સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે બેરોજગાર યુવાનોને લઈને થયેલા વિવાદ પર શનિવારે મોટી સ્પષ્ટતા આપી છે. સુનાવણી દરમિયાન કરવામાં આવેલી તેમની મૌખિક ટિપ્પણીને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં બેરોજગાર યુવાનો સાથે જોડીને રજૂ કરવામાં આવી હતી, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી હતી. હવે CJI સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમણે દેશના યુવાનો વિશે કોઈ અપમાનજનક ટિપ્પણી કરી નહોતી અને મીડિયાના એક વર્ગે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે. અહેવાલ મુજબ, CJI સૂર્યકાંતે આ સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘મને ખૂબ જ દુઃખ થયું છે કે મારી મૌખિક ટિપ્પણીઓને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી છે. મેં માત્ર એવા લોકોની ટીકા કરી હતી, જેઓ નકલી અને બોગસ ડિગ્રીના આધારે પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં પ્રવેશી જાય છે. આવા લોકો વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે અને સમાજ માટે પરજીવી સમાન છે. મારી ટિપ્પણીનો દેશના યુવાનો કે બેરોજગારી સાથે કોઈ સંબંધ નહોતો.’
ચીફ જસ્ટિસે વધુમાં કહ્યું કે દેશના યુવાનો પ્રત્યે તેમના મનમાં ખૂબ જ સન્માન છે. તેમણે જણાવ્યું કે, “મને ભારતના વર્તમાન અને ભવિષ્યના માનવ સંસાધન પર ગર્વ છે. દરેક યુવાન દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. હું યુવાનોને વિકસિત ભારતના મજબૂત સ્તંભ તરીકે જોઉં છું.” આ સમગ્ર વિવાદ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી એક સુનાવણી બાદ શરૂ થયો હતો. CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચ એક વકીલની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ વકીલ સિનિયર એડવોકેટનો દરજ્જો મેળવવા માટે અરજી કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે વકીલના સોશિયલ મીડિયા વર્તન અને ભાષાને લઈને ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે વકીલની ટીકા કરતા કહ્યું હતું કે સમાજમાં ઘણા એવા લોકો છે, જેઓ નકલી ડિગ્રીના આધારે વ્યવસ્થામાં ઘૂસણખોરી કરે છે અને પછી મીડિયા અથવા અન્ય ક્ષેત્રોમાં પોતાને નિષ્ણાત તરીકે રજૂ કરે છે. આ સંદર્ભમાં ‘પરજીવી’ અને ‘વંદા’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર આ ટિપ્પણીઓને બેરોજગાર યુવાનો સાથે જોડીને વાયરલ કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે વકીલને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી હતી. પીઠે કહ્યું હતું કે, ‘આખી દુનિયા સિનિયર એડવોકેટ બનવા માટે પાત્ર હોઈ શકે છે, પરંતુ તમે નથી.’ કોર્ટે એ પણ કહ્યું હતું કે જો દિલ્હી હાઈકોર્ટ તેમને સિનિયર એડવોકેટનો દરજ્જો આપે તો પણ સુપ્રીમ કોર્ટ તેમના વ્યવસાયિક આચરણને ધ્યાનમાં રાખીને તેને રદ કરી શકે છે. વિવાદ વધતા હવે CJI સૂર્યકાંતે જાહેરમાં આવીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું કે તેમની ટિપ્પણીનો ઉદ્દેશ્ય માત્ર નકલી ડિગ્રીધારકો અને વ્યવસ્થાનો દુરુપયોગ કરતા લોકોની ટીકા કરવાનો હતો, યુવાનોને નિશાન બનાવવાનો નહીં. આ સ્પષ્ટતા બાદ હવે સમગ્ર મામલો શાંત પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.