેઓ હવે વધુ વિવાદ અને અપમાન ટાળવા માટે સન્માનજનક રીતે સત્તા હસ્તાંતરણ કરવાની યોજના બનાવી રહ્યા છે. તાજેતરમાં લેબર પાર્ટીમાં ઉઠેલા કેટલાક મુદ્દાઓએ સ્ટાર્મરની સ્થિતિ વધુ નબળી બનાવી છે. ખાસ કરીને બ્રિટનના નાણામંત્રી રશેલ રીવ્સના એક ઇન્ટરવ્યુએ રાજકીય ચર્ચાઓને વધુ ગરમાવી દીધી હતી. તેમણે ઇન્ટરવ્યુ દરમિયાન સરકાર અથવા વડાપ્રધાનનું નામ લેવાનું ટાળ્યું હતું, જેને ઘણા રાજકીય વિશ્લેષકોએ સ્ટાર્મરથી અંતર બનાવવાનો સંકેત ગણાવ્યો હતો.

આ ઉપરાંત હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગના રાજીનામાએ પણ ડાઉનિંગ સ્ટ્રીટને મોટો ઝટકો આપ્યો છે. એક પછી એક મંત્રીઓના અસંતોષ અને રાજીનામા દર્શાવે છે કે લેબર પાર્ટીની અંદર હાલ એકતા કરતાં વિખવાદ વધારે જોવા મળી રહ્યો છે. આ સમગ્ર રાજકીય સંકટમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ છે એન્ડી બર્નહામ. તેઓ લેબર પાર્ટીના પ્રભાવશાળી નેતા ગણાય છે અને હવે ફરી સંસદમાં વાપસી કરવાની તૈયારીમાં છે. મેકરફિલ્ડ પેટાચૂંટણી દ્વારા તેઓ વેસ્ટમિન્સ્ટર પહોંચવાના પ્રયાસમાં છે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે બર્નહામના સમર્થકો હવે ખુલ્લેઆમ સ્ટાર્મરના નેતૃત્વને પડકાર આપી રહ્યા છે. બર્નહામની ટીમ તરફથી પણ આક્રમક સંકેતો આપવામાં આવી રહ્યા છે. તેમના નજીકના લોકોનું કહેવું છે કે જો એન્ડી બર્નહામને મજબૂત સમર્થન મળશે તો તેઓ સીધા વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. આ નિવેદનો બાદ લેબર પાર્ટીમાં રાજકીય ખળભળાટ વધી ગયો છે. અહેવાલો મુજબ, સ્ટાર્મરની ટીમે બર્નહામની રાજકીય વાપસી રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પાર્ટીના અન્ય નેતાઓએ તે શક્ય બનવા દીધું નહીં. જેના કારણે સ્ટાર્મરની પકડ વધુ નબળી પડી હોવાનું માનવામાં આવે છે.

કીર સ્ટાર્મરને તેમના નજીકના સાથીદારો અગાઉ નવ જિંદગી ધરાવતી બિલાડી તરીકે ઓળખાવતા હતા. કારણ કે તેઓ અનેક રાજકીય સંકટોમાંથી બચી જતા હતા. પરંતુ હવે તેમના જ કેટલાક જૂના સાથીદારો માને છે કે આ વખતે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. પાર્ટીમાં વધતી બળવાખોરી અને આંતરિક વિરોધ સામે સ્ટાર્મર હવે લાંબા સમય સુધી ટકી શકશે નહીં. હવે સમગ્ર બ્રિટનની નજર આગામી દિવસોમાં થનારી મેકરફિલ્ડ પેટાચૂંટણી પર છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ ચૂંટણીનું પરિણામ સ્ટાર્મરના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે. જો પાર્ટીને ત્યાં ઝટકો લાગે તો સ્ટાર્મર પર રાજીનામાનું દબાણ વધુ વધી શકે છે. હાલ માટે બ્રિટનની રાજનીતિમાં અનિશ્ચિતતા અને ગરમાવો બંને વધી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કીર સ્ટાર્મર પોતાની રાજીનામાની તારીખ વહેલી જાહેર કરે છે કે અંતિમ ક્ષણ સુધી સત્તા બચાવવાનો પ્રયાસ ચાલુ રાખે છે.

Most Popular

To Top