છાતીમાં અચાનક દુખાવો ઉપડતા ટ્રેનને લાકોદરા સ્ટેશને ઇમરજન્સી સ્ટોપ અપાયો
કરજણ: વડોદરાના અનિલભાઈ ખેમરાજભાઈ જાબક ભરૂચ તરફ અંગત કામ અર્થે જઈ રહ્યા હતા. સવારે આશરે 9 વાગ્યે તેઓ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત તરફથી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે લાકોદરા ગામ પાસે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો.
ટ્રેન કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક સંદેશો મળતાં લાકોદરા સ્ટેશન માસ્ટર રામદેવ જાએ સમયસૂચકતા દાખવી ટ્રેનને લાકોદરા સ્ટેશને ઇમરજન્સી સ્ટોપ અપાવ્યો હતો. ત્યારબાદ અનિલભાઈને ટ્રેનમાંથી ઉતારી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ મૃત જાહેર કર્યા, પરિવારમાં શોકનો માહોલ
કમનસીબે, કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર પહોંચતા જ ફરજ પરના તબીબોએ અનિલભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનોને તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દુઃખદ ઘટનાએ ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાવી છે. અચાનક આવેલા હૃદયરોગના હુમલાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે જીવન ક્ષણભરમાં બદલાઈ શકે છે.
રિપોર્ટર: મુકેશ અઠોરા