SURAT

સુરતમાં ખાડી પૂરના કારણે એક લાખથી વધુ પાઠ્યપુસ્તકો પાણીમાં પલળ્યાં, નવા પુસ્તકો માટે રાજ્ય સરકારને પત્ર

સુરત શહેરમાં છેલ્લા 25 દિવસ દરમિયાન ત્રણ વખત સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિએ હજારો પરિવારોને આર્થિક રીતે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઘરોમાં સાતથી આઠ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં ઘરવખરી સાથે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક જીવન પણ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. મીઠીખાડી વિસ્તારની સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ત્રણ શાળાઓએ આ મુદ્દે શિક્ષણ સમિતિને પત્ર લખી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવી શૈક્ષણિક સામગ્રી આપવાની માંગ કરી છે.

ખાડીપૂરના પાણીમાં હજારો વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, બુટ-મોજાં અને સ્ટેશનરી કીટ સંપૂર્ણપણે બગડી જતાં તેઓ માટે ફરી અભ્યાસ શરૂ કરવો મુશ્કેલ બન્યો છે. પૂરનું પાણી ઓસર્યા બાદ શાળાના પ્રતિનિધિઓ અને શિક્ષકો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા ત્યારે અનેક વાલીઓ પલળેલા પુસ્તકોને તડકામાં સુકવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વિગતો મંગાવતા સમિતિએ 1 ઓગસ્ટના રોજ 1,01,200 પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે પત્ર મોકલ્યો છે. આગામી બે-ત્રણ દિવસમાં નવા પાઠ્યપુસ્તકો મળવાની આશા છે, જેથી વિદ્યાર્થીઓનું ભણતર ઝડપથી ફરી શરૂ થઈ શકે. તેમણે વધુમાં જણાવ્યું કે નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના ડેટા સાથે પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓની વિગતો પણ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. તેના આધારે યુનિફોર્મ, બુટ-મોજાં અને સ્ટેશનરી કીટનું વિતરણ આગામી મહિને એકસાથે કરવામાં આવશે.

અંદાજે સાતથી આઠ હજાર વિદ્યાર્થીઓ ખાડીપૂરની અસર હેઠળ આવ્યા હોવાનું પ્રાથમિક મૂલ્યાંકન છે. આ તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપરાંત યુનિફોર્મ, બુટ-મોજાં અને સ્ટેશનરી કીટ પણ વિનામૂલ્યે આપવામાં આવશે.
ખાડીપૂરની અસર માત્ર ઘરો અને વેપાર સુધી મર્યાદિત રહી નથી, પરંતુ બાળકોના શિક્ષણ પર પણ તેની સીધી અસર પડી છે. હવે રાજ્ય સરકાર અને શિક્ષણ સમિતિ દ્વારા ઝડપથી નવી શૈક્ષણિક સામગ્રી પહોંચે તો હજારો વિદ્યાર્થીઓનું અટકેલું ભણતર ફરી પાટા પર આવી શકશે.

Most Popular

To Top