Gujarat

સોમનાથ મંદિર સહિત ગુજરાતના ત્રણ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્કવોડ દોડતી થઈ

ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર, ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ્ અને અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ત્રણેય સ્થળોને એક ઈમેલ મારફતે બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસનો કાફલો, ફાયર બ્રિગેડ તેમજ બોમ્બ સ્કવોડની ટીમને સંબંધિત સ્થળોએ મોકલવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરવામાં આવી હતી. ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયમાં બોમ્બ સ્કવોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમે કાર્યાલયના ખૂણે-ખૂણે તપાસ કરી હતી અને શંકાસ્પદ વસ્તુઓ અંગે ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આસપાસના વિસ્તારમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

સોમનાથ મંદિરને પણ ધમકી મળતા મંદિર પરિસરની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. મંદિર જેવા મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળને ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા જરૂરી તપાસ અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ્ને પણ આ જ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. એક જ ઈમેલ મારફતે ગુજરાતના અલગ-અલગ મહત્વના સ્થળોને નિશાન બનાવવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓએ મામલાને ગંભીરતાથી લીધો છે. આ પ્રકારની ધમકી અગાઉ પણ મળી ચૂકી છે. થોડા દિવસો પહેલા કેટલીક શાળાઓ અને કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી.

તે સમયે પણ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્થળોની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સંસ્થાઓમાં ભયનું વાતાવરણ ઊભું કરવા માટે ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી. હાલમાં સોમનાથ મંદિર અને ભાજપના બંને કાર્યાલયોને મળેલી નવી ધમકી બાદ પોલીસે ઈમેલના સ્ત્રોત સહિત સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ધમકી વાસ્તવિક છે કે માત્ર ભય ફેલાવવાના હેતુથી આપવામાં આવી છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ સંવેદનશીલ સ્થળોએ તકેદારી વધારી દેવામાં આવી છે.

Most Popular

To Top