મહારાષ્ટ્ર સરકાર બાદ હવે ગુજરાત સરકારે પણ એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ સામે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે 6 ઓગસ્ટ એટલે કે આજથી સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર સહિત તમામ એનાલોગ ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યો છે. રાજ્ય સરકારે આ નિર્ણય લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું જણાવ્યું છે. રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. તેથી એનાલોગ ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ આવા ઉત્પાદનોમાં કુદરતી દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ અને અન્ય પ્રોસેસ્ડ ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે લાંબા ગાળે આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે.
આ પ્રતિબંધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ મળેલી સત્તાના આધારે લાગુ કરવામાં આવ્યો છે. હવે રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ કે વેચાણ કરનાર કોઈપણ વ્યક્તિ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારે ફૂડ સેફ્ટી વિભાગને સમગ્ર ગુજરાતમાં તપાસ અભિયાન ચલાવવાના પણ નિર્દેશ આપ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ત્યાં પનીરનું ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન એનાલોગ પનીરનો જથ્થો મળી આવતા અધિકારીઓએ તેને તાત્કાલિક સીઝ કરી લીધો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પ્રતિબંધ અમલમાં આવ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યાં પણ પ્રતિબંધિત એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન, સંગ્રહ અથવા વેચાણ થતું હશે ત્યાં નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળે તે માટે આ અભિયાન સતત ચાલુ રહેશે.