National

ઝુકરબર્ગે PM મોદીની પોસ્ટ દૂર કરવા બદલ માફી માંગી, ડીપફેક્સ રોકવામાં નિષ્ફળતા સ્વીકારી

મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગે બુધવારે પીએમ મોદીની ફેસબુક પોસ્ટ દૂર કરવા અંગે ભારત સરકાર પાસે માફી માંગી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને આ અહેવાલ આપ્યો છે. કંપનીએ તેના પ્લેટફોર્મ પર બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રી (CSAM), ડીપફેક્સ અને સામગ્રી નિયંત્રણ અંગેની ભૂલો પણ સ્વીકારી છે.

કંપનીના ગ્લોબલ અફેર્સ ચીફ જોએલ કપલાનના નેતૃત્વમાં મેટાની એક વૈશ્વિક ટીમે કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને આઇટી સચિવ એસ. કૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. ગયા મહિને પીએમ મોદીની ફેસબુક પોસ્ટ દૂર કર્યા પછી સરકાર દ્વારા જારી કરાયેલ સમન્સ બાદ આ બેઠક યોજાઈ હતી.

ફેસબુક પરથી પીએમ મોદી દર્શાવતો વીડિયો દૂર કરવાથી સરકાર નારાજ હતી. મોદીએ 23 જુલાઈના રોજ પેપર લીકના મુદ્દાને પ્રકાશિત કરતો અને આવા કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકતો વીડિયો પોસ્ટ કર્યો હતો. ફેસબુક પરથી આ વીડિયો થોડા સમય માટે દૂર કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં મેટા દ્વારા તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.

મેટા જવાબદારી ટાળી શકતી નથી
મીટિંગ દરમિયાન મેટાએ સ્વીકાર્યું કે ચોક્કસ પ્રકારની સામગ્રીને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર ભંડોળ ખર્ચવામાં આવ્યું હતું. આના કારણે અજાણતાં પ્લેટફોર્મ પર ગેરકાયદેસર સામગ્રીનો પ્રચાર પણ થયો. જો કે સૂત્રોએ એ સ્પષ્ટ કર્યું નથી કે કયા પ્રકારની સામગ્રીની વાત થઈ રહી છે.

સરકારે મેટાને જાણ કરી કે તે ફક્ત IT કાયદા હેઠળ પોતાને “મધ્યસ્થી” તરીકે વર્ગીકૃત કરી શકતી નથી. કારણ કે મેટા નક્કી કરે છે કે કઈ સામગ્રી ચોક્કસ વપરાશકર્તાઓ સુધી પહોંચે છે, કંપની સામાન્ય રીતે IT કાયદા હેઠળ આપવામાં આવતી “સેફ હાર્બર” સુરક્ષા માટે હકદાર નથી.

સરકારે મેટા પાસેથી CSAM, ડીપફેક્સ, વેરિફાઇડ એકાઉન્ટ્સની સુરક્ષા, અલ્ગોરિધમિક પૂર્વગ્રહ અને ભારતીય કાયદાઓનું પાલન અંગે પણ જવાબો માંગ્યા હતા. સૂત્રોએ સંકેત આપ્યો છે કે આ મુદ્દાઓ પર વધુ ચર્ચા માટે મેટા અધિકારીઓને ફરીથી બોલાવવામાં આવશે.

એક સમિતિએ મેટાના CEO માર્ક ઝુકરબર્ગને ત્રણ દિવસની અંદર બિનશરતી માફી માંગવા કહ્યું હતુ. સમિતિએ જણાવ્યું હતું કે જો નિર્ધારિત સમયમર્યાદામાં માફી માંગવામાં નહીં આવે તો IT કાયદા હેઠળ મેટા દ્વારા મેળવેલા કાનૂની રક્ષણ અને મુક્તિઓ રદ કરી શકાય છે. આનાથી કંપની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

IT મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું હતું કે બેઠક દરમિયાન મંત્રાલય ભારતીય કાયદાઓનું પાલન મેટા દ્વારા કરવામાં આવતી કામગીરીની તપાસ કરશે અને VIP એકાઉન્ટ્સને સુરક્ષિત રાખવા માટે રચાયેલ સુરક્ષા પગલાં કેમ નિષ્ફળ ગયા તેની તપાસ કરશે. વધુમાં WhatsAppની વપરાશકર્તા નામ નીતિ અને Instagram પર બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રી (CSAM) ની હાજરી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવશે.

જણાવી દઈએ કે 23 જુલાઈના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ Instagram અને Facebook પર યુવાનોને સંબોધિત એક વિડિઓ પોસ્ટ કરી હતી જેમાં પેપર લીકની ઘટનાઓ અંગે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ તરત જ Meta એ પોસ્ટ દૂર કરી. કંપનીએ પાછળથી પોસ્ટ પુનઃસ્થાપિત કરી અને તેને દૂર કરવાનું કારણ ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું. જોકે Meta એ ઘટના માટે માફી માંગી હતી, IT મંત્રાલયને કંપનીનો ખુલાસો સંતોષકારક લાગ્યો ન હતો.

Most Popular

To Top