Comments

આજથી ૧૦૦ વર્ષ પહેલાં મુકાયેલ નૂતન બાળ વિકાસનો દૃષ્ટિકોણ આજે પણ સાર્થક છે

અંગ્રેજી હકૂમત સમયે મેડમ મોન્ટેસોરી નામે એક વિદેશી મહિલા ભારતમાં આવ્યાં અને તેમણે બાળઉછેરની પદ્ધતિ સંબંધે નવો અભિગમ આપ્યો. “સોટી વાગે સમ… સમ… ને વિદ્યા આવે રમ… જમ….”તેવા બાળકના રેઢાં ઉછેરની આપણી જાડી સમજણને સ્થાને મેડમ મોન્ટેસોરીએ બાળકનાં વર્તન ઉપર અસર કરતાં મનોવલણની વાત કરી. એટલું જ નહીં પણ બાળકનાં વર્તનમાંથી દેશનો ભવિષ્યકાળ સર્જાય છે તેવો દિશાનિર્દેશ આપી ભારતીય સમાજરચનામાં બાળકનાં મહત્ત્વને પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો. મેડમ મોન્ટેસોરીના બાળઉછેર અંગેના વિચારોને દેશમાં કોઈ સમજી સ્વીકારે કે ન સ્વીકારે પરંતુ બુનિયાદી શિક્ષણના વિચારે રંગાયેલા દક્ષિણામૂર્તિ વિદ્યાશાખાના કાર્યકર ગિજુભાઈ બધેકાએ ‘નૂતન બાળશિક્ષણ’ તરીકે આ વાતને પકડી.

 વૈશ્વિક પરિવર્તનની વચ્ચે પણ બાળક અપરિવર્તનશીલ હોય છે તેવી સૂત્રાત્મક વાત ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહી છે. આમ છતાં વર્ષ ૧૯૨૬ એટલે કે આજથી ૧૦૦ વર્ષ પહેલાં ગિજુભાઈએ નૂતન બાળશિક્ષણ સંઘનો ધ્વજ લહેરાવ્યો. ‘મુછાળી મા’-ના હુલામણા નામથી પ્રચલિત ગિજુભાઈને મન શિક્ષણ અને વાલીઓનાં મૂલ્ય આધારિત વર્તનથી જ નવાં બાળકના નિર્માણની આશા ઉજાગર રહેલી. ગિજુભાઈએ દક્ષિણામૂર્તિ બાળમંદિરને એક પ્રયોગશાળા તરીકે સ્થાપી અને બાળકના વર્તનને વૈજ્ઞાનિકતાથી તપાસતાં રહી બાળશિક્ષણ સંબંધે ૨૦૦ પુસ્તકોમાં માતબર ચિંતન રેડ્યું છે, જે આજે પણ મનનીય છે.

મનુષ્યના પરસ્પરના વર્તન વ્યવહારથી બાળકના મનમાં ઉતારવામાં આવેલ સારાનરસાના ભેદને આધારે બાળક પોતે પોતાના વર્તનને ગુણાત્મક રીતે નક્કી કરતો થાય છે, એટલું જ નહીં પણ સમયાંતરે બાળક પોતાના વર્તનમાં દૃઢ થતાં તે વર્તન સાથે વ્યક્તિગત ગમાઅણગમાને જોડી પરિવર્તનની ભૂમિકામાં પ્રવેશે છે. આ અવસ્થાઓ દરમ્યાન બાળક શારીરિક વિકાસ સાધે છે.

આથી તેની લાગણી સાથે વર્તન પ્રત્યેની રસરુચિ પણ વધુ સ્પષ્ટ થતી જાય છે. આ બાબત ગિજુભાઈએ તેમની બાળપ્રયોગશાળામાં જોઈ અને નૂતન બાળકના ઘડતર માટે શિક્ષક, વાલી અને સમાજનું કેવું વર્તન હોવું જોઈએ તે સંબંધે એક્શન-રીએક્શન પ્રકારે સંબંધો પણ તારવવા પ્રયત્ન કર્યો છે જે આજે બાળશિક્ષણના વિચારની ઇમારતોનો પાયો બની રહ્યું છે. માણસના વર્તનને ગમા-અણગમાથી સમજવા અથવા તો સામાજિક મૂલ્ય આધારે તુલના કરી બાળ મનોવિજ્ઞાનની સમજ તૈયાર કરવામાં આવી છે.

વર્તનને તપાસવાની આ પદ્ધતિ પશુ-પક્ષીઓની વૃત્તિઓને તુલનાત્મક રીતે તપાસવામાં પણ કારગર નીવડી છે. પરંતુ હવે વિજ્ઞાન, ટેક્નોલૉજી અને વિશેષ કૉમ્પ્યુટર આવિષ્કાર સાથે માણસનાં મસ્તિષ્ક અને યાદદાસ્તરૂપે વર્તનની છાપ જ્યાં સંગ્રહિત છે, તે વિશે વિચારણાનું ફલક ખૂલ્યું છે. આથી કરી મસ્તિષ્કમાં જે રીતે માહિતીનું ન્યુરોન્સરૂપે સંકલન થાય છે, તે બાબતનો અભ્યાસ રસપ્રદ બન્યો છે. ૨૧મી સદીના પ્રારંભે સ્પષ્ટ થતાં જતાં મસ્તિષ્ક વિજ્ઞાને મનુષ્યના વર્તનની પાછળ રહેલ મનોભાવને પણ બાહ્ય અથવા સ્થૂળ ગણ્યાં છે અને ન્યુરોસાયન્સના મતે તો મનોભાવને ઘડનાર તત્ત્વ મસ્તિષ્કની જૈવિક રચના અને સંરચનામાં ચલિત રહેતી સંવેદનાઓની ગતિ અને તેની તીવ્રતા છે.

૨૧મી સદીનું વિરાટ વિજ્ઞાન અવકાશયાનની પાંખો સૂર્યમંડળ વધીને આગળ જવા તૈયાર બેઠું છે. તેમ જીનેટિસ્ટ વિજ્ઞાન અત્યંત સૂક્ષ્માતિસૂક્ષ્મ રીતે માણસનાં મસ્તિષ્કની સંરચનામાં મૂળભૂત ફેરફારો યોજી મેન્ટલ ડિસઑર્ડર્સ રિપેર કરવા પડકાર ઝીલવા તત્પર બન્યું છે. ત્યારે નૂતન બાળકની કલ્પનાનો આધાર ભવિષ્યના સ્વસ્થ સમાજના વિકાસનો વિચાર બને છે. વર્તનઘડતર પાછળ માત્ર મૂલ્યો કે અનુકૂલનની અસર પૂરતી નથી તેમ આપણી જાણમાં આવતું જાય છે ત્યારે હવે નૂતન બાળશિક્ષણને સ્થાને નૂતન બાળવિકાસનો હેતુ સાધ્ય કરવો અનિવાર્ય બને છે.

 આજથી ૧૦૦ વર્ષ પહેલાં શહેરીકરણ ઉપદ્રવરૂપે નહોતું. ગુજરાતના કવિ અને સુધારક નર્મદના સમયનું સુસ્ત મુંબઈ તથા આજનું મુંબઈ જાણે આસમાન જમીનનો ફરક લઇ બેઠું છે, આજે તો દિલ્હીનું બાળક સવારે ૫-૩૦ વાગ્યે ઊઠે છે, ૬-૧૫ એ તેની બસ લેવા આવે છે અને બપોરે ૩ વાગ્યે બાળક ઘરે આવે છે. આવી હાલત વોશિંગ્ટન ડી.સી.ના બાળકની પણ છે.  નૂતન બાળશિક્ષણ, વિભાગના મૂલ્ય આધારિત હતું. પણ હવે આધાર સ્વયં પોતાના સ્થાનથી ખસી ગયો છે તે જોઈ શકાય છે ત્યારે નૂતન બાળકના ઘડતરનો વિચાર પુનઃવિચારણા માંગે છે.

માતાના ઉદરમાં નવ માસ વિતાવ્યા પછી બહારના વિશ્વ સાથે સંપર્કમાં આવતાં બાળકનું ચેતાતંત્ર બાહ્ય અવાજો, ઉષ્ણતામાન તફાવતો, વિવિધ પ્રકારની ગંધ તેમજ વીજચુંબકીય પ્રવાહોના આઘાત સહતાં ટેવાય તે દરમ્યાન અસલામતી અનુભવે છે. પોતાના શરીરના પોષણ માટે તેણે હવે સ્વતંત્ર રીતે પ્રયાસ કરવાનો છે. જે અનુભવમાંથી પણ પસાર થાય છે.  બાળકનાં પ્રથમ પાંચ વર્ષનો વિકાસ આઘાતમાંથી બહાર આવવા કેન્દ્રિત રહે છે, જે બાબતનો મનોવિજ્ઞાને સ્વીકાર કર્યો છે. વિકસતા શરીરવિજ્ઞાન અંગેની માહિતીને આધારે હવે સમજાય છે કે કિશોર અવસ્થા વટાવતા યુવકમાં પાંગરતી પ્રેમની પ્રક્રિયા વિશેષતઃ રાસાયણિક પ્રક્રિયા જ છે. તેમ ૦ થી ૧૪ વર્ષના બાળકવિકાસનો મૂળ આધાર જૈવિક રાસાયણિક બને છે.

 મેડમ મોન્ટેસોરી જેનો નૂતન બાળ વિકાસના મહત્ત્વના એકમ તરીકે સ્વીકાર થવો ઘટે અને ગિજુભાઈ દ્વારા આજથી ૧૦૦ વર્ષ પહેલાં મુકાયેલ બાળઉછેરનો વિચાર જ્ઞાનની આપલે આસપાસ ઘૂંટાય છે. પરંતુ જીવવિજ્ઞાન દ્વારા જાણી શકાય છે કે બાળક જેટલું વાર્તાનિક છે તેનાથી અનેકગણું વધારે શારીરિક છે, રાસાયણિક છે અને આથી જ એકવીસમી સદીના બાળકના ઉછેર અથવા તો આવતી કાલ માટેના સ્વસ્થ સમાજ માટે આજના બાળકના ઘડતરનો પાયો આરોગ્યની વાતથી જ શરૂ કરવો રહ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top