Sports

એશિયન ગેમ્સમાં ભારતનો ‘સદી’નો દાવો ક્યાંક પાછળ રહી ગયો, મેડલ ટેલીમાં ચીનનું વર્ચસ્વ

2023ના હાંગઝોઉ એશિયન ગેમ્સમાં 100થી વધુ મેડલ જીતવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા બાદ ભારત પાસેથી 2026માં પણ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી હતી. ભારતીય ટીમ આ વખતે પોતાના અગાઉના 106 મેડલના રેકોર્ડને પાછળ છોડવાનું લક્ષ્ય લઈને મેદાનમાં ઉતરી હતી. જોકે 30 સપ્ટેમ્બર સુધીની સ્થિતિ જોવામાં આવે તો ભારતની મેડલ સફર અપેક્ષા પ્રમાણે આગળ વધતી દેખાતી નથી. ઉપલબ્ધ મેડલ ટેલી મુજબ ભારત 6 ગોલ્ડ, 21 સિલ્વર અને 25 બ્રોન્ઝ સહિત કુલ 52 મેડલ સાથે 10મા સ્થાને છે. બીજી તરફ ચીન 143 ગોલ્ડ સહિત કુલ 254 મેડલ સાથે ટોચ પર છે.

હાંગઝોઉમાં ભારતે કુલ 106 મેડલ જીત્યા હતા, જેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. આ પ્રથમ વખત હતું જ્યારે ભારતે એશિયન ગેમ્સની એક જ આવૃત્તિમાં 100થી વધુ મેડલનો આંકડો પાર કર્યો હતો. આ સફળતા બાદ આઇચી-નાગોયા ગેમ્સ માટે પણ અપેક્ષાઓ વધી હતી. ટૂર્નામેન્ટની તૈયારી માટે છેલ્લા ત્રણ વર્ષમાં રમત મંત્રાલય દ્વારા ટ્રેનિંગ, સાધનો, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને કોચ-એક્સપર્ટ સેવાઓ પાછળ ₹702.86 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. ઉપરાંત TOPS હેઠળ ₹97.84 કરોડનું વધારાનું ફંડ પણ આપવામાં આવ્યું હતું. આ વખતે ભારતના દળમાં 501 ખેલાડીઓનો સમાવેશ થયો હતો,

જેમાં 310 ખેલાડીઓ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે.જોકે ભારત માટે સમગ્ર અભિયાન સંપૂર્ણપણે નિરાશાજનક રહ્યું એવું પણ કહી શકાય નહીં. ખાસ કરીને એથ્લેટિક્સમાં ભારતીય ખેલાડીઓએ મહત્વના મેડલ જીત્યા છે. 29 સપ્ટેમ્બરના રોજ ભારતે એક જ દિવસે શૂટિંગ અને એથ્લેટિક્સમાં મળીને કુલ 8 મેડલ જીત્યા હતા. શૂટર નીરૂ ઢાંડાએ મહિલા ટ્રેપ વ્યક્તિગત સ્પર્ધામાં એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે એશિયન ગેમ્સના વ્યક્તિગત ટ્રેપ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. મહિલા 4×400 મીટર રિલે ટીમે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એથ્લેટિક્સમાં ગુલવીર સિંહે પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. તેમણે 10,000 મીટરમાં સિલ્વર, 1,500 મીટરમાં સિલ્વર અને 5,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતીને ત્રણ મેડલ પોતાના નામે કર્યા છે. બીજી તરફ ભારતીય મહિલા હોકી ટીમે લીગ તબક્કામાં પાંચેય મેચ જીતીને શાનદાર શરૂઆત કરી છે અને સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે મુકાબલો થવાનો છે. ટીમે લીગ તબક્કામાં 66 ગોલ કર્યા હતા અને માત્ર 3 ગોલ સ્વીકાર્યા હતા.આમ, એક તરફ ભારતના કેટલાક ખેલાડીઓ અને ટીમોએ નોંધપાત્ર સફળતા મેળવી છે, તો બીજી તરફ 2023ના 106 મેડલના રેકોર્ડ સાથે સરખામણી કરતાં અત્યાર સુધીની મેડલ ટેલી અપેક્ષિત ગતિએ આગળ વધી નથી. સ્પર્ધા હજુ ચાલુ હોવાથી અંતિમ પરિણામ માટે બાકીની ઇવેન્ટ્સના પરિણામોની રાહ જોવી પડશે.

Most Popular

To Top