ગાંધીનગર
ગુજરાતને દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર મળ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિ (CCEA) એ અમદાવાદ (સરખેજ)થી ધોલેરા સુધીના સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે રૂ. 20,667 કરોડના ખર્ચે વિકસિત થનાર આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે, જેમાં ભવિષ્યમાં “નમો ભારત” ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે.લગભગ 134 કિલોમીટર લાંબા આ કોરિડોર દ્વારા અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR), આવનાર ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને લોથલ ખાતેના નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી મળશે.
પ્રોજેક્ટની ડિઝાઇન ગતિ 220 કિલોમીટર પ્રતિ કલાક અને ઓપરેશનલ ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. સમગ્ર કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે. આ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ 3 મેગા બ્રિજ, 74 કિલોમીટર વાયાડક્ટ, 39 રોડ અંડર બ્રિજ અને 2 રેલ ઓવર રેલ બ્રિજનું નિર્માણ થશે. કુલ ટ્રેક લંબાઈ અંદાજે 293 કિલોમીટર રહેશે અને આગામી ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતીય રેલવેના ઈતિહાસમાં નવા યુગની શરૂઆત છે. તેમણે કહ્યું કે આ માત્ર રેલ લાઇન નહીં પરંતુ આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર ભારતના વિઝનનું પ્રતિક છે. સ્વદેશી ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ ભવિષ્યમાં સમગ્ર દેશમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણ માટે આધારરૂપ બનશે.
આજે ગાંધીનગરમાં રાજયના ચીફ સેક્રેટરી મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ધોલેરાના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે. સાબરમતીથી ધોલેરા એરપોર્ટ સુધીનું અંતર માત્ર 48 મિનિટમાં અને સરખેજથી ધોલેરા એરપોર્ટ સુધીનો પ્રવાસ માત્ર 38 મિનિટમાં પૂર્ણ થઈ શકશે. તેમણે ઉમેર્યું કે, લોથલને પણ આ પ્રોજેક્ટ સાથે જોડવાથી ઐતિહાસિક અને પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળશે.
ચીફ સેક્રેટરી દાસે વધુમાં જણાવ્યું હતું કે ધોલેરાને એર, રોડ, રેલ અને પોર્ટ એમ ચારેય માધ્યમો દ્વારા 360 ડિગ્રી કનેક્ટિવિટી મળશે. આ મલ્ટીમોડલ કનેક્ટિવિટી ધોલેરાને વૈશ્વિક ઔદ્યોગિક અને લોજિસ્ટિક હબ તરીકે ઉભરવામાં મદદરૂપ બનશે. સાબરમતી, ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર મેટ્રો સાથે એકીકરણ, સાબરમતી ખાતે બુલેટ ટ્રેન કનેક્ટિવિટી તેમજ મોરૈયા ખાતે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથેનું જોડાણ ગુજરાતને વિશ્વસ્તરીય ટ્રાન્સપોર્ટ હબ બનાવશે.આ પ્રોજેકટ માટે 80 ટકા જમીન પહેલાંથી સંપાદિત થઈ ચુકી છે.
અમદાવાદ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશે જણાવ્યું હતું કે વિશ્વનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર ગુજરાતમાં વિકસાવવામાં આવશે. પ્રથમ વખત બ્રોડ ગેજ ટ્રેક પર 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે. સમગ્ર પ્રોજેક્ટ “મેક ઇન ઇન્ડિયા” ટેકનોલોજી પર આધારિત રહેશે અને તેમાં અત્યાધુનિક “કવચ 5.0” સુરક્ષા પ્રણાલી લાગુ કરવામાં આવશે.
પ્રોજેક્ટના મુખ્ય લાભોમાં અંદાજે 284 ગામો અને 5 લાખથી વધુ વસ્તીને સીધો લાભ મળશે. દર વર્ષે લગભગ 20 લાખ ટન વધારાની માલવહન ક્ષમતા ઊભી થશે અને લોજિસ્ટિક ખર્ચમાં અંદાજે રૂ. 54 કરોડની બચત થશે. ઉપરાંત, નિર્માણ દરમિયાન લગભગ 91 લાખ માનવ-દિવસ રોજગારનું સર્જન થશે.પર્યાવરણલક્ષી લાભોની વાત કરીએ તો દર વર્ષે અંદાજે 0.48 કરોડ લિટર ઇંધણની બચત અને લગભગ 2 કરોડ કિલોગ્રામ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે લગભગ 10 લાખ વૃક્ષારોપણ જેટલો પર્યાવરણલક્ષી લાભ માનવામાં આવે છે.પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત વિકસાવવામાં આવતો આ પ્રોજેક્ટ ગુજરાતને આધુનિક, હરિત અને ઉચ્ચ ગતિના પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નવા યુગમાં પ્રવેશ કરાવતી ઐતિહાસિક પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.