Business

મેડિક્લેમ લીધો હોય તો પણ મળશે પૂરું અકસ્માત વળતર, મેડિક્લેમ અલગ, અકસ્માત વળતર અલગ: સુપ્રીમ કોર્ટે કાયદો સ્પષ્ટ કર્યો

માર્ગ અકસ્માતના કેસોમાં સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને પીડિતોને રાહત આપતો ચુકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિને પોતાની મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી એટલે કે મેડિક્લેમ દ્વારા હોસ્પિટલના ખર્ચની ભરપાઈ મળી ગઈ હોય, તો પણ તે રકમને મોટર વ્હીકલ એક્ટ હેઠળ મળતા અકસ્માત વળતરમાંથી કાપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીની અપીલ ફગાવી દીધી હતી. કોર્ટે બોમ્બે હાઈકોર્ટના અગાઉના નિર્ણયને યથાવત રાખતા કહ્યું કે મેડિક્લેમનો લાભ વ્યક્તિએ વર્ષો સુધી પ્રીમિયમ ભરીને મેળવ્યો હોય છે, જ્યારે અકસ્માત વળતર એ તેનો કાયદાકીય અધિકાર છે. બંને બાબતો અલગ હોવાથી એકની રકમ બીજીમાંથી ઘટાડવી યોગ્ય નથી.

કોર્ટે પોતાના ચુકાદામાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે મોટર વ્હીકલ એક્ટ હેઠળ મળતું વળતર અને મેડિકલ ઇન્સ્યોરન્સના પૈસા બંનેના સ્ત્રોત અલગ છે. અકસ્માત વળતર એ કાયદા દ્વારા મળતો હક છે, જ્યારે મેડિક્લેમ એક ખાનગી કરાર છે, જેમાં વ્યક્તિ પોતાની સુરક્ષા માટે પ્રીમિયમ ચૂકવે છે. તેથી કોઈ વ્યક્તિએ આગોતરી સાવચેતી રાખીને વીમો લીધો હોય તો તેનો લાભ તેને મળવો જ જોઈએ. વીમા કંપનીએ દલીલ કરી હતી કે જો વ્યક્તિને મેડિક્લેમમાંથી હોસ્પિટલ ખર્ચ મળી ગયો હોય અને પછી અકસ્માત વળતર તરીકે પણ તે જ ખર્ચ ચૂકવવામાં આવે તો તે ‘ડબલ બેનિફિટ’ ગણાશે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલને સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢી હતી. કોર્ટે કહ્યું કે ડબલ બેનિફિટનો સિદ્ધાંત ત્યારે લાગુ પડે જ્યારે બંને ચૂકવણી એક જ કાયદાકીય સ્ત્રોતમાંથી થતી હોય. અહીં એવું નથી. અદાલતે વધુમાં જણાવ્યું કે જો વીમા કંપનીની દલીલ સ્વીકારી લેવાય તો વર્ષો સુધી પ્રીમિયમ ભરનાર વ્યક્તિ પોતાના જ વીમાના લાભથી વંચિત રહી જશે. સાથે જ અકસ્માત કરનાર વાહનની વીમા કંપનીને ખોટો ફાયદો મળશે, કારણ કે પીડિત પાસે પોતાની મેડિક્લેમ પોલિસી હોવાને કારણે તેને ઓછું વળતર ચૂકવવું પડશે.

સુપ્રીમ કોર્ટે આજના સમયમાં વધી રહેલા મેડિકલ ખર્ચ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું કે ગંભીર અકસ્માત પછી થતી મોંઘી સારવારનો ખર્ચ દરેક વ્યક્તિ માટે સહન કરવો સરળ નથી. તેથી મેડિક્લેમ જેવી પોલિસીઓ લોકો માટે આર્થિક સુરક્ષા આપે છે અને તેને અકસ્માત વળતર સામે ગણવી યોગ્ય નથી. આ સાથે જ કોર્ટે દેશની અલગ-અલગ હાઈકોર્ટો દ્વારા આ મુદ્દે આપવામાં આવેલા વિરોધાભાસી ચુકાદાઓ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. અદાલતે કહ્યું કે આવા અલગ અભિપ્રાયો કાયદાકીય અસમંજસ અને ગૂંચવણ ઊભી કરે છે. આ ઐતિહાસિક ચુકાદા બાદ હવે માર્ગ અકસ્માતના હજારો કેસોમાં પીડિતોને મોટી રાહત મળશે અને મેડિક્લેમ હોવા છતાં તેઓ સંપૂર્ણ કાયદાકીય વળતર મેળવવા હકદાર રહેશે.

Most Popular

To Top