ભારતીય શેરબજારમાં આજે શરૂઆતમાં જોરદાર તેજી જોવા મળ્યા બાદ અંતે વેચવાલીનું દબાણ વધતાં બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 533 પોઈન્ટથી વધુ ઉછળીને 73,062.23ની સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ દિવસ દરમિયાન થયેલી ભારે વેચવાલીને કારણે આ સમગ્ર તેજી ધોવાઈ ગઈ હતી. અંતે સેન્સેક્સ 48.78 પોઈન્ટ ઘટીને 72,480.29 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 50માં પણ શરૂઆતમાં 93.15 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો અને તે 22,809.35ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે આ તેજી પણ ટકી શકી નહોતી. અંતે નિફ્ટી 95.75 પોઈન્ટ ઘટીને 22,620.45 પર બંધ રહ્યો હતો.
બજારમાં આજે શરૂઆતમાં બેંકિંગ, ફાઈનાન્સ, ઓટોમોબાઈલ અને IT શેરોમાં ખરીદી જોવા મળી હતી. અગાઉના ઘટાડાને પગલે કેટલાક શેરોમાં શોર્ટ કવરિંગ થતાં બજારને શરૂઆતમાં ટેકો મળ્યો હતો. જોકે બાદમાં ફંડો અને મોટા રોકાણકારોએ ઉછાળે વેચવાલી કરતાં બજારનો ટ્રેન્ડ બદલાઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો પણ બજાર માટે ચિંતાનું કારણ બન્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ યથાવત રહેતાં અને ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હળવા કરવા તથા તેની જપ્ત સંપત્તિ મુક્ત કરવા અંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કોઈ રાહત ન મળતાં ક્રૂડના ભાવમાં તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ આશરે દોઢ ટકા વધીને 98 ડોલરની નજીક અને નાયમેક્સ ક્રૂડ 91 ડોલરની નજીક પહોંચ્યું હતું. ક્રૂડ મોંઘું થવાથી મોંઘવારી અને કંપનીઓના ખર્ચ અંગેની ચિંતા ફરી વધી છે.
આ ઉપરાંત 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે ભારતીય શેરબજાર બંધ રહેવાનું હોવાથી આગામી ત્રણ દિવસની રજા પહેલાં પણ કેટલાક ફંડો અને મોટા રોકાણકારોએ ઉછાળે નફો બુક કરવાનું પસંદ કર્યું હતું. તેની અસર બજારની તેજી પર જોવા મળી હતી. આજે સૌથી વધુ દબાણ હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં જોવા મળ્યું હતું. સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.40 ઘટીને રૂ.1,820 પર બંધ રહ્યો હતો. ઈન્નોવા કેપટેબ રૂ.114.45 ઘટીને રૂ.1,158.15, વેનબરી રૂ.18.25 ઘટીને રૂ.198.90 અને ઈન્ડસ્વિફ્ટ લેબ રૂ.27.15 ઘટીને રૂ.386.50 રહ્યો હતો.
અપોલો હોસ્પિટલ્સમાં રૂ.563.40નો મોટો ઘટાડો નોંધાઈને શેર રૂ.8,138.50 પર બંધ રહ્યો હતો. ફોર્ટિસ હેલ્થકેર રૂ.50.80 ઘટીને રૂ.768.20, મેક્સ હેલ્થકેર રૂ.54.25 ઘટીને રૂ.929.70 અને એસ્ટર ડીએમ રૂ.39.70 ઘટીને રૂ.695.60 પર બંધ થયા હતા. વોક્હાર્ટમાં પણ રૂ.82.60નો ઘટાડો નોંધાયો હતો. પરિણામે BSE હેલ્થકેર ઈન્ડેક્સ 1,205.78 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 50,047.10 પર બંધ રહ્યો હતો. મેટલ અને માઈનિંગ શેરોમાં પણ ઉછાળે નફાવસૂલી જોવા મળી હતી. અદાણી એન્ટરપ્રાઈઝિસ રૂ.65.75 ઘટીને રૂ.2,900.25, ટાટા સ્ટીલ રૂ.3.30 ઘટીને રૂ.184.65 અને હિન્દાલ્કો રૂ.16.30 ઘટીને રૂ.942.30 પર બંધ રહ્યો હતો. નાલ્કો રૂ.4.20 અને લોઈડ્સ મેટલ રૂ.21.65 ઘટ્યા હતા. JSW સ્ટીલમાં પણ રૂ.13.30નો ઘટાડો નોંધાયો હતો. BSE મેટલ ઈન્ડેક્સ 508.97 પોઈન્ટ ઘટીને 40,516.78 પર બંધ રહ્યો હતો.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાની અસર જ્વેલરી કંપનીઓના શેરો પર પડી હતી. કલ્યાણ જવેલર્સ રૂ.16.80 ઘટીને રૂ.553.20 અને ટાઈટન કંપની રૂ.94 ઘટીને રૂ.4,590 પર બંધ રહી હતી. હેવેલ્સ રૂ.30.70 ઘટીને રૂ.1,015.20, બ્લુ સ્ટાર રૂ.42.55 ઘટીને રૂ.1,517.45 અને વોલ્ટાસ રૂ.24.30 ઘટીને રૂ.1,070.70 પર બંધ થયા હતા. ડિક્સન ટેક્નોલોજીમાં રૂ.172નો ઘટાડો નોંધાયો હતો. BSE કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 850.92 પોઈન્ટ ઘટીને 58,603.05 પર બંધ રહ્યો હતો.
બીજી તરફ બેંકિંગ અને ફાઈનાન્સ શેરોએ બજારને થોડો ટેકો આપ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.11.60 વધીને રૂ.417.60, IDFC ફર્સ્ટ બેંક રૂ.1.86 વધીને રૂ.81.45 અને ICICI બેંક રૂ.29.90 વધીને રૂ.1,322.50 પર બંધ થયા હતા. AU બેંક રૂ.19 વધીને રૂ.1,015 અને બેંક ઓફ બરોડા રૂ.3.30 વધીને રૂ.231 પર બંધ થઈ હતી. ઈન્ડસઈન્ડ બેંકમાં પણ રૂ.12.70નો વધારો થયો હતો. BSE બેન્કેક્સ ઈન્ડેક્સ 419.37 પોઈન્ટ વધીને 61,725.25 પર બંધ રહ્યો હતો. ઓટોમોબાઈલ શેરોમાં પણ ઘટાડાના સ્તરે પસંદગીની ખરીદી જોવા મળી હતી. બોશ રૂ.1,535.20 વધીને રૂ.47,100. મધરસન રૂ.3.80, સોનો BLW રૂ.15.80 અને હીરો મોટોકોર્પ રૂ.95.25 વધ્યા હતા. યુનો મિન્ડા રૂ.19.95 વધીને રૂ.1,181.35 અને MRF રૂ.2,075.65 વધીને રૂ.1,25,403 પર બંધ રહ્યો હતો. BSE ઓટો ઈન્ડેક્સ 109.34 પોઈન્ટ વધીને 58,161.59 પર બંધ રહ્યો હતો.
IT અને ટેક્નોલોજી શેરોમાં પણ કેટલાક પસંદગીના શેરોમાં ખરીદી જોવા મળી હતી. TVS ઈલેક્ટ્રોનિક્સ રૂ.40.65 વધીને રૂ.415.35, ઓરમ રૂ.11.15 વધીને રૂ.232 અને ઓરેકલ ફિનસર્વ રૂ.358.40 વધીને રૂ.10,758.40 પર બંધ રહ્યો હતો. ટાટા ટેક્નોલોજી, માસ્ટેક અને રેટગેઈનના શેરોમાં પણ વધારો નોંધાયો હતો. TCS રૂ.14 વધીને રૂ.2,050 અને ટેક મહિન્દ્રા રૂ.12.45 વધીને રૂ.1,532.85 પર બંધ રહ્યો હતો. BSE IT ઈન્ડેક્સ 50.08 પોઈન્ટ વધીને 26,718.55 પર બંધ રહ્યો હતો. કેપિટલ ગુડ્સ ક્ષેત્રમાં એકંદરે વેચવાલીનું દબાણ રહ્યું હતું, જોકે કેટલાક શેરોમાં ખરીદી જોવા મળી હતી. કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.51.60 વધીને રૂ.1,252, થર્મેક્સ રૂ.99.15 વધીને રૂ.3,390.85 અને LG ઈક્વિપમેન્ટ રૂ.13.70 વધીને રૂ.609.70 પર બંધ થયા હતા. ડાટા પેટર્ન્સ, ટીમકેન અને સિમેન્સમાં પણ વધારો થયો હતો. જોકે BSE કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 215.45 પોઈન્ટ ઘટીને 74,129.75 પર બંધ રહ્યો હતો.
બજારની અંદરની પહોળાઈ પણ નબળી રહી હતી. BSE પર કુલ 4,746 શેરોમાં કારોબાર થયો હતો, જેમાં વધનારા શેરોની સંખ્યા ઘટીને 1,271 રહી હતી, જ્યારે ઘટનારા શેરોની સંખ્યા વધીને 3,218 થઈ હતી. આ આંકડા દર્શાવે છે કે મુખ્ય ઈન્ડેક્સમાં ઘટાડો મર્યાદિત હોવા છતાં મોટી સંખ્યામાં શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને FIIએ કેશ સેગમેન્ટમાં રૂ.10,148.41 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. તેમણે કુલ રૂ.14,967.82 કરોડની ખરીદી સામે રૂ.25,116.23 કરોડના શેર વેચ્યા હતા. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે DIIએ રૂ.11,271.73 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. DIIએ કુલ રૂ.24,413.76 કરોડના શેર ખરીદ્યા સામે રૂ.13,142.03 કરોડની વેચવાલી કરી હતી.
બજારમાં થયેલી વ્યાપક વેચવાલીની અસર રોકાણકારોની કુલ સંપત્તિ પર પણ પડી હતી. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન એક જ દિવસમાં આશરે રૂ.64 હજાર કરોડ ઘટ્યું હતું અને રૂ.471.86 લાખ કરોડના સ્તરે આવી ગયું હતું. આમ, દિવસની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હોવા છતાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ, આંતરરાષ્ટ્રીય તણાવ, રજાઓ પહેલાંની નફાવસૂલી અને ફાર્મા સહિતના અનેક ક્ષેત્રોમાં થયેલી વેચવાલીએ બજારની તેજી ધોઈ નાખી હતી. બેંકિંગ, ઓટો અને IT શેરોમાં થયેલી ખરીદી બજારને અંતે ઘટાડામાંથી બચાવી શકી નહોતી.