અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે રોકાણનો રસ્તો અપનાવતા ભારતીયો માટે મોટો ખર્ચ વધવાનો છે. અમેરિકાના EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામની કેટલીક મુખ્ય ફીમાં 100 ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. નવી ફી 30 નવેમ્બર 2026થી લાગુ થશે. ખાસ કરીને રિજનલ સેન્ટર મારફતે અરજી કરનારા રોકાણકારો માટે Form I-526Eની ફી 114 ટકા વધીને 3,675 ડોલરથી 7,850 ડોલર થઈ જશે. EB-5 પ્રોગ્રામ એવા વિદેશી રોકાણકારો માટે છે, જેઓ અમેરિકામાં યોગ્ય બિઝનેસ અથવા પ્રોજેક્ટમાં રોકાણ કરીને કાયમી નિવાસ એટલે કે ગ્રીન કાર્ડ મેળવવા માગે છે. આ પ્રોગ્રામ હેઠળ રોકાણકાર ઉપરાંત તેમના પતિ અથવા પત્ની અને લાયક બાળકોને પણ ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં સામેલ કરી શકાય છે. રોકાણ સાથે અમેરિકામાં ઓછામાં ઓછી 10 લાયકાત ધરાવતી ફુલ-ટાઇમ નોકરીઓનું સર્જન કરવું પડે છે.
નવી ફી મુજબ સ્વતંત્ર રીતે EB-5 માટે અરજી કરનારા રોકાણકારો માટે Form I-526ની ફી 3,675 ડોલરથી વધીને 7,615 ડોલર થશે. એટલે તેમાં 3,940 ડોલરનો વધારો થશે, જે લગભગ 107 ટકા છે. બીજી તરફ USCIS-માન્ય રિજનલ સેન્ટર મારફતે અરજી કરનારા રોકાણકારો માટે પ્રારંભિક Form I-526Eની ફી 3,675 ડોલરથી વધીને 7,850 ડોલર થશે. એટલે આ ફીમાં 4,175 ડોલર એટલે કે લગભગ 114 ટકાનો વધારો થશે. નવી વ્યવસ્થામાં I-526 અને પ્રારંભિક I-526E ફી સાથે 75 ડોલરની EB-5 ટેકનોલોજી ફીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રિજનલ સેન્ટર મારફતે અરજી કરનારા રોકાણકારો માટે અલગ EB-5 Integrity Fund ફી પણ લાગુ થશે, જે 1,000 ડોલરથી વધીને 1,100 ડોલર થશે. એટલે રિજનલ સેન્ટર દ્વારા નવી અરજી કરનાર માટે માત્ર આ બે સરકારી ફી મળીને 8,950 ડોલર થઈ શકે છે.
EB-5 પ્રોગ્રામમાં માત્ર રોકાણકારોની અરજીની ફી જ નહીં, પરંતુ રિજનલ સેન્ટર સંબંધિત કેટલીક ફીમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રારંભિક Form I-956ની ફી 17,795 ડોલરથી વધીને 44,115 ડોલર થશે. આ ફોર્મ રિજનલ સેન્ટર તરીકે માન્યતા મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. બીજી તરફ Form I-956Fની ફી 17,795 ડોલરથી વધીને 42,675 ડોલર થશે. આ ફોર્મ ચોક્કસ રોકાણ પ્રોજેક્ટની મંજૂરી માટે જરૂરી છે. કેટલીક ફીમાં ઘટાડો પણ કરવામાં આવ્યો છે. રિજનલ સેન્ટરનું વાર્ષિક Form I-956G ફાઇલ કરવાની ફી 3,035 ડોલરથી ઘટીને 2,165 ડોલર થશે. જોકે મુખ્ય રોકાણકાર અરજી સાથે જોડાયેલી ફીમાં થયેલા વધારાની સરખામણીમાં આ ઘટાડો નાનો છે.
ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયાના આગળના તબક્કે પણ ફીમાં વધારો થયો છે. શરતી કાયમી નિવાસની શરતો દૂર કરવા માટે ભરવામાં આવતા Form I-829ની ફી 3,750 ડોલરથી વધીને 5,000 ડોલર થશે. આ ફીમાં લગભગ 33 ટકાનો વધારો છે. જૂના એટલે કે 2022ના EB-5 સુધારા પહેલાંના I-526 કેસ સાથે જોડાયેલા ચોક્કસ ફેરફારો માટે નવા Form I-527ની ફી 10,330 ડોલર નક્કી કરવામાં આવી છે. USCISનું કહેવું છે કે નવી ફી EB-5 પ્રોગ્રામ ચલાવવાનો વહીવટી ખર્ચ વસૂલવા અને કાર્યક્રમના સંચાલન, પ્રોસેસિંગ તથા ઈન્ટિગ્રિટી સંબંધિત કામગીરીને ટેકો આપવા માટે નક્કી કરવામાં આવી છે. નવા નિયમમાં EB-5 પ્રોગ્રામ માટે જરૂરી વહીવટી વ્યવસ્થા અને ટેકનોલોજી સુધારવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભારતીયો માટે આ ફેરફાર એટલા માટે મહત્વનો છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં EB-5 માર્ગમાં ભારતીય રોકાણકારોની રસ અને માંગ વધી છે. જોકે નવી ફી ભારતના નાગરિકો માટે અલગથી નક્કી કરવામાં આવી નથી. આ ફી અન્ય વિદેશી રોકાણકારોની જેમ ભારતીય અરજદારોને પણ લાગુ થશે. એટલે ભારતીયો માટે ખાસ વધારાની ફી નથી, પરંતુ અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે રોકાણના માર્ગે જતાં તેમના કુલ સરકારી ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. અહીં એક મહત્વની બાબત એ છે કે ફી વધારાનો અર્થ એ નથી કે EB-5 માટે કરવાનું મૂળ રોકાણ પણ એટલું જ વધી ગયું છે. નવી ફી મુખ્યત્વે USCISને ચૂકવવાની અરજી અને સંબંધિત સરકારી ફી છે. EB-5 હેઠળ જરૂરી રોકાણની રકમ અલગ છે. હાલ લાયકાત ધરાવતા Targeted Employment Area અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછું 8 લાખ ડોલર અને અન્ય લાયક રોકાણ માટે 10.5 લાખ ડોલરનું રોકાણ જરૂરી છે. આ સિવાય ઓછામાં ઓછી 10 લાયકાત ધરાવતી ફુલ-ટાઇમ નોકરીઓનું સર્જન કરવાનું માપદંડ પણ છે.
EB-5 પ્રોગ્રામ અમેરિકી કોંગ્રેસે 1990માં શરૂ કર્યો હતો. તેનો મુખ્ય હેતુ વિદેશી મૂડીને અમેરિકામાં લાવવાનો અને રોજગારનું સર્જન કરવાનો હતો. સમય જતાં આ કાર્યક્રમમાં અનેક ફેરફાર થયા છે અને 2022ના EB-5 Reform and Integrity Act બાદ રિજનલ સેન્ટર કાર્યક્રમ માટે નિયમો અને દેખરેખમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવી ફી 30 નવેમ્બર 2026થી લાગુ થવાની હોવાથી EB-5 માટે અરજી કરવાની તૈયારી કરતા રોકાણકારો માટે ફાઇલિંગની તારીખ મહત્વપૂર્ણ બની શકે છે. 30 નવેમ્બર અથવા ત્યારબાદ પોસ્ટમાર્ક કરવામાં આવેલી અરજી પર નવી ફી લાગુ થશે. જોકે ગ્રીન કાર્ડ મળવાની પ્રક્રિયા માત્ર ફી ભરવાથી નક્કી થતી નથી. રોકાણની પાત્રતા, પ્રોજેક્ટની મંજૂરી, રોજગાર સર્જન અને વિઝા ઉપલબ્ધતા જેવા અન્ય માપદંડ પણ મહત્વપૂર્ણ રહે છે. આ રીતે EB-5 દ્વારા અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા ભારતીયો માટે હવે સરકારી અરજી ખર્ચ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. ખાસ કરીને રિજનલ સેન્ટર મારફતે અરજી કરનારા રોકાણકારો માટે મુખ્ય અરજી ફીમાં 114 ટકાનો વધારો થયો છે. જોકે આ વધારો રોકાણની મૂળ રકમમાં નહીં, પરંતુ અમેરિકી સરકારને ચૂકવવાની ફીમાં થયો છે.