Editorial

ઇરાન યુદ્ધમાં ટ્રમ્પ ભારે અવઢવની સ્થિતિમાં છે

ઇરાન પર સખત હુમલાની ધમકી આપનાર અમેરિકી  પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય ૨૪ કલાકમાં જ બદલાવો એ ઇરાન યુદ્ધમાં તેમની અવઢવની દશા દર્શાવે છે, જેનો તેઓ વિતેલા કેટલાક અઠવાડિયાથી સામનો કરી રહ્યા છે. ફરી એકવાર, તેમણે લશ્કરી કાર્યવાહી મુલતવી રાખવાનું અને ઇરાન સાથેના કરારને તક આપવાનું પસંદ કર્યું, જ્યારે કે તેઓ સ્પષ્ટપણે જાણે છે કે ઇરાનીઓ આ કરારનું પાલન કરે તેવી શક્યતા ઓછી છે. આ ધર્મસંકટ રાજકીય છે. અમેરિકી સંસદની મધ્યસત્ર ચૂંટણીઓ નજીક આવી રહી છે, અને આ ચૂંટણીઓના પરિણામોને આડકતરી પ્રભાવિત કરવાની ઇરાન પાસે નોંધપાત્ર ક્ષમતા છે. સેનેટમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી નબળી છે, જ્યારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની સ્થિતિ વધુ નાજુક છે, જ્યાં દરેક બેઠક પર ચૂંટણી યોજાવાની છે.  ટ્રમ્પને તેમના કાર્યકાળના છેલ્લા બે વર્ષ દરમિયાન એક સહકાર આપે તેવી કોંગ્રેસની જરૂર છે, જેથી તેઓ પોતાના વ્યાપક સ્થાનિક નીતિગત સુધારાઓ પૂર્ણ કરી શકે.

બીજી બાજુ ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના કમાન્ડરો આ વાત સમજે છે. તેઓ હોર્મુઝની સામુદ્રધુની અને બાબ અલ-મંદેબની સામુદ્રધુની—બંને વિસ્તારોમાં દબાણ બનાવી રહ્યા છે, જેથી તેવા લાંબા ગાળાના લાભો મેળવી શકાય જે તેમના શાસનને મજબૂત કરે અને ટ્રમ્પ જે વ્યૂહાત્મક સફળતા મેળવવા માગે છે તેને રોકી શકાય. ઇરાન તરફથી બીજો ખતરો વધુ ગંભીર છે: ગલ્ફના તેલના કુવાઓમાં આગ લગાવી દેવી અને રિફાઇનરીઓ તેમજ અન્ય સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડવું. આ એક એવી વિનાશક સ્થિતિ  છે, જે તેહરાને કતાર દ્વારા ટ્રમ્પ સુધી પહોંચાડી હતી. એક અહેવાલ મુજબ, અમેરિકાના હુમલાને રોકવાનો નિર્ણય માત્ર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની અપીલને કારણે જ નહીં, પરંતુ મુખ્યત્વે કતારની મધ્યસ્થતાને કારણે લેવાયો હતો. દોહાએ ખાતરી આપી હતી કે ઇરાન આ વખતે હોર્મુઝની સામુદ્રધુની ફરીથી ખોલવા માટે સમજુતી કરાર હેઠળની પોતાની વચનબદ્ધતાનું પાલન કરશે. ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ આ ખાતરી કતારીઓ મારફતે અને અમેરિકી દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશ્નરને સીધા સંદેશાઓ દ્વારા અમેરિકા સુધી પહોંચાડી હતી.

વીકેન્ડ દરમિયાન વ્હાઇટ હાઉસ સાથેના ટેલિફોનિક વાર્તાલાપમાં, કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીએ ચેતવણી આપી હતી કે મોટા પાયા પરનો અમેરિકી હુમલો, ખાસ કરીને જો ઊર્જા ક્ષેત્રની સુવિધાઓને લક્ષ્ય બનાવવામાં આવે તો, ઇરાનના જવાબી હુમલાને આમંત્રણ આપશે. તેમણે કહ્યું કે આવા હુમલાથી ગલ્ફનો સમગ્ર ઊર્જા ઉદ્યોગ ઠપ્પ થઈ જશે અને તેને ભારે નુકસાન પહોંચશે, જેનાથી તેલના ભાવ આસમાને પહોંચશે.

અમેરિકીઓએ માંગ કરી હતી કે કોઈપણ સમજૂતીમાં બાબ અલ-મંદેબની સામુદ્રધુનીનો પણ સમાવેશ થવો જોઈએ અને તેમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડરોની સીધી વચનબદ્ધતા સામેલ હોવી જોઈએ. તે કમાન્ડરો પાસેથી આવી વચનબદ્ધતા મળી છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. ગલ્ફના રાજદ્વારી સ્ત્રોતોએ જણાવ્યું હતું કે વાટાઘાટોમાં સામેલ અમેરિકી ટીમમાં ઉપપ્રમુખ જેડી વેન્સ અને દૂત વિટકોફ તથા કુશ્નર સામેલ હતા. ટ્રમ્પે પોતે પણ કેટલીક ચર્ચાઓમાં ભાગ લીધો હતો.  જો કે, અખાતના અન્ય કેટલાક દેશો આ અભિગમનો વિરોધ કરે છે.

ક્ષેત્રના રાજદ્વારી સ્ત્રોતો અનુસાર, સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન ટ્રમ્પ અને કુશ્નરને કહ્યું હતું કે આ ગોઠવણ માત્ર એક અસ્થાયી ઉકેલ છે જેનું ઇરાન પાલન ન પણ કરે. તેમણે કહ્યું કે ટેન્કરો અટવાયેલા જ રહેશે અને લાંબા ગાળાનો ખતરો યથાવત રહેશે. બિન ઝાયદનો સંદેશ એ હતો કે હોર્મુઝની સામુદ્રધુની પરના ઇરાની ખતરાને દૂર કરવા માટે એક સર્વગ્રાહી, સ્પષ્ટ અને કાયમી ઉકેલની જરૂર છે. તેમણે દલીલ કરી હતી કે આ કરવું અમેરિકા અને વૈશ્વિક હિત બંનેમાં છે.

જો વર્તમાન તક દરમિયાન આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે, તો એકવાર ઇરાન પોતાની શક્તિ ફરીથી પ્રાપ્ત કરી લેશે પછી અમેરિકા અને બાકીની દુનિયા માટે તેનો સામનો કરવો વધુ મુશ્કેલ બની જશે. અમેરિકી પ્રશાસનમાં આખા વીકેન્ડ દરમિયાન મતભેદો રહ્યા હતા. વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સંરક્ષણ મંત્રી (સેક્રેટરી ઓફ વોર) પીટ હેગસેથે ઝડપી અને શક્તિશાળી લશ્કરી કાર્યવાહીનું સમર્થન કર્યું હતું, જ્યારે વેન્સ, વિટકોફ અને કુશ્નરે રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખવાની તરફેણ કરી હતી.

અખાતી યુદ્ધમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ ખરાબ રીતે ગુંચવાઇ ગયા છે તે સ્પષ્ટ જણાઇ આવે છે. તેમણે શરૂઆતમાં આ યુદ્ધને કદાચ ખૂબ હળવાશથી લીધું હતું અને થોડા દિવસમાં ઇરાન ઘૂંટણિયે પડી જશે એવી ધારણા વેનેઝુએલાના અનુભવ પરથી બાંધી હશે, પણ વેનેઝુએલા અને ઇરાનમાં ઘણો ફેર છે. ઇરાનીઓ ધાર્યા કરતા ઘણા વધુ શક્તિશાળી અને હોશિયાર પુરવાર થયા છે, વળી તેમને રશિયા અને ચીનનો સાથ પણ મળી રહેલો જણાય છે. ટ્રમ્પ બરાબર સલવાઇ ગયા છે, હવે કેવી રીતે આ સ્થિતિનો તેઓ અંત લાવે છે તે જોવાનું રહે છે.

Most Popular

To Top