સોના અને ચાંદીના બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે નરમાઈ જોવા મળી રહી છે. મિડલ ઇસ્ટના તણાવ, વૈશ્વિક આર્થિક પરિબળો અને રોકાણકારોની બદલાતી વ્યૂહરચનાના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. એક સમયે સતત નવા રેકોર્ડ બનાવનારી ચાંદી અને સોનું હવે પોતાના ઓલ ટાઈમ હાઈ સ્તરથી ઘણાં નીચે આવી ગયાં છે, જેના કારણે રોકાણકારો અને ખરીદદારો બંનેનું ધ્યાન આ બજાર તરફ ખેંચાયું છે.
વાયદા બજાર MCXમાં ચાંદીના ભાવમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. 3 જુલાઈની એક્સપાયરી વાળી ચાંદીનો ભાવ છેલ્લા કેટલાક દિવસોથી સતત દબાણ હેઠળ રહ્યો છે. 5 જૂનના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 2,48,537 હતો, જે ઘટીને રૂ. 2,46,604 સુધી આવી ગયો છે. માત્ર એક સપ્તાહમાં જ પ્રતિ કિલો રૂ. 1,933નો ઘટાડો નોંધાયો છે. જો છેલ્લા 10 દિવસના ટ્રેન્ડ પર નજર કરીએ તો ચાંદીમાં વધુ મોટો કડાકો જોવા મળે છે. મે મહિનાના અંતિમ ટ્રેડિંગ દિવસે ચાંદીનો ભાવ રૂ. 2,66,998 પ્રતિ કિલો હતો. હાલના ભાવની સરખામણીએ માત્ર 10 દિવસમાં જ ચાંદી રૂ. 20,394 પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. આ ઘટાડો કિંમતી ધાતુઓના બજારમાં મોટી હલચલ ગણાય છે.
ચાંદીના ઓલ ટાઈમ હાઈની વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં ચાંદીએ પ્રથમ વખત રૂ. 4,00,000નો આંકડો પાર કરીને રૂ. 4,57,328 પ્રતિ કિલોનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. હાલના ભાવની સરખામણીએ ચાંદી પોતાના રેકોર્ડ સ્તરથી રૂ. 2,10,724 પ્રતિ કિલો જેટલી નીચે આવી ગઈ છે. એટલે કે રોકાણકારોને હવે ચાંદી ખૂબ મોટા ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ થઈ રહી છે. સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. MCX પર 5 ઓગસ્ટની એક્સપાયરી વાળું 24 કેરેટ સોનુ છેલ્લા કેટલાક દિવસોમાં સતત દબાણ હેઠળ રહ્યું છે. 5 જૂનના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1,55,594 હતો, જે ઘટીને રૂ. 1,50,675 પર પહોંચી ગયો છે. માત્ર પાંચ દિવસમાં જ સોનાના ભાવમાં રૂ. 4,919નો ઘટાડો નોંધાયો છે. વધુ લાંબા ગાળાની વાત કરીએ તો 29 મેના રોજ સોનાનો ભાવ રૂ. 1,60,911 હતો. તેની સરખામણીએ હાલનો ભાવ રૂ. 1,50,675 હોવાથી માત્ર 10 દિવસમાં જ 10 ગ્રામ દીઠ રૂ. 10,236નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો સોનાના રોકાણકારો માટે નોંધપાત્ર ગણાય છે.
જાન્યુઆરી મહિનામાં સોનાએ પણ ઐતિહાસિક ઊંચાઈ સર કરી હતી. તે સમયે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 2,04,375 સુધી પહોંચ્યો હતો. હાલના ભાવની સરખામણીએ સોનું પોતાના ઓલ ટાઈમ હાઈથી રૂ. 53,700 જેટલું સસ્તુ થઈ ગયું છે. આ કારણે ઘણા ખરીદદારો હવે ફરીથી સોનામાં રોકાણ અને ખરીદી કરવાની તક તરીકે બજારને જોઈ રહ્યા છે. બજાર નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા, ડોલરની સ્થિતિ, વ્યાજદરમાં ફેરફારની અપેક્ષા અને જિયોપોલિટિકલ પરિસ્થિતિઓના કારણે કિંમતી ધાતુઓમાં હાલ અસ્થિરતા જોવા મળી રહી છે. જોકે લાંબા ગાળાના રોકાણકારો માટે આ ઘટાડો એક તક બની શકે છે.