Business

સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું 1000 અને ચાંદી 4500 સસ્તી, ગોલ્ડ ઇમ્પોર્ટ વધ્યો છતાં બજારમાં મંદી

વિશ્વ બજારમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલની સીધી અસર હવે ભારતના ઝવેરી બજારો પર પણ જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે પણ મોટો ઘટાડો નોંધાયો છે. મુંબઈ અને અમદાવાદ સહિત દેશના મુખ્ય બુલિયન બજારોમાં સોનાના ભાવમાં વધુ 1000 સુધીનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં 4500 સુધીનો કડાકો બોલાયો છે. બીજી તરફ, ક્રૂડ ઓઇલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે અને બ્રેન્ટ ક્રૂડ 110 ડોલર નજીક પહોંચી ગયું છે. જેના કારણે વૈશ્વિક આર્થિક ચિંતાઓ વધુ ઊંડી બની રહી છે. શનિવારે મુંબઈ બુલિયન માર્કેટ સત્તાવાર રીતે બંધ હતી, છતાં વિશ્વ બજારમાં આવેલા ઘટાડાની અસરને કારણે ઘરઆંગણે ભાવમાં નબળાઈ જોવા મળી હતી. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઘટતાં ભારત માટે ઇમ્પોર્ટ કોસ્ટ પણ ઓછી થઈ રહી છે. જેના કારણે સ્થાનિક બજારમાં પણ ભાવ નીચે આવી રહ્યા છે.

મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ વધુ 1000નો ઘટાડો નોંધાયો હતો. GST વગર 999 શુદ્ધતાવાળું સોનું 1,57,100 અને 995 ગુણવત્તાવાળું સોનું 1,56,500 સુધી નીચે આવ્યું હતું. ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને પ્રતિ કિલો ચાંદી 4500 સસ્તી થઈને 2,64,000 આસપાસ પહોંચી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અહીં 999 ગુણવત્તાવાળું સોનું 1,62,500 અને 995 ગુણવત્તાવાળું સોનું 1,62,200 સુધી ઘટ્યું હતું. ચાંદીના ભાવ 2,60,000 આસપાસ નોંધાયા હતા. વેપારીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી અને ડોલરની મજબૂતીના કારણે સોના-ચાંદીમાં વેચવાલી વધી રહી છે.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસ દીઠ 4540 ડોલર આસપાસ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 76 ડોલર નજીક ટ્રેડ થઈ રહ્યા હતા. પ્લેટીનમ અને પેલેડિયમમાં પણ નબળાઈ જોવા મળી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ પાંચ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચતાં રોકાણકારો ફરી ડોલર તરફ વળી રહ્યા છે, જેના કારણે સોનામાં દબાણ વધી રહ્યું છે. બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી યથાવત છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલ દીઠ 109 ડોલરથી વધુ રહ્યા હતા, જ્યારે અમેરિકન ક્રૂડ પણ 105 ડોલર પાર ટ્રેડ થયું હતું. છેલ્લા એક સપ્તાહમાં ક્રૂડના ભાવમાં આશરે 8 ટકા સુધીનો વધારો થયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇનની ચિંતાઓને કારણે ઓઇલ માર્કેટમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.

ભારત માટે આ પરિસ્થિતિ મિશ્ર અસર લાવી શકે છે. એક તરફ સોના-ચાંદીના ભાવ ઘટતા ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે, ખાસ કરીને લગ્નસરા અને રોકાણકારો માટે આ સમય સારો માનવામાં આવી રહ્યો છે. પરંતુ બીજી તરફ ક્રૂડ ઓઇલના વધતા ભાવ દેશની અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ આયાત કરે છે. આંકડાઓ મુજબ, એપ્રિલ મહિનામાં ભારતની નિકાસમાં 13થી 14 ટકા વધારો થઈને 43.56 અબજ ડોલર સુધી પહોંચી છે, જ્યારે આયાતમાં પણ 10 ટકા વધારો નોંધાયો છે. ખાસ કરીને સોનાની આયાતમાં 81થી 82 ટકા સુધીનો જંગી વધારો થયો છે અને તે 5.62 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. તેના કારણે દેશની વેપાર ખાધ પણ વધીને 28.78 અબજ ડોલર સુધી પહોંચી છે. જેમ્સ અને જવેલરી ક્ષેત્ર માટે પણ આ સમય પડકારજનક બની રહ્યો છે. એક તરફ સોનાની આયાત વધી રહી છે, તો બીજી તરફ જેમ એન્ડ જવેલરીની નિકાસમાં લગભગ 9 ટકાનો ઘટાડો નોંધાયો છે. વેપારીઓનું કહેવું છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને બજારમાં વધતી અસ્થિરતાના કારણે આગામી દિવસોમાં કિંમતી ધાતુઓમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

Most Popular

To Top