કોર્ટના ગેટ બંધ કરી વકીલો અને અરજદારોનો પ્રવેશ અટકાવ્યો પરિપત્ર પરત નહીં ખેંચાય ત્યાં સુધી કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય
વડોદરા તા.5
ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રના વિરોધમાં વડોદરા બાર એસોસિએશન દ્વારા બુધવારે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ કોર્ટના મુખ્ય ગેટ બંધ કરી દીધા હતા અને વકીલો તેમજ અરજદારોના કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્ર મુજબ હવે તમામ અરજી અને દસ્તાવેજો A4 સાઇઝના કાગળ પર જ તૈયાર કરવાના રહેશે. ઉપરાંત ડાબી અને જમણી બાજુ 4-4 સેમી તેમજ ઉપર અને નીચે 2-2 સેમી માર્જિન રાખવાની તેમજ નિર્ધારિત ફૉન્ટ અને લિપીનો ઉપયોગ કરવાની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે.
વકીલોનું કહેવું છે કે આ નિયમના કારણે પાનાનો મોટો ભાગ ખાલી રહી જાય છે, જેના કારણે વધુ પાનાંનો ઉપયોગ કરવો પડશે. પરિણામે ટાઇપિંગ, પ્રિન્ટિંગ અને દસ્તાવેજોની તૈયારીનો ખર્ચ વધશે, જેનો સીધો બોજ અરજદારો પર પડશે. વર્ષોથી પ્રચલિત ફોર્મેટમાં કામ કરતા વકીલોને પણ નવી પદ્ધતિ અપનાવવામાં વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
વડોદરા બાર એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ગુજરાત હાઈકોર્ટ આ પરિપત્ર પાછો ખેંચશે નહીં અથવા તેમાં જરૂરી ફેરફાર કરશે નહીં, ત્યાં સુધી વકીલો કોર્ટની તમામ કામગીરીથી દૂર રહેશે અને અચોક્કસ મુદતની હડતાળ યથાવત રાખવામાં આવશે. હાલ કોર્ટની કામગીરી પર તેની સીધી અસર જોવા મળી રહી છે અને અરજદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.