દેશભરમાં ચોમાસાએ ફરી જોર પકડતાં અનેક રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં સોમવારે વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં કુલ 11 લોકોના મોત થયા છે, જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બિહારના વિવિધ જિલ્લાઓના 7 અને પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના 4 લોકોનો સમાવેશ થાય છે. ભારે વરસાદ અને ગાજવીજને કારણે અનેક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ બાદ બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન થતાં પહાડ પરથી કાટમાળ અને મોટા પથ્થરો રસ્તા પર આવી પડ્યા હતા. જેના કારણે હાઈવે બંધ થઈ ગયો અને લગભગ 200 મુસાફરો રસ્તા પર જ ફસાઈ ગયા હતા. સોમવાર રાત્રિથી રાહ જોઈ રહેલા મુસાફરોને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા JCB મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હરિયાણાના અંબાલા અને ઝજ્જરમાં રાતભર ભારે વરસાદ વરસતાં રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું હતું. પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર પ્રદેશમાં પણ ચોમાસું ફરી સક્રિય બન્યું છે. આગ્રામાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. બારાબંકીમાં માત્ર બે કલાકના ભારે વરસાદથી બસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયું હતું. લખનઉ, કાનપુર, વારાણસી, બરેલી સહિત અનેક શહેરોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે રાજ્યના 72 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
કાશ્મીરના કુપવાડામાં વાદળ ફાટવાની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. અચાનક આવેલા પૂરથી અનેક વિસ્તારોમાં નુકસાન થયું હતું. ત્યારબાદ બાંદીપોરામાં પણ વાદળ ફાટવાની ઘટના નોંધાઈ હતી, જેના કારણે સ્થાનિક તંત્ર એલર્ટ પર છે. મધ્ય પ્રદેશમાં આ ચોમાસા દરમિયાન અત્યાર સુધી સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 16 ટકા જેટલો વરસાદ ઓછો પડ્યો છે. ભોપાલ, ગ્વાલિયર, ઉજ્જૈન, જબલપુર સહિત 42 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ 6 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. રાજસ્થાનમાં પણ ચોમાસું નબળું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું કોઈ એલર્ટ નથી, જોકે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
છત્તીસગઢમાં ચોમાસું ફરી સક્રિય બનતાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. ઉના, બિલાસપુર, કાંગડા અને મંડી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ગંગોત્રી હાઈવેના કેટલાક ભાગમાં તિરાડો પડી છે અને અનેક જગ્યાએ રસ્તો ધસી પડ્યો છે. દેહરાદૂન, ટિહરી, નૈનીતાલ અને બાગેશ્વરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. બિહારમાં વીજળી પડવાથી થયેલા મૃત્યુમાં બે વિદ્યાર્થીઓ તેમજ એક માતા-પુત્રનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં ખેતરમાં કામ કરતા ખેડૂતો અને તળાવ પાસે હાજર લોકો વીજળીની ઝપેટમાં આવ્યા હતા, જેમાં ચાર લોકોના મોત થયા હતા.
હવામાન વિભાગે આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને ખાસ કરીને વરસાદ દરમિયાન ખુલ્લા મેદાનો, વૃક્ષો નીચે અથવા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને મેદાની વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર સતત નજર રાખી રહ્યું છે.