National

નાગપુરથી લઈ જયપુર સુધી, દેશભરમાં અનામત વિરોધી આંદોલન તેજ, અનેક શહેરોમાં રેલીઓ; જાણો શું છે મુખ્ય માગણીઓ

દેશમાં જાતિ આધારિત અનામતને લઈને ફરી એકવાર ચર્ચા અને વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. UGCના 2026ના નિયમોને લઈને શરૂ થયેલો વિવાદ હવે માત્ર સોશિયલ મીડિયા પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ દેશના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો સુધી પહોંચી ગયો છે. પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ હવે કેટલાક સંગઠનો અને યુવાનો અનામત વ્યવસ્થામાં ફેરફાર કરવાની માગ સાથે રસ્તા પર ઉતર્યા છે. તાજેતરમાં CJP (કોકરોચ જનતા પાર્ટી) દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનોએ પણ આ મુદ્દાને વધુ ચર્ચામાં લાવ્યો છે.

સોશિયલ મીડિયા પર ‘રિઝર્વેશન હટાવો આંદોલન’ (RHA) નામથી એક અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને લાખો લોકોનો ટેકો મળ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આંદોલનકારીઓનું કહેવું છે કે વર્તમાન અનામત વ્યવસ્થામાં સુધારા કરવાની જરૂર છે અને સરકાર આ મુદ્દે નવી નીતિ બનાવે. RHAએ સરકાર સમક્ષ પાંચ મુખ્ય માગણીઓ મૂકી છે. તેમાં જાતિ આધારિત અનામતને બદલે આર્થિક સ્થિતિના આધારે અનામત આપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ એક પરિવારને અનામતનો લાભ માત્ર એક જ વાર મળે તેવી જોગવાઈ કરવાની પણ માંગ છે. તમામ વર્ગો માટે ન્યૂનતમ લાયકાતના ગુણ સમાન રાખવા, અનામત વર્ગની ખાલી રહેલી બેઠકો સામાન્ય વર્ગને ફાળવવા અને આર્થિક રીતે નબળા વર્ગને વધુ ન્યાય મળે તેવા પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે.

આ માગણીઓને લઈને દેશના અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો યોજાયા છે. મહારાષ્ટ્રના નાગપુરમાં હજારો યુવાનો રેલીમાં જોડાયા હતા. ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને અનામત વ્યવસ્થામાં ફેરફાર કરવાની માંગ કરી હતી. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં પણ વિરોધ કાર્યક્રમો યોજાયા હતા. રાજસ્થાનની રાજધાની જયપુરમાં સૌથી મોટું પ્રદર્શન જોવા મળ્યું હતું. રાજપૂત કરણી સેનાના નેતૃત્વમાં હજારો લોકો શહેરમાં એકત્ર થયા હતા. પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલય અને મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેમને રોકવા માટે વોટર કેનન અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો.

કરણી સેનાએ UGCના નિયમો પર પુનર્વિચાર, પંચાયત ચૂંટણીમાં EWS અનામત અને કેટલાક કાયદાઓની સમીક્ષા સહિત અનેક માગણીઓ સરકાર સમક્ષ મૂકી છે. સંગઠને સરકારને સાત દિવસનું અલ્ટીમેટમ આપીને માંગણીઓ નહીં સ્વીકારાય તો ‘રાજસ્થાન બંધ’નું એલાન કરવાની ચેતવણી પણ આપી છે. સંગઠને પોલીસ કાર્યવાહીમાં એક પ્રદર્શનકારીના મોતનો પણ આરોપ લગાવ્યો છે. દિલ્હીમાં પણ આંદોલનને આગળ વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. વિદ્યાર્થી હર્ષ દુબેએ જંતર-મંતર પર મોટું પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે, જોકે આ માટે હજુ સુધી દિલ્હી પોલીસ તરફથી સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી.

બીજી તરફ, આ સમગ્ર આંદોલનનો વિરોધ પણ થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું છે કે અનામત વ્યવસ્થા બંધારણ દ્વારા આપવામાં આવેલ અધિકાર છે અને તેના વિશે ખોટી માહિતી અથવા અફવાઓ ફેલાવવી યોગ્ય નથી. તેમના જણાવ્યા અનુસાર, અનામત કોઈ દાન નહીં પરંતુ સામાજિક ન્યાય માટેની બંધારણીય વ્યવસ્થા છે અને તેના વિરોધના નામે સમાજમાં વિભાજન ઊભું કરવું યોગ્ય નથી. અનામત મુદ્દે ચાલી રહેલા આ વિરોધ અને સરકારના સમર્થન વચ્ચે હવે આગળ શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે. આગામી દિવસોમાં આંદોલન વધુ વિસ્તરે છે કે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે કોઈ સમાધાન થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Most Popular

To Top